ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર-ચાલીસી


ચતુર-ચાલીસી : ૪ કડીથી માંડીને ૨૧ કડી જેટલો વિસ્તાર દર્શાવતાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીઓના આ કાવ્ય(મુ.)માં વિશ્વનાથ જાનીએ જયદેવના ‘ગીતગોવિન્દ’નો કાવ્યવિષય સ્વીકાર્યો છે. કૃષ્ણ-ગોપીનો શૃંગાર, ગોપીના ચિત્તમાં જન્મતી અસૂયા અને કૃષ્ણના પ્રણયચાતુર્યથી ગોપીનું રીઝવું - આ પ્રસંગો પ્રયોજીને રચાયેલી નરસિંહની ‘ચાતુરીઓ’  નામક પદમાળા પણ મળે છે, પરંતુ નરસિંહના આ પદોમાં વિશૃંખલતા ને ભાવનિરૂપણની એકવિધતા છે, ત્યારે વિશ્વનાથ જાની વિષયને સુશ્લિષ્ટતાથી ને સુરેખ ક્રમિતાથી ભાવવૈવિધ્યપૂર્વક આલેખે છે. ઉપરાંત, નરસિંહમાં સ્થૂળ ભોગચિત્રોની જે પ્રચુરતા છે તે ‘ચતુર-ચાલીસી’માં નથી. એનો શૃંગાર સંયત, સુરુચિપૂર્ણ અને સંસ્કારી છે. નરસિંહનાં પદોમાં મુખબંધ, ઢાળ અને વલણ ધરાવતો પદ્યબંધ જોવા મળે છે, ત્યારે અહીં મુખબંધ પણ માત્ર ૧ જ પદમાં છે એ નોંધપાત્ર છે. ‘ચતુર-ચાલીસી’નો પ્રારંભ કૃષ્ણવિરહમાં ઝૂરતી ગોપીના નાટ્યાત્મક ચિત્રથી થાય છે. સાથેસાથે ગોપીવિરહથી દુ:ખી થતા કૃષ્ણનું વર્ણન પણ એમાં થાય છે. દૂતીની સહાયથી બંને મળે છે, એ પછી કવિ કૃષ્ણે કરેલા ગોપીના પ્રેમભર્યા અનુનયનાં સુંદર ચિત્રો ઊપસાવે છે. રતિક્રીડા દરમ્યાન કૃષ્ણ ભૂલથી રાધાનો નામોચ્ચાર કરી દે છે અને ગોપી રિસાઈને કૃષ્ણથી વિમુખ બનીને ચાલી જાય છે. પુન: દૂતીની મદદથી બંને મળે છે ને કૃષ્ણના પ્રણયચાતુર્યથી પ્રસન્ન થયેલી ગોપી સવાર પડતાં સ્વગૃહે જવા વિદાય લે છે. કવિએ ગોપી અને કૃષ્ણની લાગણીઓની કાળજીભરી સંભાળ લેતી ને બંનેને ડહાપણભરી શિખામણ આપી એમને પરસ્પર ગાઢ અનુરાગભર્યા મિલન તરફ દોરી જતી દૂતીની વિદગ્ધતાની પણ રસપ્રદ રેખાઓ આંકી છે. ગોપીનો કૃષ્ણ માટેનો ઉત્કટ અનુરાગ સામાન્ય સંસારી અનુરાગ નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ છે, એનાં સૂચનો પણ કવિના કાવ્યમાંથી મળ્યાં કરે છે. આ કવિની અન્ય કૃતિ ‘પ્રેમ-પચીસી’ની જેમ આ કૃતિના પ્રારંભમાં પણ ઇષ્ટદેવની સ્તુતિ નથી અને અંતે ફલશ્રુતિ છે. કાવ્યમાં પુષ્ટિમાર્ગનો પટ સ્પષ્ટ હોવા છતાં કાવ્ય સાદ્યંત રસાત્મક રહ્યું છે. કવિની નજર પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ છે અને તેથી અલ્પ કથાતત્ત્વવાળી આ કૃતિનાં ચાલીસે પદો નાટ્યાત્મક ઊર્મિકાવ્ય સમો રસાસ્વાદ કરાવે છે. ગોપીકૃષ્ણના મિલનની ધન્ય ક્ષણોના વર્ણનમાં “આપ ટલી હરિ થઈ ગોપી” કે “નિશા વિષે પ્રગટ થયું વહાણું” જેવી અભિવ્યક્તિ જાનીના કવિત્વનો હૃદ્ય પરિચય કરાવે છે. [મ.દ.]