ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/ઇતરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઇતરા

હિમાંશી શેલત




ઇતરા • હિમાંશી શેલત • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ




આ કાંટાળી કેડી પર ચાલીએ તો કાંટા ભોંકાઈ જવાના અને વેદના થવાની, આ બળબળતી રેતીમાં પગ મૂકીએ તો એ દાઝવાના, પેલા અંગારાને હથેલીમાં લઈએ તો ફોલ્લો પડવાનો ને આમ જો તર્ક આગળ ચાલે, કોઈ અવરોધ વિના, તો એવું તારણ નીકળે કે આ-ને પ્રેમ કર્યો એટલે આવું થવાનું જ, પણ તર્કની ખીંટીનો આધાર અહીં લેવાય નહિ. અહીં તો આમ જ, સહજ ભાવે બધું ફગાવી દેવાનું, વારી જવાનું, ન્યોચ્છાવર કરી દેવાનું. પૂછવાનું નહિ શું. આ તો ફૂલ પર ઝાકળ બનીને સરવાની વાત હતી, ક્યાંક વરસી પડવાની વાત હતી. તું દસ વર્ષ વહેલી મળી હોત તો આવું ન થાત. તારા આવ્યા પહેલાંનો આ સંબંધ…ઘૂઘવતા કાળનાં દસ વર્ષ ઓળંગીને સામે કિનારે ઊભેલા મુકુંદનો હાથ કોઈ પકડે તે પહેલાં પકડી લેવાનું હવે શી રીતે બને? રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને એ ચાલે છે તો બીજું કંઈ ચણેલું વધારે નક્કર અને વ્યવસ્થિત, એને તે શી રીતે તોડાય? હવે તો આમ જ, આ રસ્તે જ ચાલ્યા કરવાનું. અજાણ્યા બનવાનું, સમજદાર થવાનું. મર્યાદા, વાસ્તવિકતા, લાચારી, ડહાપણ બધાંનો ભાર ખભે નાખીને ચાલ્યા કરવાનું ને આમ જ આ ટૂંકા દિવસની સાંજ પડી જવાની, પણ વિસામો આવવાનો નહિ.

એક સુંદર માર્ગ, વૃક્ષછાયો, ઝળૂંબી રહેલી પુષ્પખચિત ડાળીઓ પર પંખીનાં ગીત. વેરાયેલાં પુષ્પોથી માર્ગ પણ રંગીન અને કોમળ, કોમળ. ઉપર આસમાની રંગ. મોજથી ચાલ્યા કરવાનું. શરત એટલી કે આગળપાછળ જોવાનું નહિ. આગળ જોવાનું નહિ કારણ આગળ કશું આવે નહિ, પાછળ જોવાનું નહિ કારણ પાછળ કશું દેખાય નહિ. વિસામો, પડાવ, આરામ એવું કંઈ નહિ. ચાર દીવાલવાળું કોઈ સ્થાન નહિ. વિરામની વાત નહિ. આ મુસાફરીમાં એની જરૂર કોઈએ સ્વીકારી જ નથી. આમાં તો માત્ર ચાલવાનો જ આનંદ. થાક લાગે ત્યારે એવી ઇચ્છા થાય કોઈ વાર કે ચણેલી દીવાલોની હૂંફ મળે તો સારું લાગે. કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય પણ એમાં હૂંફ ન મળે. રાતદિવસ ખુલ્લામાં ચાલ્યા કરવાથી મન તલસ્યા કરે પેલી હૂંફ માટે. ઘરની હૂંફ. ત્યાં અથડાટ ભૂલીને નિરાંતે બેસાય, બારણું બંધ કરી બહારની દુનિયાને બહાર રાખી શકાય. કોઈ ખલેલ વિના અલસ ગતિએ ક્ષણો સરતી જાય. એવું અહીં બને તેમ નથી. માર્ગ અલબત્ત સુંદર છે પણ અહીં ઠરવાનું ‘નથી. એકાદ-બે પળ વિસામો લીધો પછી પાછું ચાલવાનું જ છે. વધારે થોભાય એવું કોઈ સ્થાન અહીં આવતું નથી. જોકે આ વિચાર આ માર્ગ ભણી આવતાં પહેલાં કરવો જોઈતો હતો. હવે અહીંથી પાછા જવું કેવી રીતે અને ક્યાં?

તાળીઓના ગડગડાટથી એની તંદ્રા તૂટી. કોણ શું બોલ્યું એની ખબર પડી નહિ. મુકુંદ પૂછે કે પેલાએ મારે માટે શું કહ્યું તો એનાથી જવાબ ન અપાય. એણે કશું સાંભળ્યું જ નહોતું. ન આવી હોત તો સારું થાત એમ લાગ્યું એમાં પાછું મુકુંદને ખરાબ લાગે, જે પરિસ્થિતિ સમજી-વિચારીને સ્વીકારી એમાં ફરિયાદ નહિ કરવાની. મેં તને છેતરી છે? કંઈ સંતાડ્યું છે તારાથી? એમ તો કશું થાય નહિ. આમાં તો અસામાન્ય બની જવાનું. સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઇચ્છા એને હોવી જ ન જોઈએ. આસપાસ જોયું. કેટલીક આંખો બહુ વિચિત્ર રીતે એની સામે તાકી રહી હતી. એ જરા સંકોચાઈ ગઈ. થોડી મૂંઝવણ થઈ આવી. પછી ડોક ટટાર કરીને એણે મુકુંદ સામે જોયું. મંદાબહેનની બાજુમાં બેઠેલો મુકુંદ સાવ અજાણ્યો હોય એવું લાગતું હતું. સાક્ષીભાવે એ બધું જોઈ રહી. જલદી પતે તો સારું હવે.

