ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/ગુજરાતી દલિત કવિતા – સંપા. નીરવ પટેલ

From Ekatra Wiki
Revision as of 00:00, 9 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી દલિત કવિતા, સંપા. નીરવ પટેલ, ૨૦૧૦
વ્યગ્રતા અને સભાનતાની અધવચ

નીરવ પટેલ ગુજરાતી દલિત કવિતાનો બલકે ગુજરાતી કવિતાનો એક નોખો સર્જક-અવાજ છે. પીડાની અને આક્રોશની, અભાવોની અને અવહેલનાની દુર્દમ્ય લાગણીઓને પણ એમણે સંકેતરચનાઓ દ્વારા વાચા આપેલી છે. એમાં સર્જકતાના બળની સાથે જ એમના અંગ્રેજી સાહિત્યના પરિશીલન-અધ્યયનનું બળ પણ વરતી શકાય છે. આવો સાચકલો અને વિદગ્ધ સર્જક જ્યારે ગુજરાતી દલિત કવિતાનું સંપાદન ભારતીય સાહિત્ય અકાદેમી માટે કરી આપે ત્યારે એમાંથી પસાર થવાની જિજ્ઞાસા થાય – થોડીક અપેક્ષાઓ પણ આપણને ઘેરી વળે. ‘સંપાદન ટાણે સંવેદન’ નામનો એમનો સંપાદકીય લેખ એક કેફિયત જેવો બન્યો છે. એમાં, ગુજરાતી દલિત કવિતાની ગતિવિધિનો – પીડાની નરી અભિવ્યક્તિથી લઈને દલિત-આંદોલન લગીના એના વિકાસનો – ટૂંકો, સુરેખ આલેખ ઊપસ્યો છે, અને એ સાથે જ દલિતસંવેદન અને દલિતકવિતા અંગેના એમના દૃષ્ટિબિંદુનો પણ, કંઈક તણાવભર્યો આલેખ ઊપસ્યો છે. એક તરફ એ કહે છે કે, ‘અન્યાય-અત્યાચાર-શોષણ-દમનનો ભોગ બનતા એ બેબસ માનવીઓની આક્રંદ કે આક્રોશસભર વાણી મને હંમેશા દલિતકવિતા લાગી છે. એમાં લય, પ્રાસ, છંદ કે અલંકાર હોય કે ન હોય, શું ફર્ક પડે છે?’ (પૃ. x) વળી કહે છે : ‘રદિફ-કાફિયા કે છંદપિંગળને શું ધોઈ પીવાં છે? શું ફર્ક પડે છે અમારી પીડાની વાત ૧૪ લીટીમાં પૂરી થાય કે ૫૪ લીટીમાં? એને કોઈ સૉનેટ કહે કે ખંડકાવ્ય – શું ફર્ક પડે છે દલિત કવિને?’ (xi) આ ઉપરાંત, ‘આંબેડકર પણ ક્યાં કવિ હતા?’ એમ કહીને, એમનાં ભાવના-લાગણીસભર સંભાષણો-પ્રવચનોના વાક્યાંશોને ‘અછાંદસ અભિવ્યક્તિ’ કહીને ‘આધુનિક દલિત કવિતાના આદિકવિ તો આંબેડકરને જ ગણી શકાય’ (x) એમ લેખક ઉમેરે છે. તો, બીજી તરફ તે કહે છે, ‘તલવારનું સૌંદર્ય એની હીરાજડિત ને સુંદર નકશીકામ કરેલી મૂઠમાં નહીં બલકે તીક્ષ્ણ પ્રહાર કરી શકે તેવી તેની ધારમાં રહેલું છે. અલબત્ત, જેમાં નકશીકામ પણ હોય અને તીક્ષ્ણ ધાર પણ હોય તો તો સોનામાં સુહાગા’ (xvi) અને સર્જક લેખેની સભાનતાથી તરત તે જાણે અંડરલાઈન કરે છે – ‘દલિત કવિએ એ સિદ્ધ કરવાનું રહે છે.’ (xvi) લાગે છે કે સંપાદકે આવા અંતિમો પર પ્રવર્તવાની જરૂર ન હતી – છેક ૨૦૧૦માં તો નહીં જ. ભાવના-લાગણી-વિચારની કોઈપણ અભિવ્યક્તિ – એ લેખની હોય, કે સૂત્રની, કે સંભાષણની હોય – એ અસરકારક, હૃદયદ્રાવક અવશ્ય હોઈ શકે, પણ એને ‘કવિતા’માં ખેંચી જવાની જરૂર નથી. સંભાષણનું ને કવિતાનું (કશી જ ઉચ્ચાવચતાની તુલના વિના) પોતપોતાનું આગવું વૈશિષ્ટ્ય હોય છે. બીજી બાજુ, છંદ-પ્રાસ-સૉનેટ એ કવિતામાં શણગારરૂપે ઓઢાડાય / ચોંટાડાય છે એવો નિરર્થક અભિગ્રહ ઊભો કરીને દલિત કવિતા અને અન્ય કવિતાને જુદી પાડવાનું પણ શા માટે કરવાનું હોય? (અને એ નીરવ ન જાણતા હોય એવું કેમ બને?) કો-ઈ-પ-ણ સાચો કવિ ૧૪-૫૪ની પળોજળમાં ક્યાં પડતો હોય છે – સિવાય કે કોઈને ‘કવિતા’નો ખાડો પૂરવા ૧૪ લીટી સુધી ખેંચાવું કે અટકવું જરૂરી લાગ્યું હોય? સમગ્ર ગુજરાતીની કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓ ૧૩ કે ૧૫ લીટીની નથી? અને એમાંય છંદ-પ્રાસ અનિવાર્ય જ છે એવું પણ ક્યાં છે? એટલે ‘હીરાજડિત કે નકશીકામ’ જેવી કારીગરીની વાત પણ નિરર્થક ઉપસાવેલો ઉદ્ગાર બની રહે છે. આ તો કેફિયતનો અંશ, પણ સંપાદકની વાસ્તવિક મૂંઝવણ – જે આ સંપાદનની કે કોઈપણ સંપાદનની કસોટી કરનાર નીવડે છે તે તો – કૃતિપસંદગી અંગેની છે. ને એ ઘડ-ભાંજનો, સંપાદકે બહુ સરસ શબ્દ યોજ્યો છે કે એ ‘તાવણી’નો, આલેખ પણ જોવા જેવો છે. દલિત કવિતા કોને ગણવી એ સમસ્યાનો કામચલાઉ ઉકેલ તો એમણે, ‘જન્મે બિનદલિત એવા [...] કવિઓને લઈને જ એક ‘દલિત કવિતા સંચય’ બની શકે!’ (xvi) એવા સંકલ્પને અલગ પાડીને, કરી જ લીધો. છતાં ‘જન્મે દલિત’ કવિઓના આ સંચયનું કામ પણ એમને એટલું સરળ નથી લાગ્યું. સાડા ચાર દાયકાની મરાઠી દલિત કવિતાનો, ૨૨ કવિઓને જ સમાવતો એક સંચય એમની સામે, એક આધાર તરીકે હતો પણ પ્રો. યશવંત વાઘેલાએ નોંધેલા, ‘૨૦૦૫ સુધીમાં ૬૩ જેટલા ગુજરાતી દલિત-શોષિત સર્જકોના ૧૦૮ જેટલા કાવ્યસંગ્રહો’ની વિપુલતા જ,, સંપાદક કહે છે કે, ‘મારે માટે મૂંઝવણનો મુદ્દો બની રહી છે.’ એટલે ૨૦૦૫માં એમને સોંપાયેલું કામ તે, અઢી વરસે, ૨૦૦૮માં પૂરું કરી શકે છે. (ને અકાદેમી એને ‘પ્રગટ’ કરે છે ૨૦૧૦માં.) કવિતાના જાણતલ આ સર્જક-સંપાદક એમાંથી શો રસ્તો કાઢે છે? પૂરી નિખાલસતાથી આ વિદગ્ધ સંવેદનશીલ સંપાદક કહે છે : ‘માંડ અઢી દાયકાનું ગુજરાતી દલિત સાહિત્ય – આપણે ત્યાંની વિપુલતા કે ભેળસેળથી હું આશ્ચર્યચકિત છું, અનેક પ્રકારની મૂંઝવણોનાં સમાધાન ન થવા છતાં, અથવા મોટાં સમાધાનો કરીને હું ૩૦ કવિઓની ૧૦૦ રચનાઓ આ સંપાદનમાં મૂકું છું – સર્વને રાજી રાખવા જ તો. અને તેમ છતાં ઘણા કવિઓ સ્થાન પામી શક્યા નથી એનું કારણ કેવળ સ્થળસંકોચ છે. ગુજરાતી દલિત કવિતાના આ કાચા-પાકા એમ મિશ્ર અવાજો છે.’ (xvi) કવિતા અંગેની સંપાદકની ઝીણી સમજ ‘ભેળસેળ’નું આશ્ચર્ય, ‘મોટાં સમાધાનો’, ‘કાચા-પાકા અવાજો’ – એવા ઉદ્ગારોમાં વરતાઈ આવે છે. પણ આશ્ચર્ય એ કે, તો પછી એમણે ‘સૌને રાજી રાખવા’નો જોખમી રસ્તો, અકારણ, શા માટે પકડી રાખ્યો હશે? ‘અકારણ’ એક તો એટલા માટે કે આ સંપાદક કશી બીજી-ત્રીજી ‘ગણતરી’વાળા તો છે નહીં; ને બીજું એટલા માટે કે બહુસમાવેશને માટે એમણે કવિઓને બદલે કૃતિઓને લક્ષ્ય કરી હોત તો, ૧૦૦ કાવ્યોમાં (ને આટલાં પાનાંમાં) તો જે ‘સ્થાન પામી શક્યા નથી’ તેમાંથી થોડાક વધુ તેજસ્વી કવિઓની રચનાઓ પણ તે સમાવી શક્યા હોત. સંપાદકીય લેખને અંતે એમણે ચંદ્રેશ મકવાણા, ઉમેશ સોલંકી અને અશોક ચાવડાની જે પંક્તિઓ ઉદ્ધૃત કરી છે એ એવી ધ્યાનપાત્ર છે કે, કૃતિઓને જ લક્ષ્ય કરવાથી લાભ થયો હોત, એવો સ્પષ્ટ સંકેત એ આપે છે. હવે, સંચયની કૃતિઓ ઉપર એક નજર નાખીએ. ‘કવિતા’ ઉપર ધ્યાન ઠેરવવાથી કશો અત્યાગ્રહ થશે એમ કોઈ રખે માની લે. ઉદ્ગાર અને કાવ્યોદ્ગાર બલકે સંકેતોદ્ગાર વચ્ચે ભેદ તો રહેવાનો – એ દલિત રચનામાંનો હોય કે એ સિવાયની રચનામાંનો હોય. આ કાવ્યોના સંવેદનવિષયોનો વ્યાપ મોટો છે – સમગ્ર ગુજરાતી દલિતકવિતાનું એ રીતે તે પ્રતિનિધિત્વ કરે છે. અભાવો, અવહેલના અને અત્યાચારોની પીડા; એમાંથી ફૂટતો આક્રોશ; કડવાશ અને પ્રતિશોધના ભાવોમાં આખરે તો પછડાયે જતી વેદના ને એની હતાશા; અન્યાય સામેનો ફુત્કાર ને માનવલેખેના અધિકારનું આંદોલન. વ્યાપક સમાજ સાથેનો પહેલો મનોસંઘર્ષ ને એની વેદના દલિત