ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કોપિક દૃશ્ય’ - હરીન્દ્ર દવે.

From Ekatra Wiki
Revision as of 00:16, 12 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦. ગતિ, સંબંધ, પ્રેમ : કેલિડોસ્કોપિક દૃશ્ય’ □ હરીન્દ્ર દવે



ફ્લડલાઈટની છોળ ઉડાડી
આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ
લીલાં વૃક્ષો એકમેકને પૂછે છે.
આ બધા આમ આગળપાછળ.
ક્યાં ને કેમ જાય છે ?
આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને ?
વર્ષોથી તાપવાની આદત પડી ગઈ છે.
એટલે શિયાળાની રાતે
યાદ આવે છે સગડી
અને અનુભવાય છે એની ઉષ્મા.
ચાદરને થોડી ખેંચી તંગ કરો,
મફલરને કાન પર સજ્જડ વીંટી દો.
ઠરતા જતા હાથ પર પહેરી લો ગરમ મોજાં..
આદતના જોરે જ
સગડી પાસે બેસી ગયા છીએ
પણ તેના અંગારા પર વળેલી રાખ
હવે ફંફોસતા નહીં.
કદાચ હવે હાથ ન પણ દાઝે.
હોલવાયેલા દીવાને ફૂંક મારી રહેલા સ્વજન !
હવે એ દઝાડી શકે એમ નથી,
ઉજાળી શકે એમ નથી.
એ તો છે બળેલું રૂ.
હથેળીમાં લઈ બારી બહાર હાથ લંબાવી
છેલ્લી ફૂંક મારો :
દીવી ચોખ્ખી થશે
અને બળેલું રૂ પોતાનું ઠેકાણું શોધી લેશે.
મને તો યાદ છે
તમે સૌએ મારા મૂળમાં કરેલ જળસિંચન,
મને કદી ફૂલ આવ્યાં હતાં ?
ક્યારેય કદી આવ્યાં હતાં ફળ ?
વસંત આવી હતી ખરી ?
કોઈ સાંભરણ નથી.
નથી આ પાનખરની હવા
કે નથી સુકાયું તમારી ઝારીમાંનું જળ
પણ શાખાઓમાંથી ઝરી ગયેલાં
પાંદડાંઓએ જ તમારા રસ્તે
રચ્યો છે અંતરાય :
ફૂલ થઈ ડાળી પર ન રહી શક્યા,
તો હવે વજનવિહોણા થઈ
હવાના હાથમાં સુરભિ બની રહેવા
યત્ન કરી જોઈએ.
પાનખરમાં ખાખરાના વૃક્ષ પર
મૂકેલો
કાચા સૂતરનો ધાગો
મને
આ નવી વસંતના
આગમન સાથે જ મળી આવ્યો :
હવે કેમે કર્યું
વસંતે વૃક્ષે વૃક્ષે ઓઢાડેલા
ચીરના વૈભવમાં
મારું મન ઠરતું જ નથી !
મૂળમાં સિંચાયેલા જળને
ડાળી સુધી પહોંચાડી શકું એમ નથી.
ત્યારે કોણ કરે છે જળસિંચન ?
સૂર્યના તાપમાં
પાંદડાં પીળાં બની ખરી જાય
એ પહેલાં
કોણ એને ચૂંટી રહ્યું છે ક્ષણે ક્ષણે ?
મને જિવાડવાના પ્રયત્નોના ભરમ વચ્ચે
આ મૃત્યુ અસહ્ય છે.
રાનમાં સુકાતા વૃક્ષની માફક
મને કેમ કોઈ મરવા દેતું નથી ?
ભૂલી જાઓ
કે આ વૃક્ષો પાણીમાં ઊગ્યાં છે;
ભૂલી જાઓ
કે શેવાળની આ ગાઢી જાજમ
નીચે પાણી છે;
પગથિયાં પરથી જાજમ પર પગ મુકો
અને તમે પાણીમાં ગરક થઈ જાઓ
ત્યારે યાદ કરજો
કે તમે પ્રેમ કર્યો હતો.
જે પોતાને પ્રેમ નથી કરતો
એને કોઈ જ પ્રેમ કરતું નથી.
કારણ કે એને ધિક્કારવાનું શક્ય નથી !
સંબંધ રાનના છોડ જેવો છે.
એક ફૂટે છે, પછી બીજો, પછી ત્રીજો.
દરેક તમારી ઘરતીમાંથી મ્હોરે છે.
તમારા રક્તથી પોષાય છે
છતાં જુદો છે.
જે હવાને સેતુ માને
એ કદાચ આ સૌને એક કરી શકે,
પણ તેઓ હવાને જ જુએ
અને છોડને મૂળમાંથી ઉખેડી નાખે
ત્યારે શું થાય ?
સંબંધ તો રાનના છોડ જેવા છે,
એક વાર મૂળમાંથી ઉખેડો તો
ફરી વાર ફૂટી નીકળતાં વાર ન પણ લાગે.
પંખી માળો બાંધે છે-
માણસ ઘર.
પ્રાણીઓ નહોરથી વેર લે છે-
માણસ રચે છે કારાગાર.
પશુપંખીને ઘાસ, પર્ણો અને લોહી ગમે છે,
માણસને ગમે છે લોહી ને પથ્થર.
પથ્થરના ઘરમાં રહીને
એ પ્રેમ પણ કરે છે :
પ્રેમ એટલે શરીર,
પ્રેમ એટલે સ્વપ્ન.
પ્રેમ એટલે ઘુમાડો,
પ્રેમ એટલે આગ...
કોણ કેટલી આગ લગાડી શકે છે એની
સ્પર્ધા ચાલે છે.
કોની મુઠ્ઠીમાં વધારે ધુમાડો આવ્યો
એની ચર્ચા શમતી નથી.
કોની નીંદરમાં વધુ સ્વપ્નો ઝબક્યાં
એ સૌ ઊલટથી કહ્યા કરે છે.
સૌ ચૂપ રહે છે
માત્ર શરીરની વાત આગળ,
શરીર એ ઘર છે એટલે,
શરીર એ પથ્થર છે એટલે.

('હયાતી')