ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગાદાસ-૨


દુર્ગાદાસ-૨ [ઈ.૧૭૯૦ સુધીમાં] : એમની ૪૫ કડીની ‘ચંદ્રાવલીનો ગરબો’ (મુ.) એ કૃતિમાં કૃષ્ણનું રસિકચાતુર્ય વર્ણવાયું છે. ચંદ્રાવલીને રસ્તે મળતાં એને રોકવામાં અને પોતાને ઘેર બોલાવવામાં નિષ્ફળ ગયેલા કૃષ્ણ એકાદશીના જાગરણને બહાને ચંદ્રાવલીની સખી રાઈને વેશે એને ત્યાં જાય છે અને રાત ગાળે છે. કૃતિમાં કૃષ્ણને મુખે થયેલું ચંદ્રાવલીનું વિસ્તૃત આલંકારિક સૌંદર્યવર્ણન તથા કૃષ્ણ ચંદ્રાવલીનો શૃંગારવિહાર ધ્યાન ખેંચે છે. દુર્ગાદાસને નામે ૫ પદની ‘લંપટ હરિયો’ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિ નોંધાયેલી મળે છે તે ‘ચંદ્રાવલીનો ગરબો’ જ હોવાનું કહેવાયેલું છે પરંતુ બંને કૃતિનાં બંધારણ જુદાં હોઈ એ શક્ય લાગતું નથી. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]