ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/મબલક ફૂલોનો નાનકડો દેશ : નેધરલૅન્ડ્સ

૩૦
મહેશ દવે

મબલક ફૂલોનો નાનકડો દેશ : નેધરલૅન્ડ્સ

પ્રિયકાન્ત-રચિત ‘ફૂલ’ મારું ગમતું ગીત છે. નિનુ મઝમુદારની સ્વરરચનામાં કૌમુદી મુનશીના કંઠે એ ગીત સાંભળવું એ એક લહાવો છે. કૅસેેટ – ‘ગીતકૌમુદી’ મેં કેટલીય વાર સાંભળી છે. તેણે સદાય આનંદ આપ્યો છે. આજે પણ તક મળે ત્યારે એકાંતને ઝરૂખે એ સાંભળવા બેસી જાઉં છું. તેમાંય તે કૅસેટમાં ‘ફૂલનો પવન લોચન માટે વાયો’ સાંભળું છું ત્યારે વિશ્વ આખું ફૂલફૂલોમય બની જાય છે અને અનુભવું છું, ‘પુષ્પવાસ્યમ્ ઇદમ્ સર્વમ્!’ ‘કૉકેનૉફ ગાર્ડન્સ’ જોયાં ત્યારે કવિની કલ્પનાનું ફૂલોનું વિશ્વ જાણે અમારે માટે વાસ્તવની ધરતી પર ઊતરી આવ્યું! જળ, જળ ને જળની નગરી વેનિસ અને બરફ, બરફ ને બરફની ટેકરી ટિટલિસ પછી અમે જોયું ફૂલ, ફૂલ ને ફૂલનું ઉપવન કૉકેનૉફ! કૉકેનૉફ અત્યારે ‘ફૂલ-બ્લૂમ’માં હતું. સાગર ને જળ; પર્વત ને શિખર, પ્રકૃતિનાં આ પ્રભાવશાળી સૌંદર્યો છે. તે નિહાળી અહોભાવ પ્રગટે, પણ અહોભાવમાં ‘ઑ’ (Awe) છે, સહેજ ભયનો પડછાયો છે, પણ ફૂલોમાં તો નરી-નકરી પ્રસન્નતા જ પ્રસન્નતા છેઃ ફૂલનો ફુવાર એટલો પ્રગટે જેમ કવિનાં ગાન, ફૂલનો છાંયડો છાયો, છાયો રે આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો, લાવ્યો રે.. નાનકડો દેશ નવાં આકર્ષણ ફૂલ-ફૂલોનો દેશ નેધરલૅન્ડ્સ સાવ ટચૂકડો છે. આખો દેશ ચાલીસ હજાર ચોરસ કિલોમિટરમાં સમેટાઈ જાય છે. તેના કરતાં તો આપણું ગુજરાત મોટું, ગુજરાત બે લાખ ચોરસ કિલોમિટરનું ક્ષેત્રફળ ધરાવે છે. નેધરલૅન્ડ્સ કરતાં પાંચગણું! ગુજરાતની વસ્તી ચાર કરોડ કરતાં વધારે, નેધરલૅન્ડ્સની વસ્તી દોઢ કરોડની! ગુજરાત એક નાનકડો પ્રાંત અને નેધરલૅન્ડ્સ સ્વતંત્ર દેશ! કદ અને વસ્તીમાં નેધરલૅન્ડ્સ ભલે નાનો રહ્યો, પણ કુદરતની કમાલ અને માણસની સરજતે તેને મશહૂર બનાવ્યો છે. એટલે જ તો નેધરલૅન્ડ્સમાં દરે વર્ષે, પચાસ લાખ વિદેશી પ્રવાસીઓ ઊતરી પડે છે. (આવડા મોટા આપણા ભારતમાં વર્ષે માંડ પંદર લાખ પ્રવાસીઓ પરદેશથી આવે છે.) એવું તે શું જોવા જેવું છે આ નાનકડા દેશમાં? – નેધરલૅન્ડ્સનાં ત્રણ આકર્ષણો છે : સૌથી મોટું આકર્ષણ ત્યાંના ‘કૉકેનોફ’ ગાર્ડન્સ, મબલક ફૂલોનું આટલું વૈવિધ્ય બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. નેધરલૅન્ડ્સની રાજધાનીનું શહેર આમ્સ્ટર્ડેમ પણ અત્યંત પ્રેક્ષણીય છે. આમ્સ્ટર્ડેમ જળમાં સ્થળનું શહેર છે, કળા