ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ

From Ekatra Wiki
Revision as of 23:55, 7 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ

ઈ. ૧૮૬૫માં નર્મગદ્યની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે નિવેદનમાં નર્મદે એક દાવો પેશ કરેલો, કે, ‘મારા વિચારને માટે સમજુક ગમે તે બોલો, પણ આટલું તો હું જ ખાતરીથી કહું છું કે મારા ગદ્યની ભાષા, સને ૧૮૨૧થી તે આજદિન લગીમાં બહાર પડેલા જાણવાજોગ નમૂનામાંની એક છે.’ આમાં એણે બે મહત્ત્વની બાબતો, માત્ર ખાતરીથી જ નહીં, ચોકસાઈથી ઉપસાવી આપી છે કે, એના વિચારો-અભિપ્રાયો-દૃષ્ટિકોણો વિશે બેમત હોઈ શકે (ને છો હોય – એના ‘ગમે તે બોલો’ શબ્દોમાં આવો સૂર પણ સાંભળી શકાય છે), પરંતુ એના ગદ્ય (‘મારા ગદ્યની ભાષા’) વિશે તો સૌએ સ્વીકારવું પડશે કે એની આગવી અને લાક્ષણિક મુદ્રા છે. પોતાની ગદ્યભાષાને નર્મદ અહીં અપ્રતિમ તો નથી જ કહેતો, એને ‘જાણવાજોગ નમૂનામાંથી એક’ કહે છે. એનાં ચોકસાઈ અને કાળજી આમાં જણાઈ આવે છે. નર્મદના નિબંધોની વ્યાપક કે વિસ્તૃત ચર્ચા કરવાનો અહીં મારો આશય નથી. અહીં તો હું એના નિબંધલેખનની બે બાબતોને સ્હેજ ઊંચકી આપવા માંગું છું : એક તે એનો પદ્ધતિવિશેષ – એટલે કે એની શાસ્ત્રીય ચોકસાઈ, આવશ્યક દસ્તાવેજીકરણની ઇતિહાસબુદ્ધિ તથા હાથ ધરેલા વિષયને મુદ્દાસર ઘાટ આપવાની એની આયોજનબુદ્ધિ; અને બીજું એનો ભાષાવિશેષ – એટલે કે નિરૂપણની, રજૂઆતની, આગવા વિશેષવાળી, છટાદાર, અને છતાં સ્વૈર ન થઈ જતી એની શૈલી. નર્મદની શૈલી લલિતનિબંધકારની શૈલી નથી, વિચારકેન્દ્રી નિબંધલેખકની શૈલી છે. આ બે બાબતો વિશે, મર્યાદિત સામગ્રી લઈને, એના વિશેષોનો નિર્દેશ કરવા ઇચ્છું છું. લગભગ દરેક નિબંધના આરંભે, શીર્ષક પછી ફૂદડી લગાવીને નર્મદે ટૂંકી કે વિગતવાર પાદનોંધો મૂકી છે. આ નોંધો જ એક અલગ અભ્યાસનો મુદ્દો બની શકે એમ છે. એ નોંધોમાં, વક્તવ્ય કર્યાની કે નિબંધ વાંચ્યાની તારીખ-વાર-સ્થળ સાથેની ઝીણવટભરી વિગતો છે, એમાં તે તે નિબંધની પૂર્વભૂમિકા કે પૂર્વઇતિહાસ છે; એની પશ્ચાદ્વર્તી અસરોનો હિસાબ છે (કેમકે, એણે વક્તવ્ય કર્યું હોય અને પછી નર્મગદ્યમાં એ છપાયું હોય – તે દરમિયાનની પ્રતિક્રિયાઓ એણે નોંધી છે); આ નોંધોમાં લેખક તરીકેના એના વિકાસ અંગેની અને પહેલા મુસદ્દાઓમાં રહી ગયેલી કચાશો અંગેની એની સભાનતા પણ અંકિત થઈ છે. એમાંનું