ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/જંગલની રાત


જંગલની રાત
વસંત જોશી


ક્યાંકથી આવી લગોલગ બેસી જાય
લથબથ, નિતરતી
જંગલની રાત
ધીરે ધીરે
કોરી કટ કરી
વેરવિખેર કરી નાખે
પછી
સંકેલીને ગોપવી દે
ક્યારેક ઝબકારો
ક્યારેક ઝબુક ઝબુક
આગિયાની પાંખ પરથી
ચૂપચાપ સરકે
અડાબીડ અંધારાના રસ્તે
અલોપ
જંગલની રાત


મહુડાનાં ફૂલ
એક પછી એક ગરે
હવામાં ઊડે
જંગલ આખું સૂંઘે
આદિવાસી કન્યાનાં કરંડિયામાં
મઘમઘતા મહુડાં
પાવરીના માદક સૂરમાં
કામણ રેલાવે
પાવરીના સૂરે નાચતી કન્યા
મઘમઘ મહુડો
મહુડાની મદભરી મહેકમાં
ઘેરાતી સાંજે
તંદ્રામાં સરી પડે
આંખમાં તગતગતું
ફૂલ