ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક/પડાવ

પડાવ

કાનજી પટેલ

ચોમેર અંધારું હતું. ઝાડવાંથી ભર્યું ભર્યું. વહેતો એક વહેળો. થોડી સપાટ જમીન પર પડાવ. પડાવના દરેક કબીલામાં તાપણું હતું. તાપણા ફરતે બેઠેલાની આંખમાં કાળા કાળામાં તરતગતું તાપણું. આંખોમાંથી ચીકટું અજવાળું તાપણામાં જાય. લટિયાં ઊછળી ઊડે. એકમેક સાથે ઘસાતાં રહે. તતડી ઊઠતાં કદી ટાઢાં ન પડે. ઝાડવાં ધખધખારામાંથી પીળી રાતી કેસરી સોન જાંબલી રૂંછશીખ જ્વાળાઓ ઊંચે જાય નીચે ઊતરે. ભર્યાં સોનાનાં ચમક, તપારા વનતળમાં.

એવું તાપણું.

તાપણા પાસે એ બેઠો હતો. એનો એક હાથ જૂઠો. એણે ચૂંગી સળગાવી. ધૂમાડી ફગફગવી. એના ગાલ ઊંડા પડે ન પડે ને ઊંચકાય. ધુમાડી છોડતા હોઠ કદી લુખા, પાછા ભીના. હાથમાંની ચૂંગી નીચે મૂકીને તાપણાના લાકડાના બળતા મોંને સંકોર્યું. ચૂંગી ભોંય મૂકેલી એ ઢળી પડે નહિ, એમાંથી અંગારો ગબડતો તો નથી ને — એ જોતો રહ્યો. લાકડાએ સરુણ ઠુર્રર્ર કર્યું. જંપી ગયું. લાકડાના બીજા છેડા પર લાકડામાંનો ભેજ તપારા બહાર રસ થઈને ફૂટી આવતો હતો.

એણે હરતા ફરતા હાથની પહેલી આંગળીએ રસ ચોંટાડ્યો. દઝાયું. રસમાં ચીકાશ હતી. એની નજર ત્યાં જ મંડાઈ.

હજુ પરપોટીઓ, જળાશયમાં ઘડો ડૂબતાં સપાટી પર આવે તેવી,નીકળી આવતી હતી. કયા ઠેકાણે ડૂબ્યો એમ પરપોટી પરથી પમાય.

પહેલાં ડુંગરફાડામાં રહેતો હતો ત્યાં ઝૂમખામાં નાચતાં ઉછાળ લાગ્યો હતો. જબરી તાન એના લોહીમાં ફરી વલી હતી. પીંડી અને બાવડાંભેર, ઝાળ ઝાળ રાતના અંધારામાં ફર્યો હતો. ડુંગરના એક એક પ્હાણા, ઉતાર-ચઢાવ, ઝાડ-ઝાંખ, વાંઘા-વળાંગને આંખની વાટથી અંદર લીધાં હતાં.

તાપણામાં લાકડું ઉમેરતાં એની ફાંસ અંગૂઠાની નસ તળે પેઠેલી. ઊંડે સુધી વચમાં. મથી ગયો, પણ આખી ન નીકળી. લટકીને અડધી અંદર ગઈ. ઓસડિયાં કર્યાં પણ વચમાં ન પહોંચ્યાં. ખૂંદેલો ડુંગર પાક્યા જેવો ભારે અંગૂઠો. ફાંસ જઈ મળેલી હાડકામાં.

હાથ જૂઠો પડ્યો.

તાપણાનો શેક, પણ બહેરું તે બહેરું જ.

તાપણાના તપારામાં બહેરું જૂઠું વધારે બહેરું અને જૂઠું થયું. આંખની કીકી અને બાકીના ધોળામાં રંગનો ફેર રહ્યો નહીં.

એણે એ હાથને બીજા હાથથી ઊંચક્યો. છાતી, પીઠ, પેટ, ઢેકા અનેપડખાં વળી વળીને શેક્યાં. એક શેકે ત્યાં બીજું ઠંડુગાર. પગનાં તળિયાં અને માથાટાલકું અળગાં જ લાગ્યાં. પેલો હાથ શેકાય કે ન શેકાય — સરખું જ.

તાપણું સળગતું હતું.

ભફફ દઈને એક મોટું પાંખોવાળું જીવડું તાપણામાં પટકાયું. તાપણું હોલવાયું. ધુમાવા લાગ્યું. જીવડું અંગારામાં ચાંચ મારતું જાય. પાંખો ફફડી, ઊંચી નીચી થઈ તેમ અંગારાનો પથારો પહોળાયો. રૂંવાટી બળ્યાની દુર્ગંધ એના નાકમાં ભરાઈ, બળતા જીવડાને જોી એની આંખો મીંચાઈ ગઈ. જીવડાના પેટ તળે અંગારા ડામ પાડતા ગયા. ચચણાટ સાથે બળતું પાણી. બળતા ગયા નખ અને પગના પંજા. જીવડાની હલચલ અટકી. પાંખો ઠૂંઠ.

