ગુજરાતી ગઝલસંપદા/કપિલરાય ઠક્કર ‘મજનૂ’


કપિલરાય ઠક્કર ‘મજનૂ’
1

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.

કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર! ફરી જોજો.

2

કહો, આ વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?
અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.

અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું,
અમારા અંતરે વસવા તણું એ ઠીક બ્હાનું છે.

ન કહેશો કે શમાની રોશની અમ મંદિરે દીઠી,
અમારા મંદિરે જ્યોતિ તણા દરિયાવ ભાનુ છે.

મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં, દિલબર!
તમારા બિન્દુમાં સાગર શમ્યા એ પણ મજાનું છે.

ઘડીભર મન કહે છે કે તમારો સંગ ના યાચું,
છતાં આજીઝ બનું છું કે હઠીલું દિલ દીવાનું છે.

તમારા ખોફ ને રહેમત તણી બરદાસ્ત આદરવી,
અમારું જંગનું મયદાન એ ને એ બિછાનું છે.

તમારો વસ્લ યાચી જિંદગાની છો ખતમ થાતી,
પછી અમ દ્વાર પર આવી તમારે યાચવાનું છે.