બાળકની શાળામાં જવાની ક્ષણથી આરંભાય છે – એ એકાધિક રચનાઓમાં જોવા મળે છે. આક્રંદથી માંડીને આંદોલન સુધી વિસ્તરતી અભિવ્યક્તિ તેમજ તીણા કે બળબળતા સીધા ઉદ્ગારોથી માંડીને માર્મિકતાથી શારી નાખતી સંકેતરચનાઓ સુધીનો આલેખ અહીં છે. પણ એમાંથી મન પર અંકાઈ જતી રચનાઓ કેટલી? કઈ? રાજુ સોલંકીની ‘મિડાસ’ (૩૩) સહજ માત્રામેળી લય અને પ્રાસમાં સરતી સાફ રચના છે ને સ્પૃશ્ય-અસ્પૃશ્યની તેમજ વૃત્તિ-ભેદની વિડંબનાને કથાગતિમાં બહેલાવતી સરસ રચના છે. પણ પછી એમની બીજી ચાર, અછાંદસ્માં લખાયેલી રચનાઓ વિગતોમાં વેરાઈ ગઈ છે. વાલ્મીકિનો ક્રૌંચવધ (પરવેદના-સંવેદન)નો શોક શ્લોકત્વ પામ્યો પણ ‘અમારી / રોજની / આ ચીસ.... / અને ચિચિયારીઓમાંથી / શું રચાશે?’ (૫૯) એ યશવંત વાઘેલાની રચના બહુ લાક્ષણિક દલિત-સંવેદન આલેખે છે ને ‘શું રચાશે?’નો પ્રશ્નાર્થ હતાશા આગળ ન અટકી જતાં એક બીજો સંકેત પણ આપે છે એ ધ્વનિ-અર્થ પ્રગટાવી શકે છે. આ કવિની અહીં મુકાયેલી બીજી રચનાઓ, લય નહીં પણ ‘મારી પાસે તો / પ્રલંબિત નિશ્વાસ’ છે’ (પૃ. ૫૮) એવી શક્યતા આપીને પછી દુઃખોના જાણે સમાચાર આલેખતી હોય એવી પદ્યાકૃતિઓ જ બની રહે છે. જયંતિ પરમારની ‘પુનર્જન્મ’ જરા વધુ નોંધપાત્ર રચના છે. કવિ ગાંધીજીને કહે છે ‘તમે કહ્યુું હતું / પુનર્જન્મનું, / જન્મશો તો હરિજનને જ ઘેર.’ એથી ચિંતામાં છું. ‘તમે છો ક્યાં વસ્યા? કયા દલિત ઘરમાં જન્મ્યા? / બાપુ, પ્રગટ થાઓ / ભૂલમાં તમે રહેંસાઈ ન જાઓ’ – એમાં ગાંધીજીની બીજી (એમ વારંવારની) હત્યા જ નહીં, ઓળખ વિનાના એક નગણ્ય તરીકે એમની હત્યાની દારુણતાને, ને એમ દલિત-સંહારની નૃશંસતાને, સંકેતે છે. ને એ સાચે જ વેધક બને છે. અહીં બે કવિઓની રચનાઓ જરાક જુદી રીતેય વિશિષ્ટ છે. એ. કે. ડોડિયા અને રમણ વાઘેલાની રચનાઓમાં કાવ્ય-સ્વરૂપ પરની પકડ પણ છે. ડોડિયાની ચાર ગીત-ગઝલ કૃતિઓમાં છંદ-લય એકદમ ચોખ્ખા અને ઘૂંટાયેલા છે; કાવ્યાભિવ્યક્તિ પણ પક્વ અને સઘન છે :

સદીઓ જેવી સદીઓ માથે કોરા કાગળ જેવી
ભૂંસી નાખ્યા સૂરજ તેની પીડા સળગે એવી
બળે ટેરવાં નખ
તુંય કવિતા લખ (પૃ. ૭૦)

ગઝલમાં પણ નીવડી આવતા પ્રભાવક શેઅર સાંપડે છે. જેમકે,

પીઠ પર કોણે લખ્યા પહાડો નર્યા?
