ગાતાં ઝરણાં/‘આવી નથી શકતો’

From Ekatra Wiki
Revision as of 02:37, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''‘આવી નથી શકતો’'''</big></big></big></center> {{Block center|<poem> સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો, તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો. હે પરવશ પ્રેમ! શું એે પ્રસંગ એકવાર ના આવે? એ બોલાવે મને, ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘આવી નથી શકતો’


સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.

હે પરવશ પ્રેમ! શું એે પ્રસંગ એકવાર ના આવે?
એ બોલાવે મને, ને હું કહું : ‘આવી નથી શકતો.’

ક્ષમા કર હે જગત! છે કરમહીં બેડી મહોબ્બતની,
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો.

ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું,
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો.

હે, દીપક! બોધ લે કંઈ સ્વાર્પણનો મારા જીવનથી,
હું સળગું છું કદી બીજાને સળગાવી નથી શકતો.

સમજ હે, વેદના! એને તો ઠરવા દે વિરહ-રાતે,
કઝાનાં દ્વાર હું જઈ જઈને ખખડાવી નથી શકતો.

પરાધીનતાની અંતિમ હદ હવે આવી ગઈ હૈ, દિલ!
હું તારા હાલ પર પણ શોક દર્શાવી નથી શકતો.

દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દૃષ્ટિ,
‘ગની’, પાનાં જીવન-પુસ્તકનાં ઉથલાવી નથી શકતો.

૩૧-૫-૧૯૪૭