ખારાં ઝરણ/માંડ થયું છે મન મળવાનું

માંડ થયું છે મન મળવાનું

માંડ થયું છે મન મળવાનું,
આ ટાણું એમ જ ટળવાનું?

આંખ મીંચી દો પરથમ પહેલાં,
સ્વપ્ન પછી આંખે પળવાનું.

રોજ કુહાડા થડ પર પડતા,
બોલ, હવે ક્યારે ઢળવાનું?

કેમ મને મૂંઝવવા ઈચ્છે?
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?

બે આંખે ‘ઇર્શાદે’ છે આંસુ,
ઊને-પાણીએ ઘર બળવાનું?
૧૭-૮-૨૦૦૭