કિન્નરી ૧૯૫૦/આવ, સખી, આવ

આવ, સખી, આવ


આવ, સખી, આવ,
વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ,
વિરહને તીરે તીરે!
હો વેળુથી વેરાન બેઉ તટે
વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
આષાઢની સઘન ઘટા;
ધૂપ હો વા છાંવ,
સહી જશું નત શિરે;
મિલનની નાવ
વહી જશું ધીરે ધીરે!

૧૯૫૦