લાખમાંના એક ગિરધારી અમે (પૃ. ૭૧)

રમણ વાઘેલામાં ચારે ગીતો છે. ગીતઢાળ એક જ પ્રકારનો છે પણ ગીતનો લય સાબધો છે, ને પ્રવાહી પણ. ‘હવે જીવવાનું સરાસરી આપણે!’ અને ‘હજી સમજણની વાટ ઘણી દૂર છે’માં, જોકે, હજુ કાવ્ય બરાબર ઘૂંટાતું નથી. એમની હવે પછીની રચનાઓમાં એ ઘૂંટાશે એવી પતીજ પડે છે. અહીં બે સ્ત્રી કવિઓની રચનાઓ છે ને ઘણું ધ્યાન ખેંચનારી છે. પ્રિયંકા કલ્પિતની ‘પારેવું’ (૧૦૨) તો આ સંગ્રહની બેપાંચ ઉત્તમ સંકેતરચનાઓમાંની એક મને લાગી છે. આખી કૃતિ મૂકી આપું પછી એના વિશે કશું કહેવાનું રહેતું નથી : એ ‘પારેવાની કપાયેલી પાંખો / અને ખરેલા પીંછાને / શોધતી શોધતી / હું આવી પહોંચું છું / મારી કને./ જોઉં છું તો / પારેવું / સિંદૂરનો રેલો થઈને / ફફડી રહ્યું છે / મારા મનોખંડની દીવાલ પર. / હું ધ્રૂજતી ધ્રૂજતી / ફફડતા હાથ વડે / સ્પર્શું છું / ને ચોંકી ઊઠું છું / અરે !/ ક્ષત ક્ષત હું અહીં ક્યાંથી?!’ ચંદ્રાબહેન શ્રીમાળીની કૃતિઓ ‘અછૂત કન્યા’ અને ‘અપીલ દલિત જનેતાની’માં નારીની, દલિત નારીની, વેદના છે. પહેલી કૃતિ અસરકારક ને ટકાઉ છે. એના અંતની પંક્તિઓ જોઈએ : ‘જવા દો, દોસ્ત બનીને આવો છો / અંધારે લપકતાં, સરકતાં, મરકતાં, ટપકતાં , / લવકતાં ઢળકતાં અંધ બનીને / મારી લાચારીની મજૂરી ચૂકવવા, / ત્યારે અભડાતા નથી તમે કાળોતરાઓ! / હું માત્ર હું છું, હું અછૂત નહીં, / એક કન્યા છું... સુકન્યા... ’ ક્રિયાપદોથી ચીતરાતું લોલુપ રૂપ (!) તથા ‘અછૂત’ અને ‘સુકન્યા’માં વક્રતાપૂર્વક પણ સ્વમાન-ભાવને ઊંચકતો ઉદ્ગાર – એના કાવ્યવિશેષો છે. એમનું બીજું કાવ્ય ઘૂંટાવાને બદલે વિગતોમાં વહી ગયું છે એટલે કશું ધ્વનિત કરી શકતું નથી. આરંભે કાવ્યત્વનો રોમહર્ષણ સ્પર્શ આપીને પછી શબ્દો-વિગતોમાં ખોવાઈ જતી રચનાઓ અહીં વધુ છે. બબલદાસ ચાવડાની ‘હાથી ગાંડો’ (૪૭) નામની સંયત રહેતી સંકેતરચનાને કવિ છેલ્લે અકારણ મુખર, નોંધારી કરી મૂકે છે : ‘હવે / શ્રમજીવી, મહેનતકશ દલિતો; ગાંડા થયા છે!’ એમની જ ‘ઢ ને કાંઈ નહીં ઢ’ પણ સૂચનક્ષમતા પ્રગટાવી શકે એવી રચના બની શકી હોત, પણ એ નર્યાં ગદ્યવિધાનો તરફ ધસી જાય છે : જેમકે, ‘સમાનતા સારુ, સ્વમાનભેર જીવવું છે... / આંસુને બદલે આક્રોશ વ્યક્ત કરવો છે.’ (પૃ. ૪૯) જયંત પરમારની ‘પોર્ટ્રેઈટ’ (૬૬)ને અંતે ‘એના પરસેવામાંથી મને આવે છે દારૂગોળાની ગંધ!’