ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદરાશ્રમ


દામોદરાશ્રમ [          ] : જ્ઞાનમાર્ગી કવિ. એક મતે ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા સંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી/કરનાળીના, ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે. ઓમકારથી આરંભાતો તથા અદ્વૈત અને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતો જ્ઞાનકક્કો ‘અક્ષર-અનુભવ પ્રદીપિકા’, ચૈત્રથી આરંભાતા અધ્યાત્મના દ્વાદશ મહિના, જ્ઞાનલબ્ધિના વાર, બ્રહ્મવિદ્ થવા માટેની સાત ભૂમિકાઓ વર્ણવતું ૧૪ કડીનું પદ ‘સપ્તભૂમિકા’ તેમ જ આત્મા અને જ્ઞાનનું સ્વરૂપ સમજાવતું તથા ભક્તિબોધને નિરૂપતું ૬૧ કડીનું ‘અનુભવચિંતામણિ’ - એ બધી (મુ.) આ કવિની કેવલાદ્વૈતવાદી કૃતિઓ છે. શિવસ્વરૂપનું વર્ણન કરતું ૧૮ કડીઓનું દીર્ઘ પદ ‘શિવ અનુભવપ્રદીપિકા’ (મુ.) તથા જ્ઞાનવૈરાગ્ય અને શિવસ્મરણનાં, દેશી, પ્રભાતી, કાફી, રામગ્રી, કાલેરો વગેરે વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં પદો (૨૫ મુ.)એમની શિવવિષયક કવિતા છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [ર.સો.]