ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/આભડછેટ એટલે શું?
Jump to navigation
Jump to search
આભડછેટ એટલે શું?
નીલેશ કાથડ
મેં મો૨ને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો મોર તો થનગન થનગન કરી નાચવા લાગ્યો
ને મારે ગાલે મજાની કિસ કરી ટહુકા કરવા લાગ્યો!
મેં વૃક્ષને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એણે તો ડાળીઓ નમાવી મને કાખમાં જ બેસાડી દીધો!
મેં ફૂલને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એ તો બધી સોડમ વિખેરતું મારા નાક સાથે ગેલ
કરવા લાગ્યું!
મેં નદીને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એ તો મારા પગને સ્પર્શીને છેક
મારા હૃદય સુધી મને ભીનો કરી ગઈ!
મેં પથ્થરદિલ પહાડને પૂછ્યું : આભડછેટ એટલે શું?
એ તો પીગળીને રેલો થઈ વહેવા લાગ્યો મારી પૂંઠે પૂંઠે,
મને અડવા-આભડવા જ તો!
મેં માણસને પૂછ્યું : આભડછેટ એટલે શું?
મારી સામે જોયું,
દૂર ખસ્યો ને
ચાલવા લાગ્યો.