માં ગંધનું સ્ફોટક કલ્પન ધ્વનિત થતા મર્મને અસરકારક બનાવે છે; મધુકાન્ત કલ્પિતના ‘અમને અધિકાર આપો’ (૮૨) કાવ્યમાં પરિસ્થિતિનું ઉત્કટ પણ મુખર આલેખન ‘એમની જુવાન થવા આવેલી છોકરીઓ / કચરાપેટીમાં ફેંકી રહી છે / પોતાનું ભવિષ્ય. / એમના ટેરવે પડ્યા છે/ નિરક્ષરતાના ઊંડા વાઢિયા’ (૮૩) જેવી પંક્તિઓમાં વેદનાને કવિતાની બહાર વિખરાઈ જવા દેતી નથી. એમનું ‘પ્રાર્થના’ (૮૫) કાવ્ય પણ કલ્પનથી વધુ ઉત્કટ બની રહેતી થોડીક પંક્તિઓ ઝબકાવે છે. ચંદુ મહેરિયાની ‘કાવ્યનું મૂલ્ય’ કૃતિ વક્તવ્ય-વિચાર થઈ રહી છે. ‘મારે કવિ નથી થવું / મારે તો વિદ્રોહી થવું છે વિદ્રોહી’માં કાવ્ય લખવાનું સ્વીકાર્યા પછી પણ કાવ્યનો સૂર ચૂકી જવાયો છે. પણ ‘Caution’ રચનામાં તે વિરોધી સમાન્તરતાઓથી અસરકારક કાવ્યરચના કરી શક્યા છે : ‘અમે અમદાવાદમાં એસ. સી. / ખડોલમાં વહવાયાં / એક બટકું રોટલો – / ઉઘાડો તાપ – / એક રિઝર્વેશન – / ને અનંત હત્યાકાંડ / [...] ચેતવવો હતો ને ! / જ્યારે / હું ગર્ભસ્થ હતો’ (૯૭) પ્રવીણ ગઢવી, શંકર પેન્ટર, સાહિલ પરમાર જેવા જાણીતા થયેલા કવિઓની, અહીં મુકાયેલી, રચનાઓમાં દલિત સંવેદનાનો ને દલિત કવિતાના પાયાનો ઇતિહાસ અનુભવાય છે પણ મનમાં અંકિત થઈ રહે એવી રચનાનો અનુભવ મળતો નથી. પ્રવીણ ગઢવીની, મને અત્યારે સ્પષ્ટ યાદ આવતી નથી, પણ સ્મરણ પર પડેલો એમની કવિતાનો પ્રભાવ એનું અનુમાન કરવા પ્રેરે છે કે જાણે એમની કોઈક પ્રભાવક કાવ્યરચના અહીં મુકાવી રહી ગઈ છે. સાહિલ પરમારમાં પણ એકાદ સ્થળે ‘જ્યારે જ્યારે / અમે માથું ઊંચક્યું છે / તૈયાર હોય છે/ તમારી લાકડીઓ’ (૨૫) જેવો, ધ્વનિત થઈ ઊઠતો દૃશ્ય-અંશ મળે છે. બાકી તો, એ રચના – ‘અસ્પૃશ્ય કવિતા’ – લંબાવેલું ઉદ્ગાર-કથન જ બની રહે છે. આ કેટલાક કવિઓની લાંબીલાંબી પાંચપાંચ-છછ રચનાઓ અહીં જગા રોકી રહી છે એમાંથી જગા બચાવીને ત્યાં કંઈક અપરિચિતોની ને તણખાવાળા નવોદિતોની, રચનાઓ મૂકી શકાઈ હોત. ને તો, ‘સોનામાં સુહાગા’વાળો સંપાદક-ઉદ્ગાર વધુ સાર્થક બન્યો હોત. નીરવ પટેલની અહીં મુકાયેલી રચનાઓની વાત અલગ જ કરવી પડે એમ છે. આપણી દલિત કવિતામાં નીરવની કવિતા એક જુદી, ઘણી વિશિષ્ટ મુદ્રા રચે છે. ઉત્કટ સંવેદનશીલતાવાળો આ ઋજુ માણસ કવિતામાં લાગણી-વિચારના બંધ છુટ્ટા મૂકી દેતો નથી – એનામાંનો રચના-નિયંત્રક સર્જક સંકેતરચનાની ભીંસથી, કાકુઓથી, બોલી-ઉદ્ગારોની સાથે સાથે જ ગૂંથાતી રહેતી આય્રનીભરી વ્યંજકતાથી, પ્રતીકરચનાથી એના સંયત અવાજને વધુ પ્રભાવક, વધુ વિસ્ફોટક બનાવે છે. ‘મારો શામળિયો’ (૧૧૭) સુંદરમ્ના કાવ્યની યાદ દેવડાવીને નીરવની કૃતિને વધુ સંવેદ્ય ઠેરવે છે. ‘ફૂલવાડો’માં ‘ફૂલવાડો’ અને ‘ફૂલફજેતો’ જેવો સમાન્તર સંકેત રચીને ઠાવકા કાકુથી એ અસરને વધુ તીવ્ર બનાવે છે. ‘કાળિયો’માં કૂતરો, આ સંગ્રહના અન્ય એક કાવ્યમાં પણ સંકેત રૂપે આવેલો છે પણ અહીં, એક તણાવ ભર્યા વેગીલા દૃશ્યમાં કંઈક જુદું, વિશેષ ધ્વનિત કરી રહે છે. દૃશ્યવેગમાં સંયોજક ‘–ને’નો ઉપયોગ થયો છે તે જુઓ : ‘ને કાળિયાની પૂંઠે પડ્યાં / કણબાં ને કોળાં ને ભા ને બાપુ / ભાલા ને બરછી ને દાંતી ને ડાંગ. / ને થયું દળકટક ને ધિંગાણું!’ (૧૨૧). આગળ જતાં ‘ઝૂડ–’નાં ક્રિયારૂપોનો પણ આવો પ્રભાવક સર્જનાત્મક ઉપયોગ કવિ કરે છે. ‘ઑડ-સાઈઝનું પીટર ઇંગ્લૅન્ડ’ના દબાવેલા કટાક્ષ સુધી પહોંચતું ‘અમે અલ્ટ્રા-ફેશનેબલ લોકો’ (૧૨૨) હળવા આલેખનને ખલેલ પહોંચાડ્યા વિના તીક્ષ્ણ માર્મિકતા સુધી પહોંચતું કાવ્ય છે. બસ. આટલી નોંધ અહીં પૂરતી ગણાશે. આ સંપાદનની, કે અન્ય સંપાદનો અને સંગ્રહોમાંની દલિત કાવ્યરચનાઓ જોતાં એક બાબતની નોંધ મનમાં લેવાઈ જાય છે કે ગુજરાતી દલિત કવિતાની તુલનાએ કદાચ દલિત વાર્તા વધુ ઝડપે વિકસેલો, વિકસતો રહેલો પ્રકાર છે. જો કે હવે આ નીરવ પટેલ જેવા સક્ષમ કવિઓની રચનાઓ અને સંપાદકીય લેખને છેડે એમણે જે નવોદિત સર્જકોની, દ્યોતક લાગતી, પંક્તિઓ ટાંકી છે એ રચનાઓ દલિત કવિતાની આવતીકાલને ઉજ્જ્વળ બનાવશે, એવી પ્રતીતિ થાય છે. એના સમર્થનમાં, એ ઉદ્ધરણોમાંથી એક, ચંદ્રેશ મકવાણા-ની (એમના ‘ચિચિયારીઓનાં ટોળાં’ કાવ્યની) પંક્તિઓ અહીં પણ ટાંકવી જરૂરી લાગે છે –

હફાક દઈને હડી કાઢતાં ભાગ્યાં પંખી ભોળાં
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીનાં ટોળાં?
પથ્થરથી પથ્થર અથડાયા ધડામ દઈને એવા
ક્યાંક કોઈના મોભ તૂટ્યા તો તૂટ્યાં કોઈનાં નેવાં
લોહી નીતરતી પાંખો લઈને ઊડ્યાં કબૂતર ધોળાં....
                                         આમ અચાનક (xvii)

સંપાદકીયમાં એક વિધાન છે ‘જેમ પુરોગામીઓનું મહત્ત્વ છે, એમ અનુગામીઓનું પણ.’ (xvi) આશા રાખીએ, બલકે નીરવ પટેલને કહીએ, કે આ અનુગામીઓની કવિતાનું પણ એક નાનુંસરખું, ચુસ્ત સંપાદન તેઓ આપે – સંપાદનની દસ્તાવેજી વિગતો (આ સંપાદનમાં થયા નથી તે મૂળ સ્રોતનિર્દેશો અને કવિપરિચયો) જાળવીને; અને – ખાસ કહેવાનું એ કે આ સંપાદનમાં સતત અડચણરૂપ બનતી સંખ્યાબંધ છાપભૂલો છે તે ન જ રહેવા પામે એની પણ કાળજી રાખીને. બોલો નીરવ, ક્યારે આપો છો એવો સંચય?

● ‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન ૨૦૧૧