ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/‘જ્ઞાનીનાં લક્ષણ’


‘જ્ઞાનીનાં લક્ષણ’  : બાપુસાહેબ ગાયકવાડકૃત કાફી-પ્રકારનાં ૨૪ પદોની આ કૃતિ (મુ.)જ્ઞાની સંતનાં લક્ષણો વર્ણવે છે એમાં સંતની સરલતા, સહજતા, સાર્વજનિકતા ને ઉદારતા પર મુકાયેલો ભાર ધ્યાન ખેંચે છે. અંતે પોતાની વાત વણિક કાંટે તોળીને જોઈ જુએ, બ્રાહ્મણશાસ્ત્રમાં શોધી જુએ, પણ શૂદ્રને તો એ વાતો સીધી લાગશે (અને ક્ષત્રિય પોતે જ છે) એમ એ કહે છે તે આ સંદર્ભમાં તેમ જ દૃષ્ટાંતમૂલક લોકભોગ્ય અભિવ્યક્તિના સંદર્ભમાં પણ સૂચક છે. દબાવીએ ત્યારે બેસી જાય ને ફુલાવીએ ત્યારે ફૂલે એ ફૂલકાના દૃષ્ટાંતથી બાપુસાહેબ સમજાવે છે કે સંત કદી રિસાતા કે દુભાતા નથી. એમની ટેક વાયરાના જેવી હોય છે જે ફૂલ કે નરકના ભેદ વિના સર્વત્ર વાય છે. સંત પરાધીન નથી છતાં, બાપુસાહેબ કહે છે, એમનામાં પરાધીનતા હોય છે એટલે કે ‘ગાડીમાં બેસો’ કહો તો ગાડીમાં બેસે, ‘પગે ચાલો’ કહો તો પગે ચાલે એવી સરલતા હોય છે. પણ ‘પંથ ચલાવે ને પરોણો બને’ એ જોગી નથી તેમ જોગીરાજ એકલવિહારી હોય છે - વાંસ ભેગા થાય તો સળગી ઊઠે ને ઘૂઘરા ભેગા થાય તો ઘોંઘાટ થાય. આ ઉપરાંત અનાસક્તિ, વૈરાગ્યભાવ, આત્મધ્યાન આદિ સંતનાં લક્ષણો પણ અહીં વર્ણવાયાં છે.[દે.દ.]