ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર-૩


દામોદર-૩ [          ] : સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ના ‘ભાષ્ય’ તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે.ઈ.૧૫મી સદી અંતભાગ/ઈ.૧૬મી સદી પ્રારંભ અનુ.; મુ.) મળે છે તેમાં ‘બિલ્હણ-પંચાશિકા’ ઉપરાંત બિલ્હણ કથાને લગતા કેટલાક સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકોમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુક્ત બિલ્હણકવિને પ્રિયા સાથે યોગ કરાવનાર હરિભક્ત દ્વિજવર દામોદરનો ઉલ્લેખ છે તે અને અંતે ‘ભાષ્ય’ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા નડિયાદવાસી નાગર બ્રાહ્મણ દામોદર ઠરે. ‘બિલ્હણ-પંચાશિકા’નો ભાષ્યશૈલીએ ચાલતો આ ગદ્યાનુવાદ ટૂંકાં વાક્યોને કારણે પ્રાસાદિક ને પ્રવાહી બન્યો છે તે ઉપરાંત એમાં ભાષાની પ્રૌઢિ પણ છે. બિલ્હણ કથાના અને અન્ય સુભાષિત રૂપ સંસ્કૃત તેમ જ ગુજરાતી પદ્યોને ગૂંથી લેતા આ અનુવાદમાં આરંભે અને અંતે પૂર્તિ કરીને સમગ્ર બિલ્હણકથા આપવામાં આવી છે. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘બિલ્હણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુજરાતી ગદ્યાનુવાદ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). [ભો.સાં.]