ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/બારણું

બારણું

હિમાંશી શેલત




બારણું • હિમાંશી શેલત • ઑડિયો પઠન: દર્શના જોશી

‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓ નિરાંતે જાય છે તે દેખતી નથી, તું મારે એક નવાઈની લાજુ લાડી ના જોઈ હો તો…’

સવલી પરાણે ઊભી થાય માને આમ બબડતી સાંભળીને, તોયે ખાડીની બીજી બાજુ જતાં તો એને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાં જ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં-ઓળંગતાં ઠેઠ દૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાંયે પાછું ગોબરું કાદવિવું ઘાસ, કેટલાયે પગ નીચે ચબદાઈને ચપ્પટ થઈ ગયેલું, એવામાં એકાદ સરખી જગા ખોળીને બેસવાનું. એકાદ દેડકું કૂદે, કે પગને અળસિયું અડી જાય તો બૂમ પડાઈ જાય. અધ્ધર જીવે, ચકળવકળ આંખે બધું પતાવી દેવાનું. ખબર નહીં શાથી, સેવંતી કે દેવુને તો કંઈ ખરાબ ના લાગે આમાં. ગમે ત્યાં ફટ દઈને બેસી જાય.

‘એટલે દૂર કાદવ ડખોળતા કંઈ જવું નથી. ચાલ આટલે જ, કોઈ નવરું નથી જોવા…’ પછી ખિખિયાટા કાઢતી કહે કે બધા પોતપોતાનું કરતાં હોય તાં કોણ કોનું જોવા બેસે. છેક જ નફ્ફટ સેવંતી તો.

ઝાઝા અંધારે ને આછા અજવાળે, મળસકું થતામાં જ ખાડી ભણીથી ફૂટતા પગરસ્તે ચૂપચાપ ઓળાઓ સરકતા દેખાય. આખું દૃશ્ય આમ તો ભારે ભેદી લાગે, પણ વાતમાં દમ નહીં. ખાડીની આસપાસની વસ્તી અડખેપડખેની ખુલ્લી જમીનનો અને ખાડાટેકરાનો ઉપયોગ આમ જ કરતી આવેલી. કોઈને એમાં કંઈ લાગે નહીં, સવલી જ ડરપોક અને શરમની પૂંછડી એટલે ખુલ્લાં ખેતરાંથી બીએ.

‘સવલીની મા કે’ કે એને હારે લઈ જાઓ, પણ સવલી તો બાપ બહુ નખરાળી. અહીં ના ને તાં ના, ચાલ ચાલ કરીએ તારે એકાદ ખૂણો જડે એને.’

‘અલી ઓ… એટલે દૂર કાં ચાલી, જર જનાવર ચોંટી પડે પગે…’

સવલીને અટકવું પડતું. ઝાંખરાંટેકરાની આડશે સંતાતી એ બેસતી તો ખરી, પણ જરા પગરવ સંભળાય તો ફટ દઈને ઊભી થઈ જતી. ખુલ્લું આકાશ એને માથે તોળાઈ રહેતું અને ઝીણો અમથો ખાડો ગુફા જેવો દેખાતો. ગામમાં હતી ત્યારે એને ને બુધિયાને બહાર ખાટલી પર બાપા ઉંઘાડી દેતા. પછી રાતે એકાએક ઝબકીને એ જાગી જતી તો બાપા દેખાતા નહીં, અને ઓરડીનાં બારણાં તો બંધ જણાતાં. આઘે આઘે શિયાળવાં રડતાં, પવનમાં બે-ચાર સૂકાં પાંદડાં ઝાડની ઠેઠ ઉપરની ડાળીએથી ખરી પડતાં, અને અથડાતાં-કુટાતાં નીચે આવતાં, પડખે વાડાના ઘાસમાં કશુંક સરકતું હોવાનો ભાસ થયા કરતો. એવે વખતે અંધારું એને ગળી જતું, અને શિયાળાની રાતમાંયે એ પરસેવે રેબઝેબ થઈ જતી. એક વાર તો બહુ બીક લાગી એટલે દોડીને બારણું જોરજોરથી ઠોક્યું હતું, અને કશું નથી એ જાણ્યા પછી બાપાએ એક થપ્પડ મારેલી, બહુ જોરથી નહીં જાણે, કારણ બાપાયે જરા ઘેનમાં જ હતા.

પણ ત્યાર પછી બારણું ઠોકીને બાપા કે માને જગાડવાની એને બીક લાગતી, અને આમ કાળી રાતમાં ખુલ્લી આંખે એકલાં એકલાં ખાટલીમાં પડી રહેવામાંયે હાથપગ પાણીપાણી થઈ જતા. બુધિયો તો સાવ નાનો તે નિરાંતે ઘોરે. એને કશી ગમ નહીં.