કેટલુંક જોઈએ : નર્મદના મોટાભાગના નિબંધો કાં તો સભાઓ, મંડળીઓ સામે કરેલાં ભાષણો રૂપે છે; કાં તો સભા-મંડળી-સમક્ષ રજૂ કરવાની રીતે લખેલા છે (ને પછી છાપતી વખતે ક્યારેક સુધારેલા-વધારેલા છે). એના જાણીતા નિબંધ ‘સ્વદેશાભિમાન’ નીચે મૂકેલી નોંધમાં ઊતરેલું આ દસ્તાવેજીકરણ જુઓ : ‘એ નિબંધ તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૮૫૬ ને વાર મંગળે ૧૯૧૨ના માહા સુદ સાતમે બુદ્ધિવર્ધક સભામાં વાંચ્યો હતો. એ વિષેની થોડીઘણી હકીકત બુ.વ.ગ્રં.પુ. ૧લાના અંક ૭મામાં અને સવિસ્તર હકીકત સન ૧૮૫૬ના ફેબરવારીની ૧૭મી તારીખના સત્યપ્રકાશમાં છે. એ નિબંધ, પ્રથમ, બુ.વ.ગ્રંથના પહેલા અંકમાં – ૧૮૫૬ના માર્ચના પેહેલા જ વિષયરૂપે બુ.વ. સભાના કારભારીઓએ છાપ્યો હતો.’ જોઈ શકાશે કે ઇતિહાસના તથ્યને એણે કેવી ચોકસાઈથી સાચવ્યું છે – સમય-સ્થળ નિર્દેશની આ ચોકસાઈ ઘણુંખરુું એના બધા જ નિબંધો નીચેની નોંધોમાં મળે છે. આ અંગ્રેજી વિદ્યાના સંસ્કાર છે ને નર્મદનાં બધાં જ વિદ્યાકાર્યોમાં પદ્ધતિની આ સભાનતા-કાળજી જોવા મળે છે. ‘વ્યભિચાર નિષેધક’ નામના નિબંધ નીચે મૂકેલી નોંધમાં તો, આ નિબંધ પાછળનું પ્રયોજન – સુરતમાંના વ્યભિચારીઓની વૃત્તિઓને ખુલ્લી પાડવાનું ‘ડાંડિયો’કૃત્ય – પણ નોંધાયેલું છે. નર્મદની ચોકસાઈની એક નોંધપાત્ર વિગત અહીં એ મળે છે કે, ‘એ નિબંધ લખ્યાની અગાઉ ત્રણ નિબંધ લખી વાંચ્યા હતા, પણ તે ત્રણે ખોવાઈ ગયા છે.’ આમ, છતાં, આ નોંધમાં એ ત્રણે નિબંધોનાં શીર્ષકો, એ ક્યારે વાંચેલા એની તારીખો ને એનાં સ્થળો તો નોંધાયાં જ છે. એટલે કે નર્મદે એનાં લખાણોની આવી અલગ નોંધ પણ રાખી હશે. કેટલી ઝીણી કાળજી! આવું બધું લખેલું ખોવાઈ જાય એ પહેલાં સાચવી લેવા કે ચોપાનિયાં-સામયિકોમાં છપાયેલું પણ હાથવગું ન રહે એ પહેલાં જાળવી લેવા માટે પણ લખાણોના ગ્રંથરૂપને એણે જરૂરી માનેલું. નર્મગદ્યના નિવેદનમાં એણે લખેલું છે કે, ‘આ સંગ્રહ મેં મારે માટે જ છપાવ્યો છે – પછી લોકો એનો લાભ લો તો લો. પંદર વરસમાં જુદા જુદા આકારમાં છપાઈને બાહાર વેરાતું પડેલું ને લખાઈને ઘરમાં રઝળતું અને કામ પડેથી મુશ્કેલે હાથ લાગતું એવાં લખાણોનો સંગ્રહ મારી ટેબલ પર હાજર હોવો જ જોઈએ.’ એ સમયે, સુધારાના વિષયો પર ઇનામી નિબંધો (ક્યારેક નાટક) નિમંત્રિત કરવાનું કેટલાંક સંસ્થાઓ-સામયિકો-શ્રેષ્ઠીઓનું વલણ હતું. આવા ઇનામી નિબંધ/નાટક માટે દલપતરામ સૌથી વધુ જાણીતા છે કેમકે મોટાભાગનાં ઇનામો એમનાં લખાણો રળી લાવેલાં. નર્મદે પણ આવા ‘ઇનામી’ નિબંધો લખેલા. એ, તેની નોંધોમાંથી પકડી શકાય છે. ‘મુંઆ પછવાડે રોવા-કુટવાની ઘેલાઈ’ નિબંધ નીચેની નોંધ કહે છે કે, ‘એ પોણો સોના ઇનામનો નિબંધ બુદ્ધિવર્ધક સભા તરફથી નીકળેલી તા. ૧૭મી મે ૧૮૫૬ની જાહેરખબર ઉપરથી બનાવવામાં આવ્યો છે.’ એ પછી એના પ્રકાશન-પુનઃપ્રકાશનની સિલસિલાબંધ વિગતો છે. ‘ગુરુ અને સ્ત્રી’ વિશેનો નિબંધ એણે ‘સત્યપ્રકાશ’ની જાહેરાત પરથી લખેલો. ‘બીજા નિબંધો પણ ગયા હતા, પણ તેમાં ઉપલો ઇનામને લાયકનો ઠર્યો એથી મને [પચાસ] રૂપિયા મળ્યા ને નિબંધ સન ૧૮૫૮ સંવત ૧૯૧૪માં ૮૦૦ નકલમાં છપાઈ પ્રસિદ્ધ થયો હતો.’ – એવી, એ નિબંધ નીચે નોંધ છે. આમાં એક કડવો અનુભવ પણ એને થયેલો. ‘વિષયી ગુરુ વિશે’ તથા ‘ગુરુની સત્તા વિશે’ નિબંધો આવી સ્પર્ધામાં મોકલેલા. એ આકરા લાગ્યા હશે કે કેમ પણ (નર્મદ નોંધે છે કે), ‘એ બે નિબંધોની પહોંચ કબૂલ કરવામાં આવી નોહોતી, તો પછી ઇનામ તો ક્યાંથી મળે?’ એટલે પછી નિબંધમાંના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવા માટે ‘મેં એ નિબંધો મંદિરો આગળ અને બજારમાં લૂંટાવી દીધા હતા. એમાંના ઘણાએક હિંદુસ્તાનના જે જે ભાગોમાં વલ્લભી વૈષ્ણવો છે, જ્યાંજ્યાં મોટીમોટી ગાદી, મંદિરો ને મહારાજો છે ત્યાંત્યાં પોસ્ટનો ખર્ચ કરીને મોકલી દીધા હતા.’ નર્મદનો વિલક્ષણ મિજાજ અને સુધારાનો આવેશ(‘વિષયી ગુરુ વિશે’ નિબંધ નીચેની) આ નોંધમાં સરસ પ્રતિબિંબિત થાય છે. નર્મદનો આ વિલક્ષણ ‘જોસ્સો’ એના ‘પુનર્વિવાહ વિશે’ નિબંધ નીચેની નોંધમાં બહુ લાક્ષણિકતાથી વ્યક્ત થયો છે ને કંઈક રમૂજ પમાડનાર પણ બન્યો છે. ‘એ ભાષણ સને ૧૮૬૦ના અક્ટોબરની પાંચમી તારીખ ને શુક્રવારે પાછલે પહોરે ૪ વાગે દોઢ હજારથી વધારે માણસોની આગળ કરવામાં આવ્યું હતું.’ એમાં, નિબંધ વાંચવા ઉપરાંત એ વિષયક કવિતા પણ ગાવાની હતી એટલે ‘ટાઉન હૉલ સરખી મોટી જગામાં મારા એકલાનો અવાજ ન ચાલે માટે મેં મારી સાથે ગાવાને એક ઉદાસી પંથનો મારો મિત્ર કરસનદાસ બાવો, જેનો અવાજ ઘણો જ મોટો અને મધુરો છે તેને ને એક છોકરાને રાખ્યા હતા. પણ વાંચતાં વાંચતાં મારું સૂર એટલું તો ઊંચું ચડી ગયું હતું કે પેલા બે જણને વચમાંથી બંધ રહેવું પડ્યું હતું. ઘેર આવ્યા પછી મારાથી એક કલ્લાક સુધી બોલાયું નહોતું. એ દહાડેથી મારા અવાજની આગલી મીઠાશ જતી રહી છે.’ આ નોંધો એના નિબંધલેખનનું એક ઘણું ઉપયોગી ને બહુ લાક્ષણિક નેપથ્ય છે. એ નેપથ્ય વિના, એના નિબંધો અંગેનું દસ્તાવેજી અંકન, એના સમયનાં સામાજિક સંચલનો, પ્રવૃત્તિઓ ને એની પશ્ચાદ્ભૂ ઢંકાયેલાં જ રહ્યાં હોત. નર્મદને, એના પૂરા પરિદૃશ્ય સાથે, પામવા માટે આ બધું ઘણું મહત્ત્વનું છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ નામના એના, અને ગુજરાતી ભાષાના પણ૧, પહેલા નિબંધ નીચેની નોંધ નર્મદના નિબંધના વિકાસનો એક ઝીણો નકશો આંકી આપે છે એ રીતે ય મૂલ્યવાન છે. જોઈએ : ‘એ વિષય ઉપર મેં સન ૧૮૫૦ના વરસમાં જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં મોઢેથી ભાષણ કર્યું હતું. એ ભાષણનો વિચાર થોડાઘણા ફેરફારો સાથે નિબંધના આકારમાં લખી કાઢી એ નિબંધ સને ૧૮૫૧ની ૪થી જુલાઈએ સુરતની સ્વદેશહિતેચ્છુ મંડળીમાં વાંચ્યો હતો અને પછી મુંબઈમાં મારા બાપ પાસે લખાવી શીલા છાપ પર છપાવી સને ૧૮૫૧ની આખરે લોકમાં પ્રગટ કીધો હતો. તા. ૧લી અક્ટોબર ૧૮૫૫એ પણ બુદ્ધિવર્ધક સભામાં મેં એ જ વિશે પાછું મોઢેથી ભાષણ કર્યું હતું. ઉપર જે નિબંધ છે તે સુરતમધ્યે નાણાવટમાં મંડળી મજકૂરના મકાનમાં ૨૦૦ શ્રોતાઓની આગળ વાંચ્યો હતો.’ ‘એ નિબંધનો વિષય ઘણો સારો છે, પણ તે જેવી રીતે કસાયેલી કલમે એટલે મોટા વિચારથી, ઘણા દાખલાથી અને સારી રચનાથી લખાવો જોઈએ તેવો લખાયો નથી; ને એમ છતે જુવાનીની હોંસમાં તેને મેં છપાવી પ્રગટ પણ કર્યો છે. આ પ્રસંગે જે છપાવું છું તે મોટી નાખુશીથી, કેમકે એ જોઈને મારી આજની કલમ શરમાય છે; પરંતુ ૧૮ વરસની ઉંમરે હું કેવું લખતો ને પછી ધીમેધીમે કેવો સુધરતો ગયો, તેનું સ્મરણ રાખવાને એ નિબંધ અહીં ફરીથી છપાવું છું.’ આપણે એકદમ જ નર્મદની લેખનકોઢની – એની વર્કશૉપની સમક્ષ ઊભા રહી જઈએ છીએ! મૌખિક ભાષણથી એણે શરૂઆત કરી –મંડળી સામે, મંડળી મળવાથી થતા લાભ વિશે પોતાના પહેલા, પ્રાથમિક વિચારો આવેશ-અનુનય થી રજૂ કર્યા. પછી, ફેરફારો સાથે, લખ્યું; એને નિબંધનો ‘આકાર’ આપ્યો; ફરી એ નિબંધરૂપે વાંચ્યું; પછી નિબંધ છપાવ્યો – ‘પ્રગટ કીધો’ એ પછી વળી ‘મોઢેથી ભાષણ’ કર્યું – છપાયેલાનો મનમાં આધાર રાખીને. કેવો તાદ્દશ વિકાસ-આલેખ! ગ્રંથસ્થ કરતી વખતે એ પોતાના નિબંધલેખનની સમીક્ષા કરે છે – એને એસેસ કરે છે! : ‘વિષય સારો’ પણ સામગ્રીવિકાસ એને અપર્યાપ્ત લાગે છે – ‘સારી રચનાથી’ ‘લખાવો જોઈએ એવો લખાયો નથી.’ ૧૮૬૫માં, પંદર વર્ષ પછી તો આ નિબંધ વાંચતાં એની ‘આજની કલમ શરમાય છે.’ પણ સારું થયું કે નર્મદે ન તો એ નિબંધ રદ કર્યો કે ન એને સુધાર્યો. એક સમયદર્શી દસ્તાવેજી કૃતિ તરીકે એનું રક્ષણ કર્યુંઃ ૧૮ની ઉંમરે, ‘જુવાનીની હોંસમાં’ એ પોતે કેવું લખતો ને પછી ધીમેધીમે – બીજા નિબંધોમાં કેવો સુધરતો-વિકસતો ગયો એનું ‘સ્મરણ રાખવાને’ આ નિબંધ મૂળ રૂપે જાળવ્યો! ઐતિહાસિકતાની રક્ષા કરવાની, તે સમયના પાશ્ચાત્યવિદ્યાના સંસ્કારે સુઝાડેલી શિસ્ત, આ પદ્ધતિ, નર્મદનું એક સંશોધક લેખેનું મૂલ્ય ઉપસાવે છે. એટલે આ નોંધો એનાં ભાષણો-નિબંધોનો અહેવાલ (રિપોર્ટ) પણ છે, એની કેફિયત પણ છે ને વિવેચક-સંશોધક લેખેની એની તપાસ-શિસ્તના નમૂનારૂપ પણ છે. ભલે કંઈક પ્રાથમિક, પણ આ ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધથી જ નર્મદના નિબંધલેખનનાં બે મુખ્ય લક્ષણો – સામગ્રી-આયોજન-કૌશલ અને શ્રોતા/વાચકને પ્રતીતિ કરાવતું એનું નિરૂપણકૌશલ, એની શૈલીવિશેષતા સ્ફૂટ થયેલાં હતાં. આખો નિબંધ વિષયની રીતે ઠીકઠીક આયોજિત છે ને એનો નકશો પણ લેખકે શરૂઆતથી જ સ્પષ્ટ કરેલો છે : મંડળી મળવાની પરંપરાના અભાવે કેવાં નુકસાન થાય અને આગળ જતાં કેવા અનર્થ જન્મે તેમ જ મંડળી મળવાથી શા લાભ થાય, અને તો ‘કિયે પ્રકારે મંડળી કાઢવી’ એ મુદ્દાઓ વિશે તે વાત કરશે – એમ જણાવીને ‘મંડળી’ એટલે શું, ‘સભા’ કોને કહેવાય, એમ કહેતાં કહેતાં એ ‘મંડળી’ અને ‘ટોળી’ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરી આપે છે. પ્રાચીન સમયમાં આપણે ત્યાં ‘બે ચાર શાસ્ત્રીઓ એકઠા થઈ તકરાર કરતા[...] તેને સભા કહેવાય’ એવા એના પ્રતિપાદનમાં એના મનમાં ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ની પરંપરા સ્પષ્ટ હોવાનું સમજાય છે. એની સામે, તત્કાળે (નર્મદના સમયમાં) ‘આપણા કેટલાએક શાસ્ત્રી એકબીજા જોડે વાદ કરતાં મારામારી કરવા ઊભા થાય છે [...એને] ટોળી કહેવી જોઈએ.’ એવું દૃષ્ટાંત તે મૂકી આપે છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકાની વિદ્યા-સંસ્કારસમૃદ્ધિ પાછળના એક કારણ તરીકે ત્યાં ‘શહેરે શહેર, ગામો ગામ, મોહોલ્લે મોહોલ્લે અને ચકલે ચકલે મંડળી મળવાનો ચાલ છે.’ એને તે આગળ ધરે છે. તર્ક અને દૃષ્ટાન્તોને દોરે એણે વિષયને ઘાટ આપીને પ્રતીતિકર બનાવ્યો છે. મંડળીની સાથે સંકળાયેલાં પ્રવચન અને લેખનને પણ એણે આ વિષય-આયોજનનાં ફળદાયી પરિણામો તરીકે ઉઘાડી આપ્યાં છે : ‘ભાષણો કરવાથી અને નિબંધો લખવાવાંચવાથી ભાષા સુધરે છે, મનમાં પેસી રહેલી વાત બહાર આવે છે.’ – એમાં એણે અભિવ્યક્તિનો મહિમા સ્પષ્ટ કર્યો છે. ‘નિબંધ લખવા જેવી તેવી વાત નથી.’ એ, નર્મદની બહુ જાણીતી ઉક્તિ (ગદ્યલેખનની દુષ્કરતા ને એનું મહત્ત્વ બન્ને) આ પહેલા નિબંધમાં મળે છે એ જ એની લેખન-અભિજ્ઞતા બતાવી આપે છે. સારો નિબંધ લખવા માટે અન્ય ‘વિદ્વાનોના મતો શોધવાં પડે છે’ એટલું કહીને નર્મદ અટકતો નથી, ‘તેઓ [વિદ્વાનો] કેવી કેવી વાક્યયોજના કરી ગયા છે તે સર્વ જાણવું જોઈએ’ – એવી ઝીણી અધ્યયનશીલતા સુધી પણ એ જાય છે! એના આ પછીના નિબંધોમાં અભિવ્યક્તિરૂપ પ્રાસાદિક રહ્યું હોવાની સાથે જ એનુંં સામગ્રી-આયોજનરૂપ વધુ સુબદ્ધ થતું ગયું છે. ‘સંપ વિશે’ નિબંધમાં તો એણે પેટાશીર્ષકો પણ બાંધ્યાં છે. શરૂઆતમાં ભૂમિકા કરીને પછી ક્રમશઃ ‘લોકો સંપ કોને કહે છે?’, ‘સંપની ઉત્પત્તિ’, ‘સંપનું રૂપ’, એવાં પેટાશીર્ષકોથી એણે વિષયને મુદ્દાસર વિકસાવ્યો છે. તેમછતાં આખો નિબંધ ‘દેશી ભાઈઓ...’ એવા સંબોધનથી પ્રત્યક્ષતાને પામ્યો છે. નર્મદના નિબંધોનો આ વખણાયેલો ગુણ – પ્રત્યક્ષતા – એના નિબંધોમાં બે રીતે મૂર્ત થતો રહ્યો છે : એક, સીધાં પ્રગટ સંબોધનો રૂપે અને બીજું, સામે શ્રોતાવર્ગ છે ને એની સાથે પોતાની વાત ચાલી રહી છે એ જીવંત તંતુ રૂપે, વક્તવ્ય કરતી વખતે જેમજેમ વાતાવરણ જામતું જાય એમએમ, એનાં સંબોધનોનું રૂપ બદલાતું જાય છે – વાતચીતનો એક લય (રિધમ) રચાતો જાય છે : ‘સભાસદ ગૃહસ્થો’ એવા સંબોધનથી આરંભાતા ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વક્તવ્યનિબંધમાં પછી, ‘માટે રે ઓ ભાઈઓ’, ‘રૂડા ગૃહસ્થો’, ‘તમે બુદ્ધિમાન, વિચાર કરો’, ‘થોડી એક વાત કહું છું તે સાંભળો’, ‘નિશ્ચે જાણજો’ એવાં જુદાંજુદાં સૂર-શિખરો (પીચ) જોવા/સાંભળવા મળે છે. પોતાની વાતને શ્રોતાઓની સમરેખ રાખવા માટે તે ‘વર્ણન કરતાં કાળ અત્યંત રોકાય માટે ટૂંકામાં કહું છું કે’, ‘માટે ફરીથી કહું છું કે’, ‘થોડામાં ઘણું કહું છું કે,’ ‘એ વિશે સંક્ષેપમાં ફરીથી, થોડું બોલવાની આજ્ઞા લઉં છું.’ એવી વિનયી વિશ્રંભરીતિમાં વાત કરે છે. બને કે આની ઉપર અંગ્રેજ વક્તાઓ/ નિબંધકારોની ભદ્ર વિવેક-રીતિની લઢણોની અસર પણ હોય. મંડળી અને સભા (સોસાયટી)ની સાથે સંકળાયેલી વ્યાપક સંસ્કાર-શીલતા પણ અહીં પ્રતિબિંબિત થાય છે.