અને મ્યુઝિયમોનું ધામ છે અને છેલ્લે, હોલૅન્ડની અચરજ સમી વહેંતિયા-સૃષ્ટિ ‘મદુરોડૅમ’ નાના-મોટા સૌને વિસ્મય-સુંદરનો અનુભવ કરાવે છે. તો હાં રે દોસ્ત ચાલો ફૂલોના ધામમાં, ને આમ્સ્ટર્ડેમમાં ને વહેંતિયાના ગામમાં! ફૂલ-નગર કૉકેનૉફ ઍન્ટવર્પનો ઉંબરો ઊતરીએ કે તરત નેધરલૅન્ડ્સ આવે, પણ અમે તો જર્મનીમાં કોલોન પહોંચ્યાં હતાં ત્યાંથી સીદીભાઈના ડાબા કાનની રીતે નેધરલૅન્ડ્સ તરફ પાછાં વળ્યાં. ત્રણસો કિલોમીટરનું અંતર કાપી હોલૅન્ડના લિઝેપ્રદેશમાં આવ્યાં. કૉકેનોફ બગાચાઓ લિઝેમાં આવેલા છે. કૉકેનૉફની બહાર વેનિસ બહારના ડક્કા કે ટિટલિસની તળેટી જેવું વાતાવરણ જામ્યું છે. ક્યાં-ક્યાંથી ટૂરિસ્ટો ફૂલો જોવા ઊમટ્યાં છે. પાર્કિંગ લૉટમાં તરહતરહના કોચ ઊભા રહી ગયા છે. પ્રવાસીઓ બગીચાના દરવાજા તરફ પ્રયાણ કરી રહ્યાં છે તડકો નથી ને વરસાદે નથી, બપોરના બાર વાગ્યે પણ ભીનો-ભીનો, ઠંડો-ઠંડો આહ્લાદ ભીંજવી રહ્યો છે. વરસાદ પડું-પડું છે, પણ પડતો નથી. વાદળનો ચંદરવો ગોરંભાયેલો છે. તેની નીચે ખુલ્લા ખડખડાટ હાસ્યના ફુવારા ઊડી રહ્યા છે. ફૂલો સાથે માણસોનોય મેળો છે. બગીચાઓ ૭૦ એકરમાં પથરાઈને લહેરાઈ રહ્યા છે. ઝાઝું ચાલી ન શકે તેવા માટે વિનામૂલ્યે વ્હિલચેરની સગવડ છે. ફૂલોના રંગ-ઉમંગનો માણસોને ચેપ લાગ્યો છે. બધાં હસતાં-હસતાં હો-હો કરતાં બગીચાઓમાં દાખલ થઈ રહ્યાં છે. રસોડાની રાણીનું કિચન-ગાર્ડન આપણે ત્યાં ઘર બતાવવાનો એક રિવાજ પડી ગયો છે. મહેમાન ઘરે પહેલી વાર આવ્યા હોય અને સંબંધ ઠીક ઠીક હોય (કે ન હોય તોય) ઘરમાલિક પોતાના ઘરની ‘ગાઇડેડ ટૂર’ કરાવે. એથી કદાચ ઘરમાલિકનો ‘ego’ સંતોષતો હશે. અમદાવાદ જેવા શહેરમાં તો ઘણાં ટેનામેન્ટ્સ, ડુપ્લેક્સ રૉ-હાઉસ કે બંગલામાં રહેનારાં પણ હોય. ‘ગાઇડેડ ટૂર’ને અંતે તમને ટેનામેન્ટ કે બંગલાની પછીતે, મોટે ભાગે રસોડાની પાછળ લઈ જવામાં આવે અને જમીનનો એક નાનો ‘પેચ’ (ગામડામાં જેને વાડો કહે છે તે) બતાવી કહેવામાં આવે. ‘આ અમારું કિચન-ગાર્ડન!’ ‘નાઇસ, નાઇસ’, કહી તમારે મોં પર ખોટુંખોટું હાસ્ય લાવવાનું. આવા ઘણા અનુભવ પછી મેં એક ઘર-માલિકને પૂછવાની હિંમત કરેલી (આ વીસ-પચીસ વર્ષ પહેલાંની વાત છે) : ‘આને કિચન-ગાર્ડન કેમ કહો છો?’ ‘સિમ્પલ’ એમણે જવાબ આપ્યો. ‘કઢીમાં લીમડો નાખવાની જરૂર પડે; ચામાં તુલસી, ફુદીનો કે લીલી ચા નાખવી હોય, લીંબુ, કોથમીર કે મરચાં જોઈતા હોય – આ નાનકડો બગીચો કિચનની આ બધી જરૂરત પૂરી કરે છે એટલે એ ‘કિચન-ગાર્ડન!’ ‘ઓ..’ હું સમજ્યો બ્રહ્મજ્ઞાન લાધ્યું. જોકે કિચન-ગાર્ડનમાં મીઠા લીમડા સિવાય મેં અમદાવાદમાં બીજું કશું ભાગ્યે જ જોયું છે. આ બધું યાદ આવવા માટે ખાસ કારણ હતું. કૉકેનૉફનો અર્થ થાય છે કિચન-ગાર્ડન. ‘કૉકેન’ એટલે કિચન અને ‘નૉફ’ એટલે ‘ગાર્ડન’. આજથી છસો વર્ષો પહેલાં અત્યારે જ્યાં ટુલીપના બગીચાઓ છે ત્યાં જંગલ, તળાવ ને કંદમૂળના ઢગલા હતા. બાજુમાં કાઉન્ટેસ (રાણી) જેકોબાનો કિલ્લો હતો. કાઉન્ટેસ જેકોબા અને તેનો મોટો રસાલો રહેતો હોય એટલે ખાવા-પીવા તો જોઈએ. તે માટે અહીંના જંગલોમાં પ્રાણીઓના શિકાર થતા, શાકભાજી ઉતારાતાં, તળાવો ને ખાઈઓમાંથી પાણી લઈ જવાનું. ટૂંકમાં રસોડાની બધી જરૂરતો આ વન-ઉપવન પૂરી પાડતું. તેથી આ વન-ઉપવન કહેવાયું, ‘કૉકેનૉફ’ યાને ‘કિચન ગાર્ડન!’ સુવર્ણ-જયંતી રાજ ગયાં, રાજરાણી ગયાં ને સસાલાય ગયા, પણ રહી ગયાં વન-ઉપવન ને બગીચા. ૧૮૩૦માં જર્મન લૅન્ડસ્કેપ ગાર્ડનર ઝોસેરે જેકોબાના વનની જમીનમાં હરિયાળા બગીચાઓ માટેનો પ્લાન આપ્યો. વચ્ચે મોટું તળાવ, આસપાસ વૈભવી વૃક્ષો, હરિયાળી અને ફૂલો. અહીંની આબોહવા ટુલીપ્સને બહુ માફક. દેશ-વિદેશમાં ટુલીપ્સ પહોંચાડતી વેપારી પેઢીઓ ઊભી થઈ. આવી ચાલીસેક વેપારી પેઢીઓને વિચાર આવ્યો, ‘કાં ન ફૂલોનું કાયમી ‘શો-કેસ’ બનાવીએ?’ ટુલીપ્સના આવા કાયમી પ્રદર્શનનો વિચાર ૧૯૪૯માં અમલી બન્યો અને સર્જાયું યુરોપનું સૌથી સુંદર અને સૌથી મોટું બગાન-સંકુલ! આજે નેવું જેટલી વેપારી પેઢીઓ આ બગીચાઓની જાળવણી સાથે સંકળાયેલી છે. આ વર્ષ કૉકેનૉફ બગીચાઓનું સુવર્ણ-જયંતી વર્ષ છે. એ નિમિત્તે કાઉન્ટેસ જેકોબાની હન્ટિંગ પાર્ટી, ફૂલોનાં કલાત્મક પોસ્ટર્સ, પ્રકાશ ને રંગની કરામતોવાળું ફોટો-પ્રદર્શન અને ફૂલોની પરેડ જેવા કાર્યક્રમ ગોઠવાયા છે. ૭૦ એકરમાં ફેલાયેલા કૉકેનૉફ બગીચાઓમાં ફરી વળવું કપરું છે. બગીચાઓ જુદાજુદા પંદર વિભાગમાં વ્યવસ્થિત રીતે વહેંચાયેલા છે. એકથી બીજા વિભાગમાં સરકવું સરળ છે. પણ સમય જોઈએ, ધીરજ જોઈએ. કોની પાસે છે એ? ફૂલનો ફુવાર બગીચાઓમાં ઘૂમવાની કોશિશ તો કરી, પ્રવેશદ્વારના પહેલા વિભાગથી જ તમારા પર હરિયાળો જાદુ છવાઈ જાય છે. ગર્વિલી ઊંચાઈ ધરાવતાં વૃક્ષો તમારું સ્વાગત કરે છે. તેની ડાળીઓ પણ નીચે ઝૂકવાને બદલે ગગનગામી છે. લીલીલીલી લીલ શરીર પર ચોળી થડ અને શાખાઓએ નીલ-ધનશ્યામ રંગ ધારણ કર્યો છે. બીજા વિભાગમાં તળાવ છે, વચ્ચે ફુવારો ઊડે છે, જળમાં સારસ-બેલડીઓ સર સર સર તરે છે, આસપાસનાં પૂતળાંઓ તમને જોઈ રહ્યાં હોય એવું લાગે છે.. તળાવને કિનારેકિનારે, થાળી-આકારની