અહીં શહેરમાં બધું જુદું. આખી વસ્તી રાત-દહાડો ખદબદે. એવામાં ખુલ્લામાં જ પાણીનું ડબલું ઝાલીને બધાં જ – નાની કાકી એક વાર બંધાયેલાં જાજરામાં લઈ ગઈ. ત્યાં લાઇન તો હોય પણ એક વાતથી સારું કે બારણું તો બંધ થાય. એ તો અંદર ગઈ ત્યારે જ ખબર પડી કે બારણું તો નામનું જ. આંકડી તૂટી ગયેલી. એણે નાની કાકી અને પનીને ઉથલાવી ઉથલાવીને કહેલું કે જોજો કોઈ ખોલી ન નાખે, પણ બેય હાહાઠીઠીમાં પડેલાં તે એને અંદર ભૂલી ગયાં ને કો’ક મુછાળા તગડા મરદે ધડાક દઈને બારણું ખોલી કાઢેલું. એ તો અંદર થીજી જ ગયેલી, પછી ઊભી થઈ ત્યારે પગ થરથર કંપે. પેલો નાલાયક તો બહાર હસતો’તો, જરી આંખ મિચકારી હોય એવુંયે લાગ્યું. પછી તો રસ્તે જતાં-આવતાં એ મળી જાય તો સવલી આઘુંપાછું જોઈ લેતી.

આઠમની રાતે દયાળજીનગરમાં સિનેમા દેખાડેલી. અડધું તો ઊંઘમાં જ ગયેલું, પણ ગુલાબી લાદીવાળો બાથરૂમ અને એમાં સાબુના ગોટેગોટામાં લપેટાયેલી પરી જેવી છોકરી યાદ રહી ગયેલાં બરાબર. સેવંતી કહે કે બંગલામાં એવા જ બાથરૂમ હોય. એટલે જ એ બંગલામાં કામ કરતી હશે કદાચ. અહીં તો ચાર વાંસ પર લપેટેલા કોથળા એવા ઘસાઈ ગયેલા કે કપડાં કાઢીને તો પાણી રેડાય જ નહીં. ફડક રહ્યા કરે કે વખત છે ને કો’ક જોઈ જશે કે કો’ક જોતું હશે. પાછળ કારખાનાવાળો રસ્તો એટલે સાઇકલ-સ્કૂટરની ધમધમાટી ચાલે, નવરાધૂપ છોકરાઓ સિસોટી મારતા રઝળ્યા કરે મવાલી જેવા, એટલે અંદર પણ જાણે લોકની સામે જ ખુલ્લાં થઈ નહાતાં હોઈએ એમ જ. સેવંતી અને મુમતાઝ તો પાંચ-છ મહિનાથી માથે નહાતાં થયાં છે તે કેમ’કે એવા દહાડામાં બહાર જવાની બહુ પંચાત. બધું રોકી રાખવું પડે. પછી એ લોકો તો જાણે બંગલે કામ પર જાય ત્યાં બધું પતાવી લે. પની કે’તીતી કે પછી એનુંયે એવું જ થશે. એવું એટલે દર મહિને બધી ગંદકી… મા તે પછી તો કોને ખબર કેટલું બબડશે. અત્યારેય તે —

‘દાધારંગીને રોજેરોજ સાબુ જોઈએ છે. હજી તો એક પૈસો સરખો લાવતી નથી. ઘરમાં પણ ચાળા એના બધાંથી ચડે એવા. ને ઘસે એટલો કે અઠવાડિયામાં તો પાતળી પાતળી પતરી થઈને રહી જાય છે…’

મેદાનમાં મેળો લાગ્યો છે. વસ્તીમાંથી ધાડેધાડાં તે તરફ આંટા માર્યા કરે. બે-ચાર દિવસથી પની ને સેવંતીને બધાં પાછળ પડી ગયાં છે પણ માનો નન્નો. એના મનથી એમ કે પાછી સવલી પાંચેક રૂપિયા ખરચી આવે તે કરતાં જાય જ નહીં તો.. સેવંતીને તો જાણે એના પોતાના જ પૈસા એટલે કોઈને પૂછવા-કરવાનું નહીં.

છેવટે મા વળી કંઈ માની ગઈ ખરી, તે ચીપી ચીપીને વાળ ઓળી, પાઉડરના લપેડા કરી સેવંતીની આંગળી ઝાલી એ ભીડમાં ભળી ગઈ. માએ દસ વાર કહેલું કે હાથ છોડશો નહીં, નકર અટવાઈ જશો ભીડમાં અને એકમેકને ખોળવામાં જ રાત પડી જશે. અંધારું પડવા દેશો નહીં, એકની એક જગાએ વધારે વખત થોભશો નહીં. બંગડી-ચાંદલાની લારીઓ લાઇનબંધ ને ત્યાં પડાપડી. એવામાં ભાગદોડ અને રીડિયારમણ. સમજ કશી પડી નહીં, પણ હો હા અને દોટંદોટ, ભારે હડબડાટીમાં સેવંતી છૂટી ગઈ. બૂમો પાડી પણ રાડારાડમાં કશું સંભળાતું નહોતું. ઊભી ઊભી રડવામાં જ હતી, ત્યાં કોઈ ભલી બાઈએ હાથ ખેંચી લીધો. એને સાચવીને બહાર લઈ આવી, ને બધું પૂછવા બેઠી.

