ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/‘ગુરુશિષ્ય-સંવાદ’


‘ગુરુશિષ્ય-સંવાદ’ [ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર] : અખાની આ કૃતિ (મુ.) દોહરા-ચોપાઈની અનુક્રમે ૪૯, ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ તથા પંચભૂતભેદ, જ્ઞાનનિવદયોગ, મુમુક્ષુમહામુક્તલક્ષણ અને તત્ત્વજ્ઞાનનિરૂપણ એવાં નામાભિધાન ધરાવતા ૪ ખંડોમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૫ મહાભૂતોનાં લક્ષણો સદૃષ્ટાંત સમજાવ્યાં છે, બીજા ખંડમાં માયાએ ઊભા કરેલા ભેદો દર્શાવી મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે અને જ્ઞાનપૂર્વકના નિર્વેદ એટલે કે વૈરાગ્યનો બોધ કર્યો છે. ત્રીજા ખંડમાં અણલિંગી અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ૩૦ ગુણલક્ષણો વર્ણવ્યાં છે અને સદેહી ને વિદેહી, જોગી, ભોગી ને કર્મઠ વગેરે તત્ત્વદર્શી હોઈ શકે છે એ સમજાવ્યું છે; ચોથા ખંડમાં દ્રવ્યાદ્વૈત, ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને એ સૌની ઉપર રહેલી કેવલાદ્વૈત ભૂમિકાને સ્ફુટ કરી છે. કૃતિના અંતમાં “હું હુંને પ્રણમી કહું” એ શિષ્યની ઉક્તિમાંથી સૂચવાતો ગુરુશિષ્યની એકતાનો વિચાર અખાની કેવલાદ્વૈતની ભૂમિકાને અનુરૂપ છે. સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓથી કૃતિ રસાવહ બની છે. મુમુક્ષુનું અને બ્રહ્માનુભવના સમુલ્લાસનું વર્ણન જેવાં કેટલાંક વર્ણનો એની મનોરમતાથી ધ્યાન ખેંચે છે. કૃતિ ૨૪૦ ચોપાઈ અને સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે એવો ઉલ્લેખ ૧ પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત વાચનામાં સંમતિના શ્લોકો નથી. [જ.કો.]