ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અહીં


અહીં
કાન્તિ પટેલ

બકરીના કાન પંપાળવાનું હોય તમારે?
ચરણને ગળી ગયાં પગલાં.
ચાલ્યાં કેટલું એ ન પૂછો.
આગળ ચણોઠીનાં વન.
પાછળ તીખાં કાણાં મન
ચૂપ થઈ ચગળવા લાગ્યા ચકળવિકળ આંખો.
ઓઢાડીને ઢાંકી દીધું છે.
એ શબ તો ન હોય?
સ્વસ્થપણે પૂછડું હલાવવું
એ જ એક સત્ય.
બાળકપણું વાગોળવા
શોધવા પડશે, પરીઓ અને રાજમહેલ.
નથણી ગઈ છે ખોવાઈ,
નાક વીંધાવવાનો અર્થ સરી ગયો.
અમૃત પીવાનો મોહ
દેવો ન ખાળી શક્યા.
કાલનો મોભ તૂટું તૂટું જણાય.
પણ મકાન ચણાશે.
નર્તકીની કેડના લચકાઓ
મુખવાસ જેમ ચાવું છું.
હર નિરાશ પળે હું અહી આવું છું.
અહીં કોણ છે?
અહીંની વ્યાકરણી વ્યાખ્યા
પેલા બંધાતા મકાનમાં ચણી દીધી છે.
ખેડેલાં ખેતરોની લાઈનિંગ
કોઈ ડિઝાઇન-મેકરને કામ લાગશે,
એમ કહેવામાં કોઈ સાર નથી.
અહીં ફક્ત હું છું
ત્યાં તમે હશો.
પણ એ અગત્યનું નથી.