ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/તનમાં નહિ, વતનમાં

તનમાં નહિ, વતનમાં

જયંત પાઠક

વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. રહી રહીને ફોરાં પડે છે ને સામેની વાડનાં પાન બિલાડીના કાનની જેમ ઊંચાંનીચાં થાય છે. સામેના ગરમાળાના ઝાડ ઉપર એક કાગડો બેઠો છે. મૂગો મૂગો; થોડી થોડી વારે એ પીંછાંમાંથી પાણી ખંખેરે છે. મારા મકાન સામેનો રસ્તો સૂમસામ છે; ક્યારેક રડ્યુંખડ્યું વાહન પસાર થાય છે ને એથી ભરાયેલાં પાણીમાં થ તો છલબલાટ સંભળાય છે. હું વરંડામાં હીંચકા ઉપર તકિયે ઢળ્યો છું; મારી છાતી ઉપર નાનો ટ્રાન્ઝિસ્ટર છે.

અચાનક જાહેરાત થાય છે; સમાચાર સંભળાય છે કે પંચમહાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જિલ્લાની બધી નદીઓના બંધ છલકાઈ ગયા છે — પાનમ, હડબ, કબૂતરી, કરડ… ‘કરડ’ શબ્દ સાંભળતાં જ મનમાં વીજળી જેવો ઝબકારો થાય છે. કાંઠાનાં ગામોના લોકોને સલામત સ્થળે ચાલ્યા જવાની સૂચના છે. કરડ નદીને કાંઠે મારું ગોઠ ગામ છે — ઊંચા ટેકરા ઉપર, દસ-પંદર ઘરનું ગામ, અત્યારે…

નાનપણમાં મેં કરડ નદીને અનેક વાર છલકાતી જોઈ છે. ઉપરવાસ મારા ગામથી ચારેક ગાઉ દૂર પહાડોમાં વરસાદ પડે એટલે તરત અમારા ગામના નદીના પટમાં પાણી વધવા લાગે. અમે બાળકો ભાંગીતૂટી ઘોડાછાપ છત્રીમાં ભરાઈને પાણી જોવા દોડીએ… આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો. રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે, હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે. એની ઊછળતી યાળથી પટમાંના પથ્થરો ધીમે ધીમે ઢંકાતા જાય છે, અદૃશ્ય થાય છે. પછી તો ચઢતા તરંગો ને ફેલાતાં વમળોના રાક્ષસી બળથી આખી નદી ઊંચકાઈને બંને કાંઠાઓ પર પછડાય છે, કચરાળા ફીણના છાંટાથી બંને કાંઠાઓ છંટાય છે.

નજર સામે અનેક દૃશ્યો આવે-જાય છે. કરડનાં પાણી ગોઠ ગામને આંટ મારીને વહી રહ્યાં છે. કાંઠે ઊભેલા કણઝના ઝાડને છાતી સુધી પાણી આવ્યાં છે. પોચી પોચી માટીની ભેખડો થોડી થોડી વારે ડબાક્ કરતીક ને પાણીમાં તૂટી પડે છે. ઉન્મત્ત નદી. કિનારાને હજાર હજાર હાથનાં નખોરિયાંથી ખણે-ખોતરે છે ને ઊંડા ઘા પડે છે. આ ઝાડી-ઝાંખરાં પ્રવાહમાં ગળચિયાં ખાતાં, ઊંચાં-નીચાં થતાં ચાલ્યાં, આ આખું ને આખું ઝાડ મૂળસોતું ઊખડીને તણાતું જાય; નદી વચ્ચેના પથ્થર સાથે ટકરાતાં એ ઊભું થઈ જાય છે ને પાછું પ્રવાહમાં ઢળી પડે છે. ઝાડની ડાળીઓ ઉપર પેલાં બેત્રણ પંખી જલવિહારનો આનંદ માણી રહ્યાં છે. વચ્ચે વચ્ચે તેઓ થોડુંક ઊડે છે, ને વળી તણાતા ઝાડની ડાળે આવી બેસી જાય છે.

