ખારાં ઝરણ/આમ તો બરદાસ્તની પણ બહાર છે

આમ તો બરદાસ્તની પણ બહાર છે

આમ તો બરદાસ્તની પણ બહાર છે,
જી, હૃદય પર એવા એવા ભાર છે.

સત્ય છે પણ તું તરત બોલી ન દે,
એ સમજદારીની તીણી ધાર છે.

ખાસ ટાણે માંડ આવે આંસુઓ,
ઓરમાયો, મેઘનો, વહેવાર છે.

વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,
પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.

આપનો ‘ઇર્શાદ’, ખાસ્સો છે ઋણી,
આ બધા ઘા કેવા નકશીદાર છે.
૧૩-૮-૨૦૦૭