ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત સૂરિ-૨-ગુણસૌભાગ્ય


જયવંત(સૂરિ)-૨/ગુણસૌભાગ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છની રત્નાકરશાખાના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં ઉપાધ્યાય વિનયમંડનના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૫૮થી ઈ.૧૫૮૭. કવિ પોતાનો નિર્દેશ ‘જયવંત’ એ નામની સાથેસાથે ‘ગુણસૌભાગ્ય’ એ નામથી પણ કરે છે. કાવ્યશાસ્ત્રના અભ્યાસી જણાતા આ કવિની પ્રૌઢ રસજ્ઞતા એમની સર્વ ગુજરાતી કૃતિઓમાં પ્રતીત થાય છે. આ સાધુકવિના કાવ્યસર્જનની ભૂમિકા ધર્મની હોવા છતાં એમાં સીધા ધર્મબોધનું વળગણ ઓછામાં ઓછું છે ને કાવ્યો મુખ્યતયા રસલક્ષી દૃષ્ટિએ ચાલે છે. વૈરાગ્યપ્રધાન જૈન ધર્મના સાધુ છતાં તેમનાં કાવ્યોમાં સ્નેહરસનું પ્રચુરતા અને તીવ્રતાથી આલેખન થયેલું છે. ઘણાં કાવ્યોમાં આરંભે કોઈ જૈન તીર્થંકરના નિર્દેશ વિના કેવળ સરસ્વતીને વંદના થયેલી છે એ પણ એમની સાંપ્રદાયિકતાને અતિક્રમી જતી શુદ્ધ કાવ્યદૃષ્ટિનો સંકેત કરે છે. કવિની કૃતિઓમાં પ્રસંગોપાત્ત હિંદી ઉપરાંત અન્ય ભાષાઓનો પણ વિનિયોગ થયો છે તે નોંધપાત્ર છે. કવિની ૨ રાસકૃતિઓ મળે છે. એ બંને નાયિકાપ્રધાન રચનાઓ છે. તેમાંથી મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની ‘શૃંગારમંજરી /શીલવતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮/સં. ૧૬૧૪, આસો સુદ ૨, ગુરુવાર; મુ.) શીલમાહાત્મ્યની કથાને વિષય કરીને ચાલે છે પરંતુ સંયોગ તેમ જ વિયોગશૃંગારના સવિસ્તર ને હૃદયંગમ નિરૂપણો તથા સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતાથી પોતાનું ‘શૃંગારમંજરી’ એ નામ સાર્થક કરે છે. ભાવચિત્રણ માટે વિવિધ પ્રયુક્તિઓના આશ્રય, સુભાષિતોમાં કહેવતો-દૃષ્ટાંતોનો અસરકારક વિનિયોગ તથા સમગ્ર કાવ્યમાં પ્રતીત થતી અલંકાર-પ્રૌઢિ આ કૃતિના ધ્યાન ખેંચે એવા કાવ્યગુણો છે. દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીનો ‘ઋષિદત્તા-રાસ’  (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ૧૪, રવિવાર; મુ.) કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલી મનોરમ પ્રણયકથાનું આલેખન કરે છે. કરુણરસપ્રધાન આ કૃતિનાં વર્ણનો, અલંકારરચનાઓ અને ભાષાભિવ્યક્તિમાં પણ કર્તાનું વિદગ્ધ કવિત્વ પ્રગટ થાય છે. વિરહિણી કોશાના વિવિધ મનોભાવોનું કલ્પનાશીલતાથી મનોરમ ચિત્રણ કરતી, ‘કાવ્ય’ અને ‘ચાલ’ના છંદોબંધની ૪૧ કડીની ‘સ્થૂલિભદ્રકોશા-પ્રેમવિલાસ-ફાગ’ (મુ.), ૩ ઋતુ અને ૧૨ માસના પ્રાકૃતિક પરિવેશમાં રાજિમતીના વિરહભાવના આલેખન ઉપરાંત નેમિનાથ પ્રત્યેની એની મર્મોક્તિઓને પણ સમાવતી, તોટક-દુહાદેશીની ૧૨૯ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસ-વેલપ્રબંધ’ (મુ.), ભક્તહૃદયની આરતપૂર્ણ વાણીમાં સીમંધરસ્વામીનાં ગુણસ્મરણ તથા સ્તુતિ કરતી ૨૭ કડીની ‘સીમંધરજિન-ચંદ્રાવળા’ (મુ.), વિરહભક્તિના ભાવથી સભર પત્ર રૂપે રચાયેલ ૨ ઢાળ અને ૩૯ કડીની ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-લેખ’, પહેલા ખંડમાં સંયોગશૃંગારનું વર્ણનાત્મક આલેખન અને બીજા ખંડમાં વિરહશૃંગારનું નિરૂપણ ધરાવતી ૧૪૭ કડીની ‘સ્થૂલિભદ્ર-ચંદ્રાયણી’, પ્રકૃતિ તથા સૌન્દર્યના વર્ણનનો આશ્રય લઈ સંક્ષેપમાં નેમિનાથનું ચરિત્રનિરૂપણ કરતી ૪૦ કડીની ‘નેમિજિન-સ્તવન/ફાગ’ (મુ.), ૩૨૫ ગ્રંથાગ્રની ‘સ્થૂલિભદ્રમોહનવેલિ’ (ર.ઈ.૧૫૮૭), ૧૮ કડીની ‘લોચનકાજલ-સંવાદ’, ૩૯ કડીની ‘બારભાવના-સઝાય’ તથા ‘કર્ણેન્દ્રિય પરવશેહરિણ-ગીત’ વગેરે કેટલીક ગીતરચનાઓ આ કવિની અન્ય કૃતિઓ છે. આ કૃતિઓ કાવ્યબંધ અને અભિવ્યક્તિરીતિનું વૈવિધ્ય દર્શાવે છે તેમ કવિની અલંકાર તથા બાનીની કુશળતાનો પણ પરિચય કરાવે છે. કૃતિ : ૧. ઋષિદત્તા રાસ, સં.નિપુણા દલાલ, ઈ.૧૯૭૫ (+સં.); ૨. શૃંગારમંજરી, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૭૮ (+સં.);  ૩. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૪. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૫. પ્રામબાસંગ્રહ (+સં.), ૬. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજય, સં. ૧૯૭૯(+સં.). સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]