અમે નાનાં-મોટાં દસ-બાર જણ પૂર જોવા ઊભાં છીએ. સાંજનો વખત છે. છગુ ટપાલી સામે કાંઠે ટપાલનો થેલો હાથમાં લઈને ઊભો છે. એ ચાર ગાઉ દૂર આવેલા અડાદરા ગામથી ચાલીને ગોઠની નિશાળમાં ચાલતી ટપાલકચેરીએ ટપાલ લાવે છે. નદીમાં પાણી આવ્યું છે, એટલે કે અંતરાઈ ગયો છે, સામે કાંઠેથી નદી પાર કરાવવા બૂમો પાડે છે. ગામના બેત્રણ જુવાનિયા તૈયાર થાય છે. પહેરણ કાઢીને ધોતિયાનો કછોટો વાળીને તેઓ પાણીમાં ઝંપલાવે છે. પ્રવાહની સાથે તરતા તરતા સામે કાંઠે પહોંચે છે ને છગુનો હાથ પકડી તેને પ્રવાહમાં ઉતારે છે. સ્વભાવે જરા ડરપોક એવા છગુએ ટપાલનો થેલો માથા પર મૂક્યો છે. સાચવી સાચવીને પાણીમાં પગ ગોઠવે છે.

આ પાસેના ઘોઘંબા ગામથી આદમ ઘાંચી આવી પહોંચ્યો. અલમસ્ત શ્યામ શરીર ઉપર એણે માત્ર એક ટૂંકી ચડ્ડી જ પહેરેલી છે. પાણી જોવા આવેલાં સૌની આંખો એના ભણી મંડાઈ છે. એ આંખોમાં અહોભાવ છે, અદ્ભુત રસ માણવા માટેની આતુરતા છે. આદમ ઘાંચી આ આંખોને ઝાઝી રાહ જોવડાવતો નથી. બધાં એને વીંટળાઈ વળે ને કહે તે પહેલાં જ એ તો ભેખડ ઉપરથી પાણીમાં ભૂસકો મારે છે. જોનારાંનો જીવ પળભર તો અધ્ધર થઈ જાય છે. એમને થાય છે: આવા બોતાળ પાણીમાં રડ્યો ડૂબી જશે તો… ક્યાંક ડૂબેલા પથ્થર સાથે અફળાઈને એનું માથું ફાટી જશે તો… ભારે તાણમાં તણાઈ જશે તો ક્યાં જતો નીકળશે એ… પણ તર્કવિતર્કનું, કુશંકાઓનું તરત જ નિવારણ થાય છે. આદમ હેઠવાસ, પ્રવાહ સાથે તરતો તરતો સામે કિનારે નીકળતો દેખાય છે. વચમાં એ જીવસટોસટના ખેલ પણ કરી બતાવે છે, ડૂબકી મારે છે ને ક્યાંય સુધી દેખાતો નથી, પછી એકાએક ધાર્યા કરતાં ઘણે દૂર ડોકું કાઢે છે, પ્રવાહમાં તણાઈ આવતા એકાદ ઝાડ ઉપર એ સવાર થાય છે ને છેટે લગી ઝાડ સાથે તણાતો જાય છે, ઊભો તારો તરે છે, ખાટલીતારો તરે છે, ગોટીમડાં ખાય છે ને બે હાથ ઊંચા કરી પાણી કેટલું છે તે બતાવે છે.

આજે કરડ નદીનો બંધ છલકાયો છે. કાંઠાનાં ગામોના રહીશોને ઊંચાણમાં સલામત સ્થાને જતા રહેવાની સૂચના અપાય છે. વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે, હું વરંડામાં હીંચકા ઉપર… ના, ના, હવે તો ગોઠ ગામમાં કરડ નદીના કાંઠા ઉપર આઠદસ જણાં સાથે ઊભો છું. છગુ ટપાલી સાથે નદી ઊતરું છું, આદમ ઘાંચી સાથે પૂરનાં પાણીમાં તરું છું. હું છું — અહીં તનમાં નહીં, તહીં વતનમાં… ૧૫-૧૦-૯૦