કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૭. નૅણ ના ઉલાળો

Revision as of 02:09, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭. નૅણ ના ઉલાળો

નૅણ ના ઉલાળો તમે ઊભી બજાર
                           અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
                                     ટીકીટીકીને જુએ કોક.
અમથા જો ગામને સીમાડે મળો તો તમે
                           ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
                           ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!
લાજને ન મેલો આમ નેવે કે રાજ
                           અહીં આવે ને જાય લાખ લોક.
નૅણના ઉલાળામાં એવું કો ઘેન
                           હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
                           પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
                           અહીં આવે ને જાય લાખ લોક.

૧૯૫૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૯)