ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ-૧


દુર્લભ-૧ [અવ. ઈ.૧૭૩૭] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંતકવિ. વાંસવાડા (રાજસ્થાન)માં સ્થાયી થયેલા આ કવિ પોતાને નગર તરીકે ઓળખાવે છે એ ઈ.૧૬૯૭ (સં. ૧૭૫૩, કારતક વદ ૩, રવિવાર/સોમવાર)માં જૂનાગઢમાં વડનગરા નાગર બ્રહ્મણ કુટુંબમાં જન્મ્યા હોવાનું, હરિનંદ પંડ્યા તથા હીરા એમનાં પિતા-માતા હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઈ.૧૭૨૧માં રચેલાં ‘ભીલુડાનાં પદ’ એ પૂર્વે એ વાગડ પ્રદેશના એ ગામમાં આવ્યા હોવાનું બતાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો. દુર્લભની ઘણીખરી કૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી ‘ભીલુડાનાં પદ’ને નામે ઓળખાતો ૧૨ પદોનો ગુચ્છ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર) એમાં વર્ણવાયેલા એમના જીવન પ્રસંગને કારણે ધ્યાન ખેંચે છે. ભીલુડાના રામજીમંદિરે દર્શન કરવા ગયેલા દુર્લભની પરીક્ષા કરવા નાગરોએ મંદિરને તાળું મારી દીધું ને દુર્લભે એ તાળું ખોલવા ભગવાનને પ્રાર્થના રૂપે આ ૧૨ પદો ગાયાં, નરસિંહના હારપ્રસંગનાં પદોની યાદ આપતાં આ પદોમાં કવિ નરસિંહની જેમ ભગવાન પ્રત્યે મર્મવચનો કહી આત્મીયતાનો સંબંધ પ્રગટ કરે છે. આશરે ૨૭૦ કડીની ‘અનુભવ-ગીતા’માં એમણે ભાગવતનો ઉદ્ધવ-સંદેશનો પ્રસંગ આલેખ્યો છે ને એમાં ગોપીઓના મનોભાવો-દૈન્ય, અસહાયતા, રીસ, રોષ, વિહ્વળતા આદિ વિસ્તારથી વર્ણવ્યા છે. કડવા-પ્રકારનાં ૩૭ પદોમાં રચાયેલ ‘સુદામા-ચરિત્ર’ આ પ્રસંગનિમિત્તે જ્ઞાનવિચાર અને ભક્તિવિચારને વિશેષ ઉઠાવ આપતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. ‘વેણુ-ગીત’, ‘જુગલ-ગીત’, ‘વ્રેહ-ગીત’, ‘બાલ-ગીત’, ‘રાસનો છંદ’ અને ‘રાસ’ એવા વિભાગોમાં વહેંચાયેલો ‘મોટો રાસ’ દુર્લભની લાક્ષણિક કૃતિ છે. દરેક પ્રસંગ એમાં વિસ્તારથી નિરૂપાયો છે તે ઉપરાંત ‘બાલ-ગીત’માં ગોપીઓ પોતાને કૃષ્ણ રૂપે કલ્પી એની વિવિધ લીલાઓ જાણે પોતે કરતી હોય એવું વર્ણવે છે. આ પૂર્વે ઉલ્લેખાયેલાં કાવ્યોમાં એકંદરે સીધી સાદી ભાષાનો વિનિયોગ કરનાર કવિ અહીં સંસ્કૃત પદાવલિની સહાયથી અભિવ્યક્તિનાં લાલિત્ય, પ્રૌઢિ અને શિષ્ટતા સિદ્ધ કરે છે. કાવ્યમાં વર્ણનાત્મક અંશ મોટો છે ને એના શૃંગારમાં એક પ્રકારની મર્યાદાશીલતા વરતાય છે. આ પ્રકારની બીજા લાંબી કૃતિ ‘રાસ-પંચાધ્યાયી’માં ભાગવતના શ્લોકો ઉદ્ધૃત કરતા જઈ જાણે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાસનું વર્ણન કરતી ૨ ગરબીઓ અને ‘રાસનો સમો’ નામનું ૧ પદ પણ આ કવિનાં મળે છે. દુર્લભે ૨ મહિના રચ્યા છે - એક ફાગણથી શરૂ થતા અને બીજા અસાડથી શરૂ થતા. બંનેમાં કૃષ્ણના દર્શન-મિલનનો ગોપીનો આનંદાનુભવ વર્ણવાયો છે. ફાગણના મહિના વિશેષે વર્ણનાત્મક ને તેથી વિસ્તૃત છે, ત્યારે અસાડના મહિના વિશેષ ભાવાત્મક છે. અન્ય દીર્ઘ કૃતિઓમાં ૭૪ કડીનું ‘મોટું કીર્તન ધામનું’ પુષ્ટિ માર્ગસંમત શુદ્ધાદ્વૈત વેદાંતના મુક્તિવિચારને આલેખે છે ને પારિભાષિક અભિવ્યક્તિને કારણે થોડું કૂટ પણ બન્યું છે. ૪૮ કડીનું ‘સદ્ગુરુનું કીર્તન’ ઉપદેશાત્મક છે તો ૮૦ લકડીનું ‘આરોગણાનું કીર્તન’ થાળ-પ્રકારની રચના છે. ૩૪ કડીની ‘દુર્લભની વિનંતી’ દુર્લભે ‘વિલાસી’ (કૃષ્ણ)ને પોતાને આદ્ય ભુવનમાં લેવા માટે દાસીભાવે કરેલી વિનંતિ આલેખે છે, પરંતુ આ વિનંતિ વિશાખા વગેરે વનિતાઓ મારફત થઈ હોવાથી એ વનિતાઓને વિલાસીના સંવાદ રૂપે બહુધા ચાલે છે. દુર્લભનાં મુદ્રિત પદોનો સંચય ૩૨૯ જેટલી સંખ્યા બતાવે છે, જેમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. એમાં શૃંગારનાં, દાણનાં, ફાગનાં, વાત્સલ્યનાં પદો મોટી સંખ્યામાં છે, જે કૃષ્ણવિષયક પદકવિતાનું અનુસંધાન પ્રગટ કરે છે. આ અને અન્ય પદોમાં નરસિંહનો પ્રભાવ પણ વરતાય છે. એમાં સંયોગશૃંગારનું આલેખન અવશ્ય આવે છે તેમ છતાં એનું ઘેરું ચિત્રણ કવિએ કર્યું નથી ને શૃંગાર‘ભક્તિ’ના તત્ત્વને એમણે સતત નિરૂપિત કર્યું છે. એમના શૃંગારાલેખનને જ્ઞાનદૃષ્ટિનો પાસ પણ લાગ્યો છે. કવિનાં અન્ય પદોમાં નામમહિમાનાં, ગુરુમહિમાનાં, વિનયનાં, જ્ઞાનનાં વગેરે પદોનો સમાવેશ થાય છે. હિંદીમાં રચેલાં કવિનાં થોડાં કવિત પણ મળે છે. આ મુદ્રિત કૃતિઓ ઉપરાંત દુર્લભનાં, સૃષ્ટિઉત્પત્તિના શુદ્ધાદ્વૈતવિચારને આલેખતું ‘આપવિલાસની વિધિ’, ‘કૃષ્ણપ્રિયાને પ્રાર્થના’ તથા ભટકતા ચિત્તને શિખામણ આપતું લાંબું પદ - એ કાવ્યો નોંધાયેલાં છે. એમણે સંસ્કૃતમાં સ્તોત્ર રચ્યાંની માહિતી પણ મળે છે. દુર્લભની જ્ઞાનયુક્ત ભક્તિની કવિતામાં પ્રસંગે ઉપમાદિ અલંકારો ને સાંકળીબંધ જેવા રચનાચાતુર્ય જોવા મળે છે. એમની ભાષામાં બધે સઘનતા કે સફાઈ નથી પણ કેટલીક વિલક્ષણ અભિવ્યક્તિ તરાહો છે. એમની કૃતિઓ રાગના નિર્દેશ સાથે મળે છે એ એમની સંગીતની જાણકારી બતાવે છે. કૃતિ : દુર્લભ-જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી, -. (+સં.) [શ્ર.ત્રિ.]