મુદ્દાને ન છોડનારી, આયોજનપૂર્વક વિષયને વિકસાવનારી એની નિરૂપણપદ્ધતિની સાથે, વક્તવ્યને ધાર કાઢતી એની લેખનશૈલી સંવાદિતા જાળવીને ચાલે છે ને છતાં નર્મદની લાક્ષણિક મુદ્રા એમાંથી ઊઠતી રહે છે. ક્યારેક એ નકારવાચક અવ્યયોથી વાતને દૃઢાવે છે, જેમકે, ‘ના, ના. રાગ કંઈ કવિતા નથી.’ અને ‘ના, કવિતા ગદ્યને વિશે પણ હોય છે’ (‘કવિ અને કવિતા’) તો ક્યારેક લેખન (મુદ્રણ)માં વધતાં જતાં ઉદ્ગારચિહ્નોનો ઉપયોગ કરીને વક્તવ્ય વખતના એના ભાવ-ઉછાળને તાદૃશ કરે છે, જેમ કે, ‘અહાહા! પૂર્વના ગુરુઓની શી વિદ્યા! તેઓની સાદાઈ કેટલી!! અને તેઓના ઉદ્યોગ શા!!!’ (‘ગુરુ અને સ્ત્રી’) વિરામચિહ્નોના ઉપયોગની દૃષ્ટિએ પણ નર્મદના નિબધો જોવા જેવા છે. (ઉપર, ‘કવિ અને કવિતા’માંથી લીધેલાં દૃષ્ટાંતોમાં અર્ધવિરામ(;)નો ઉપયોગ જોવા-નોંધવા સરખો છે.)

ઇનામી નિબંધો ચુસ્ત વિષયબંધવાળા, અગાઉ કહ્યું એમ પેટાશીર્ષકોથી વિકસતા જતા હોવા છતાં નર્મદ નિબંધકારની (નિબંધકારને માટે તે ‘નિબંધી’ સંજ્ઞા યોજે છે!) વિવિધ લેખન-રીતિઓની પણ અજમાયશ કરતો રહે છે. ‘મૂઆં પછવાડે રોવાકુટવાની ઘેલાઈ’ નિબંધમાં આરંભે એ મંગલાચરણ કરે છે : ‘ઓ પરમેશ્વર! હમો ગુજરાતી ભાઈઓને કેટલીએક ચાલતી આવેલી જંગલી અને વેહેમી ચાલ બહુ દમે છે [...] માટે, હમો આંધળાને સંસારમાં દોરવાને તેં જે વિવેકબુદ્ધિ બક્ષી છે, તેનો રે તું દીનદયાળ, વેહેલો ઉદય કર.’ વગેરે. ને પછી તરત પેટાશીર્ષક મૂકે છે : ‘ગ્રંથ લખવાની મતલબ.’ નર્મદના આવા પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ વિશે હજુ ઘણી ખણખોદ થઈ શકે ને એમ નિબંધકાર તરીકેનાં એનાં ઘણાં અવ્યક્ત રહેલાં કે ન બતાવાયેલાં પાસાં પ્રગટ થઈ શકે. અહીં તો કેવળ કેટલાક નિર્દેશો જ કર્યા છે. વિશેષ હવે પછી, ક્યારેક.

સંદર્ભનોંધ ૧. દલપતરામના દીર્ઘ નિબંધોને ‘પ્રબંધ’ તરીકે ને નર્મદના ટૂંકા નિબંધોને ‘શુદ્ધ નિબંધ’ તરીકે ઓળખાવીને વિશ્વનાથ ભટ્ટે નોંધ્યું છે કે ‘ગુજરાતી ભાષાનો સૌથી પહેલો સંક્ષિપ્ત નિબંધ તે દલપતરામનો ‘ભૂતનિબંધ’[૧૮૪૯] નહીં પણ નર્મદનો ‘મંડળી મળવાથી થતા લાભ’ એ ૧૮૫૧માં પ્રગટ કરેલો નિબંધ [‘નિબંધમાલા’ની પ્રસ્તાવના, પૃ. ૧૭]

● ‘બુદ્ધિપ્રકાશ’ સપ્ટેમ્બર ૨૦૧૦ ● સ્વર્ણિમ ગુજરાતનો સ્વપ્નદૃષ્ટા વીર નર્મદ, સંપા. જગદીશ ગૂર્જર, ૨૦૧૧માં ગ્રંથસ્થ