ઠૂંઠ હાથવાળાની છાતીના પાંજરામાંતી હવા ઠુસ. કપાળે અનેશરીરે પાણી ફૂટી આવ્યું. બેઠાં બેઠાં જ એ પડાવને બૂમ પાડવા ગયો. ડોક ઊંચી કરવા જતાં ઠૂંઠિયો હાથ હાલ્યો. એક બૂમ પાડી પણ અડધીય ન નીકળી, થોડી અંદર રહી ગઈ. બીજી બૂમ પાડવા ગયો પણ મોં જ ખૂલે અને પવન અંદર જાય અને બહાર આવતો લાગે. ખૂલતા મોંમાં નસો ધોળીરાતી. મોંના ઊંડા ગોખલામાં નાની દીવેટ જેવું લકટકું આઘુંપાછું થાય.

તાપણું.

પાસે બેઠેલી કાયા.

કાયાને અઢેલી બેઠેલું અધારું.

કાયા અને અંધારું બંને એકબીજામાં ભળ્યાં.

છૂટાં પડ્યાં.

ઠૂસ થયેલા ખોળિયામાં એણે થોડો જીવ ભર્યો. આંખોના ડોળા પોપચાં તળે આમ તેમ ફેરવ્યા. ઊંઘમાં એના હોઠ પહોળા થયા. કશું બોલતો ગયો. ગાવા માંડ્યું. ડાગળી ઊડવા લાગી. દીવો આઘા કોબામાં જાય. ઊડી આવે રૂરૂ તાંતણા. કોઈ ઝાડ રસ દૂઝે — હોઠ પર આવતો ગયો ગાણાનો ઢાળ.

ગાણું અટક્યું.

એ હજુ અવાચક હતો.

પડાવના બે જણાએ એની ફરતે આંટા માર્યા. એકે માથાથી પગના અંગૂઠા સુધી બંધ મુઠ્ઠી ફેરવી. બેય જણા ડુંગરની પાર ગયા. ત્યાં એમણે મુઠ્ઠી ખોલી, મોંની ફૂંક મારી. પાછા વળ્યા. બંનેએ ન જોયું ડાબે, જમણે કે પાછળ. આંખ માંડી રાખી સામેની દિશા તરફ જ. કશું બોલી ન દેવાય એ બીકે એમણે પોતાની કાયાની ગાંસડી કરી નાખી. નજરને એક વાટમાં ચલાવતા, પગલાં માંડતા ચાલ્યા. આ આવ્યો પડાવ આ આવ્યો પડાવ.

બે જણમાંથી એકની નજર ઉપરની બાજુ કતરાઈ. જોયું તો — ઊડતો સાથે આવે કાળો તરાપો. નજર નીચી પાડીને એણે બીજા સામે જોયું. બેઉની નજર એક થઈ. બધું એકબીજામાં પહોંચી ગયું. પેલા ઠૂંઠના કાનમૂળિયાં બોલી ઊઠ્યાં. અંધારું પીને વાયરો પ્રવેશ્યો અંગૂઠાથી ને પહોંચ્યો માથામાં. અણીદાર લાકડું ઘોંચીને કાનના પડદા ફાડ્યા હોય એમ થયું. કંઈ સંભળાય નહિ.

પેલા બે જણ પડાવ તરફ આવતા હતા. જેમ એ બે ચાલતા જાય, ઉપર તરાપો ચાલતો જાય. તરાપાની પડછે ઉપર ધોળુંધોળું. એમાં સરતો જાય કાળો તરાપો.

અડોઅડ ચાલતાં એ બે એકબીજાને અથડાઈ પડ્યા. ફરી અથડાઈ ન જવાય એટલે વધારે પાતળા સોટા થઈને ચાલવા માંડ્યા. અથડાવાના અવાજને પાછો ખેંચવા, ભૂંસવા મથ્યા.

પડાવ બંનેની રાહ જોતો હતો. તાપણું વચમાં ને કુંડાળે બેઠો હતો પડાવ. પડાવના ઢીંચણ એક બીજાને અડકતા. ઉભડક બેઠેલા — એક દેહજીવ પેલા બે આવ્યા. પડાવે એમના માટે જગા કરી. એ બે બેઠા.

ઉપર તરતો આવતો તરાપો કુંડાળા પર આવીને થોભ્યો.

ઠૂંઠ અવાચકની ઘરેડી હજુ બોલતી હતી.

પડાવ ઊંઘરેટાયો.

ઉપર તરાપો.

