ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાલ્હણ-પાલ્હણપુત-પાલ્હણુ'


પાલ્હણ/પાલ્હણપુત/પાલ્હણુ' [ઈ.૧૨૩૩માં હયાત] : જૈન. ભાસા અને ઠવણિમાં વહેંચાયેલી, ચરણાકુલ-ચોપાઈ તથા દોહરાબંધની ૫૫ કડીમાં રચાયેલી, આબૂતીર્થની તથા તેના પર વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા નેમિભુવનની કથા આપતી ઐતિહાસિક હકીકતોની દૃષ્ટિએ નોંધપાત્ર ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ (ર.ઈ.૧૨૩૩; મુ.) અને ૧૫ કડીની ‘નેમિ-બારહમાસા’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘નેમિ-બારહમાસા’ ગુજરાતીમાં ઉપલબ્ધ બારમાસી કાવ્યોમાં સૌથી પ્રાચીન છે, જેમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજિમતીની વિરહવેદનાનું શ્રાવણથી અસાડ સુધીના સમયના સંદર્ભમાં જે તે માસનું તેના વસ્ત્રાભૂષણ, પ્રાકૃતિક વિલક્ષણતાઓ વગેરે સાથેનું નિરૂપણ છે. બંને કૃતિઓમાં અપભ્રંશને મળતી છતાં ૧૩મી સદીની ગુજરાતીની લાક્ષણિકતાઓ જોવા મળે છે. કેટલાક સંદર્ભમાં ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ ‘રામ’ને નામે નોંધાયેલ છે પરંતુ વસ્તુત: તે કૃતિ પાલ્હણની જ છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. પ્રામબાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧ [ચ.શે.]