‘દયાળજીનગર? ચલ છોડ આઉં, ડર મત.’ ભીની આંખો ફરાકની બાંયે કોરી કરી એણે બાઈ જોડે ચાલવા માંડ્યું. રિક્ષા કરી બાઈએ, પછી બોલી.

‘પહેલે જરા ઘર જા કે બતા દે, બાદ મેં તેરે ઘર ચલેંગે, જલદી નહીં તેરેકુ?’

એણે ડોક હલાવી. ગલીકૂંચી અને ઝાકઝમાળ દુકાનો વચ્ચેથી સડસડાટ રિક્ષા ચાલતી હતી. કેટલાંક બારણાં બંધ ને કેટલાંક ખુલ્લાં, બધું અજાણ્યું, પણ એને કંઈ બીક ન લાગી. બાઈ ભલી હતી તેથી હશે એમ, એક ખૂણે રિક્ષા અટકી. મોટું મકાન, મોટો ઓટલો, તોતિંગ મજબૂત બારણાં.

વચ્ચે ચોક હતો. ઉપર થોડી ઓરડીઓ. નાની નાની બારીમાંથી બેચાર ચહેરા ડોકાયા, પછી બારીઓ બંધ થઈ ગઈ. ઘણા માણસો રહેતા હશે આટલી મોટી જગામાં. આમતેમ જોતી એ અધૂકડી ઊભી રહી.

ક્યાંકથી ગાવાના, હસવાના દબાયેલા અવાજો આવ્યા કરતા હતા. ઉપર તો કશું દેખાતું નહોતું. ઓરડીઓનાં બારણાં બંધ હતાં ચસોચસ, ને જે ખુલ્લાં હતાં એ લાલ ગુલાબી ફૂલોવાળા પડદે પૂરાં ઢંકાયેલાં, અંદરનું કંઈ દેખાય નહીં.

‘આતી હૂં અબી, ફિર ચલેંગે તેરે ઘર છોડને કે વાસ્તે.’ બાઈ આઘીપાછી થઈ ગઈ.

સેવંતી ખોળતી હશે એને ભીડમાં. બધાં હવે તો ઘેર પહોંચી ગયાં હશે અને કદાચ મા કાળો કકળાટ કરતી હશે. ના પાડેલી આટલા સારુ, ભીડમાં હવે સવલીને કાં ખોળવા જવાનાં, આવડી ફોતરા જેવી છોકરી ભચડાકચડીમાં કોને ખબર કાં… મા એને ફોતરા જેવડી છોકરી કહેતી.

એકાએક એને પેટમાં જરા ચૂંક જેવું લાગ્યું. થોડી ભૂખ અને તરસ તો લાગેલી જ, હવે આ પેટનો અમળાટ. અમળાય જ ને, આજે ત્રણ દિવસથી ટાળતી હતી જવાનું તે… બાઈ બહાર આવે તો પૂછીને જવાય. આવડા મોટા ઘરમાં બધું હશે તો ખરું સ્તો.. પતાવી દેવાય તો કાલે ખટપટ નહીં.

પેટમાં હવે કશુંક ગોળગોળ ફરતું હતું, અધીરાઈમાં એ આકળવિકળ થઈ ગઈ. અબઘડી બાઈ બહાર આવે કે તરત જ. આવી વાતે કંઈ કોઈ ના ઓછું પાડે? એણે લાગલું જ પૂછ્યું.

‘હાં, હાં, અરે મુન્ની, જરા ઉસે.’

ચોકની એક તરફ બે મોટા બાથરૂમ, સરસ સુંવાળી ગુલાબી અને આસમાની લાદીવાળા. પેલી ફિલમમાં જોયેલો બાથરૂમ યાદ આવી ગયો. બાજુમાં એકદમ ચોખ્ખો બરાબર બારણાં બંધ થાય એવો, પાકી મજબૂત દીવાલોવાળો… આમાં જવાનું? આ બધાં આમાં જતાં હશે!

આંખો ફાડીને એ બારણું અને આગળો જોઈ રહી. બારણું બંધ થાય એટલે બધુંયે બહાર રહી જાય. આપણને તો અંદર કશી બીક નહીં, કોઈથી ખોલાય સુધ્ધાં નહીં, કોઈને એ દેખાય પણ નહીં, કશો રઘવાટ નહીં.

‘જા અંદર.’

હરખની મારી એ જમીનથી ઊંચકાઈ ગઈ, સપનું જોતી હોય એમ એ અંદર દાખલ થઈ, અને એની પાછળ બારણું બંધ થઈ ગયું, ચસોચસ.