કિન્નરી ૧૯૫૦/નૃત્યકાલી

નૃત્યકાલી

નાચે નૃત્યકાલી,
માદલઘેરા બાદલતાલે લેતી તાલી!
લ્હેરતી એની લટના કોપે
ખેરતી રે લખ તારા,
પાયની ઠેકે પળમાં લોપે
દિશદિશાના આરા;
વીજનું ખડગ રૂઠતાં ભુવન ઊઠતાં હાલી!
રુદ્ર રે આ લયનો રાગી
રૂપસમન્દર ડોલે,
જુગની જાણે નીંદર ત્યાગી
આજ એનો જય બોલે;
આજ ધરાના પ્રાણમાં ફરી પ્રગટી લાલી!

૧૯૪૮