ખારાં ઝરણ/હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે

હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે

હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે?
હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે?

સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું,
ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે?

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે?

ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે,
મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે?

ઘણીયે વાર પૂછું છું મને ‘ઇર્શાદ’ સાંજકના,
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે?


૨૧-૭-૨૦૦૯