ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પદ્મિનીચરિત્ર-ચોપાઈ’


‘પદ્મિનીચરિત્ર-ચોપાઈ’ [ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર] : ખરતરગચ્છીય જૈન સાધુ લબ્ધોદયગણિકૃત ૩ ખંડમાં વિભાજિત ને દુહા, સોરઠા, ચોપાઈ અને વિવિધ દેશીઓના ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, કવિએ શીર્ષકને સાર્થક ઠરવે એ રીતે કથનિરૂપણ કર્યું છે. એટલે પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રભાવતીના ગર્વનું ખંડન કરવા સિંહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપામાનિત થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકો-ભત્રીજો કેવી યુક્તિપૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગનું રોમાંચક આલેખન છે. સુલતાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે. રાજસ્થાની અને હિન્દીનું પ્રાચુર્ય; વીર અને શૃંગારનું આકર્ષક નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં વર્ણન; ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા; કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી ઉપદેશાત્મકતાનો અભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ [ર.ર.દ.]