ગુજરાતી ગઝલસંપદા/ઈજન ધોરાજવી


ઈજન ધોરાજવી

દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે,
મારા ઉપર મને જ અધિકાર હોય છે.

પુષ્પોની સાથ સાથ સદા ખાર હોય છે,
કષ્ટો જીવનના એ રીતે શણગાર હોય છે.

ફરિયાદની જગા કોઈ મળતી નથી મને,
જેને મળું છું તારો તરફદાર હોય છે.

મુખ પર વ્યથાના ભાવ કદી પણ નહીં મળે,
ટેવાયેલું હૃદય તો મિલનસાર હોય છે.

આંસુ બિચારા કેટલી રાહત દઈ શકે!
ચારે તરફ નસીબનો અંગાર હોય છે.

તો યે હૃદયમાં બીક છે કારણ નહીં કહું...
મિત્રો હજાર–દુશ્મની બે ચાર હોય છે.

જ્યારે મળે છે તેઓ હસી દે છે આંખથી,
એ પણ ઘણું છે, એટલો વ્યવહાર હોય છે.

દુ:ખની દશામાં એક અનુભવ થયો ‘ઈજન’,
જેઓ મને મળે છે, સમજદાર હોય છે.