ગણગણાટથી હૉલ ઊભરાઈ ગયો એટલે હાશ અનુભવતી એ ખૂણામાં ઊભી રહી. પરિચિત ચહેરાઓ એકમેક સામે મલકાતા હતા, ક્યાંક હાથ ઊંચા થતા હતા, નમસ્કારની મુદ્રામાં જોડાતા હતા, ઓળખાણ તાજી થતી હતી. એને ખબર હતી કે આવા કોઈ સમારંભ પછી મુકુંદને મળ્યા વગર ચાલી જવાથી એને ખોટું લાગવાનું. બીજું તો કંઈ નહિ, સહેજ હસીને હું જાઉં છું એમ કહેવું જ પડે. મિત્રો-સંબંધીઓના ટોળાને વીંધીને આવતા મુકુંદને ખાસ્સી વાર લાગી. મુકુંદને આપેલો લાલ ગુલાબનો ગુચ્છ મંદાબહેનના હાથમાં હતો. મુકુંદ નજીક આવ્યો. કેવી રીતે આવી છે તું… જતી રહેતી નહિ. તને કોઈ મૂકી જશે. અથવા તું થોભ, હમણાં મંદાને મૂકીને આવું છું. ના, ના, એ ઉતાવળથી બોલી. મારે ક્યાં દૂર જવાનું છે. રિક્ષા મળી જશે અથવા ચાલી નાખીશ. તમે જાવ. આમ પણ મોડું થયું છે. એનો અવાજ અકારણ ધારદાર બની ગયો. વાગે એવો. કેમ તે તો સમજાયું નહિ. કદાચ મંદાબહેનનું સ્મિત એનું કારણ હોઈ શકે. પાછળ પડી છે તું મુકુંદની, પણ મારા કિલ્લામાંથી છટકવું સહેલું નથી. એને પૂરી રાખીશ. તારે તો બહાર જ ઊભા રહેવું પડશે. અને બહાર મોકલીશ તો પણ દોરી બાંધીને, દોરી ખેંચાશે કે પાછો અંદર. મંદાબહેન ફરી મરક્યાં અને અધિકારથી મુકુંદના સ્કૂટર પર ગોઠવાયાં. આવો મિસિસ સાથે કોઈ વાર. આપણો બંગલો છે ઉભરાટમાં. બધી સગવડ છે. કોઈ લળીલળીને મુકુંદને કહેતું હતું. જરૂર આવીશું. ના, એકલો નહિ – અમે બંને. એમને એવું ને કે કામ બહુ ને સમય મળે નહિ. એ તો વખત કાઢવો પડે. આ વખતે જરૂર નિરાંતે આવીશું. બસ ત્યારે, નીકળીએ. સ્કૂટરે ગતિ પકડી ત્યારે મુકુંદે ખરેખર પાછળ જોયું કે એને એવું લાગ્યું? મંદાબહેન એની સામે હસ્યાં એમાં ડંખ હતો કે વિજયનો એક ક્રૂર વિકૃત આનંદ? ધીમે ધીમે એણે એના રસ્તા તરફ ચાલવા માંડ્યું. ખાસ કશો વિચાર આવતો નહોતો. કંઈ અસાધારણ બન્યુંય નહોતું. આવું તો બને જ છે કેટલાં વર્ષોથી છતાં કશી બળતરા થતી હતી. નીચી નજર રાખી એણે ઝડપ વધારી. મુકુંદ ઘેર પહોંચી ગયો હશે. મંદાબહેને પર્સમાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું હશે. સમીર એના રૂમમાં હશે. એને તકલીફ ન પડે માટે આમ બહાર તાળું મારીને જ એ લોકો નીકળતાં. બંને કાર્યક્રમની વાતો કરતાં હશે. પછી કપડાં બદલી મુકુંદ સૂવા જશે. એની પાછળ જ મંદાબહેન… એક એક પગલું વજનદાર બની ગયું. થાક લાગતો હતો અને થાકનો વિચાર આવ્યો ત્યારે જ એને લાગ્યું કે પેલો રસ્તો એણે કલ્પેલો એટલો સુંદર નહોતો. એ ભયાનક હતો, રહસ્યમય હતો, કાળજું થથરી ઊઠે એટલો બિહામણો અને નિર્જન, ખાસ તો જ્યારે એ રસ્તે આમ એકલાં જ ચાલવાનું હોય ત્યારે.

એને થયું આટલું ચાલ્યા છતાં ઘર કેમ નથી આવતું?