પાછલી રાતમાં હારબંધ પંછી જીવડાં તાપણાંમાં આપી પડ્યાં. અંગારા ઊછળ્યા કે પડાવ જાગી ગયો. ઊછળેલા ઉંગારાથી વખરી સળગવા માંડી. પડાવ ભાગીને આઘો ગયો અને વખરીને બળતી જોઈ રહ્યો. પડાવ પાછો આવ્યો અને બધી રાખને ફંફોસી. હાથ લાગ્યું એક બફાઈ ગયેલું કોળું. તીણા પથ્થરથી એને કાપી ખાધું. પડાવના ગાલ રાતા રાતા થયા.

ઠૂંઠ અવાચક દવડાઈ ગયો હતો. પડાવ એને આઘે જઈને ભંડારી આવ્યો. ઉપર મોટા પથ્થર ગબડાવી ગોઠવ્યા.

તરાપો ઉપર હતો.

પડાવ હવે આઘા ઠેકાણે જઈને પડ્યો.

એકને પંખી જીવડાં તેડી, શેકી ખાવાનું મન થયું. લાંબા પથ્થર પર એણે અંગારો લીધો. એખ હાથની આડશ રાખી. પગનાં કાંસકાંભેર એ ચાલી નીકળ્યો. છેટે જઈને પગનાં પૂરાં તળિયાં પર ચાલ્યો. ઠેકડા મારતો જાય, મલકાતો જાય. દૂર જઈને એણે ખાડામાં અંગારો ઉઘાડો કર્યો. થોડાં લાકડાં વીણી લાવ્યો. તાપણું પેટાવ્યું.

ઊતરી આવ્યું એક પંખી. દબાવી પાડ્યું અને શેકી આકરું કર્યુ. તાપણાની બહાર ઉછાળ્યું. એમાં લાકડું ખોસ્યું. બફાયાની ખાતરી કરવા. સરી આવી માંહ્યલી વરાળ ઊની. ઉપર હથેળી ધરી. હથેળીને ગંધ બાઝી ગઈ. નાક પાસે હથેળી લઈ જઈને સોડમ ખેંચી.

ગરમ ગરમ, શેકાયેલા ગચિયાને એણે હથેળીમાં લીધો. ઉછાળ્યા કર્યો ને ઠંડો પાડ્યો. મોં પાસે લઈ ગયો. અંદર તો ગરમ હતું, તોય બચકાટ્યું, કાપીને વેગળું કરીને જ છોડ્યું. કપાઈને કોળિયો થયેલો ભાગ મમળાવવા માંડ્યો. જીભ, હોઠ લબલબતાં ગયાં. પચપચાટ લાળનો અને કોળિયાને ફરવા સરકી જગા નહિ. મારમાર રેલા, છાંટા, ગલોફાથી નીકળે અને ગરિયાને ટાઢવે. હાઉવાઉ જડબાં દાંત અથડાતા. પરપોટીઓ કોળિયા પર નાચે. કોળિયો ઊનો. આંખમાં પણ ઊતરી આવ્યાં પાણી. ગચિયાને બીજાં બચકાં ભર્યાં ને હરુડ હોજરામાં ઊતારતો ગયો. હથેળી પર ચાટી ગયો. પેટ,છાતી ને માથું ધધક્ ધધક્ ધક્ ધધક્ ધધક્ ધક્ પગ ભોંય પર નહિ. વાંસામાં વીંઝારો થયો. વાંસામાં અંકુર ફૂટવાના બે આછા કડાકા થયા. એણે આંગળીના ટેરવાં વાંસામાં અડાડી જોયાં. બે બાજુ અણીઓ નીકળતી હતી. એની આંગળીઓને ધક્કો લાગ્યો. એનો કોઠો ઝળાંહળાં. પાંખો વધતી ચાલી. એ ઊડ્યો. રાતા ગાલ આંખનાં પાણીથી ભીના થયા પછી સુકાયા. એ ઊડતો જાય, નાચતો જાય. પાંખો વીંઝતો જાય સરુડ સરુડ પાંખો સાંભળીને પડાવ બધો જાગી ગયો, ઉપર તરફ આંખો માંડીને ઊભો. એ ઊડતો ઊડતો તરાપા પર આવ્યો અને તરાપામાં ઓગળી ગયો.

નીચે પડાવ નાચે. ઉપર કાળો તરાપો.

આખો પડાવ ઊડવા માંડ્યો. બધું છલોછલ ભરાઈ ગયું. કિલકારીઓથી. ઊડતો પડાવ છેક તરાપાની હેઠે આવી પહોંચ્યો.

પડાવની પાંખો તરાપાને જઈ અડી.

કિલકારીઓ ઘટી.

પડાવ તરાપામાં ભળી ગયો.