પગથીઓ છે. જળમાં ખૂંપેલી એ પગથીઓ પરથી ત્રીજા વિભાગમાં આવ્યાં. ચોથા અને પાંચમા વિભાગમાં ‘ગ્રીન-હાઉસ’ છે, એટલે કે ફૂલ-છોડને બારે માસ જાળવવાનાં ઘર છે. પ્રકાશ-ઉષ્માની યોજનાથી છોડ ને પુષ્પો બારે માસ એવાં ને એવાં રાખ્યાં છે. પાંચમા વિભાગમાં એ જ રીતે ટુલીપ્સ જાળવ્યાં છે. છઠ્ઠામાં પ્રાણીઓ ને પ્લેગ્રાઉન્ડ છે, સાતમામાં રંગ-બેરંગી પક્ષીઓ છે. આઠમામાં જૂનાં ને જાડાં વૃક્ષો છે. બે-ત્રણ જણ ભેગા મળી બથ ભરીએ તો થડને પકડી શકાય એવી જાડાઈ!! નવમો વિભાગ રાણી બીએટ્રીક્સ પેવેલિયન છે. તેમાં ટુલીપ્સના બીજકોષ(bulbs)ની ગાંઠો, ફૂટતા અંકુર, ઊઘડતી પાંખડીઓ, ખીલતી કળીઓ અને ખૂલતા ફૂલનું પ્રદર્શન છે. ટુલીપ-ફૂલોના ફુવારમાં લયબદ્ધ ક્રમ છે. શરદઋતુના ઉષ્માભર્યા ગરમાવામાં બીજકોષ (bulb) રોપાય છે. શિશિર અને હેમંતની ટાઢમાં વિકાસ મંદ પડી જાય, પણ વસંતની ગરમી લાગવા માંડે ને બીજકોષ બે પાંખડીમાં ઊઘડે, એકાએક ‘બલ્બ’માંથી તેજના કિરણ-લિસોટાની જેમ દાંડી ફુટે, જોતજોતામાં તેના પર કળી બેસે, ને ગ્રીષ્મમાં તો રંગરંગની પ્રફુલ્લ ફૂલ-પ્યાલીઓ લહેરાવા માંડે. એપ્રિલ-મેમાં કૉકેનૉફ-બગીચા ફૂલ બહારમાં; બે મહિનાનો ખેલ, પછી બધું ધબાય નમઃ ફક્ત એપ્રિલ-મેમાં બગીચા ખુલ્લા. એ દરમિયાન બગીચામાં ૬૦ લાખ ટુલીપ્સ હોય. પછી આઠ-દસ મહિના બગીચા બંધ એપ્રિલ-મે દરમ્યાન આખા હોલૅન્ડમાં બધું મળી આઠ અબજ ટુલીપ ફોરે છે. દેશ-વિદેશમાં તેની નિકાસ થાય છે. ‘બસ ભાઈ થાક્યા...! અનેક રંગ છે, વિવિધ આકાર છે. પંદર વિભાગોમાં ફરવાનું આપણું ગજું નથી, લાલ, પીળા, જાંબલી, પ્યાલી આકારના પૂર્ણ ખીલેલાં ટુલીપ્સ આંખ માથા પર સવાર થઈ ગયા છે. ટુલીપ્સ ઉપરાંત કમળ, બેગોનિયા, દલીયા ને એવાં કેટકેટલાંય ફૂલ છે. તેનાં અંગ્રેજી કે ડચ નામ બોલતાં જીભ મરડાઈ જવાનો અને તેનાં લાંબા-લચક અટપટાં વૈજ્ઞાનિક નામો વાંચતાં મોતિયો વહેલો આવવાનો ભય છે... એટલે ભાઈઓ ને બહેનો... મોટું-મોટું જાડું-જાડું... જોઈ લો ને ભાગતાં થાઓ... વરસાદ આવવાની તૈયારી છે... ને અમે નાઠાં.... સાઇકલ; સાઇકલ; બાય, બાય, સિકલ લિઝેમાંના કૉકેનૉફ-ગાર્ડન્સથી આમ્સ્ટર્ડેમ ફક્ત ૪૨ કિલોમીટર દૂર છે. ચાર્લી ને બાબુભાઈના કિચન-કેરેવાનનું લન્ચ આરોગી અમે કોચમાં બેઠાં ને વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ બહુ ડાહ્યો છે; ન પહેલાં, ન પછી, અમે કોચમાં હોઈએ ત્યારે જ પડે છે. ત્રણ વાગ્યે તો અમે આમ્સ્ટર્ડેમમાં હતાં.


[ચલો કોઈ આતે (યુરોપયાત્રા), ૨૦૦૦]