ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બરાસ-કસ્તૂરી’


‘બરાસ-કસ્તૂરી’ : કેટલીક હસ્તપ્રતોમાં મળતી પણ ઈ.સ. ૧૮૭૪માં એક જ વાર શિલાછાપમાં છપાયેલી દુહા, ચોપાઈ ને છપ્પાના બંધમાં રચાયેલી ૨૭૪૨ કડીની શામળની આ વાર્તા(મુ.) પૂર્વદેશની કોશંબા નગરીના રાજકુંવર બરાસનાં દરિયાપારની એક નગરીના કપૂરસેન રાજાની રૂપવતી કુંવરી કસ્તૂરાવતી સાથે સાહસિક પ્રવાસ અને સુથાર દેવધરના વિમાન તથા માલણની મદદથી થતાં મિલન અને લગ્નની તથા ત્યારબાદ તેમને નડતાં સંકટ અને નર-નારીમાં કોણ ચઢિયતું એ વાદને પરિણામે બેવાર થતા તેમના વિજોગ અને રખડપટ્ટીને અંતે થતા સુખદ સંયોગની વધુ પડતી લંબાવાઈ ગયેલી કથા કહે છે. ‘સૂડા બહોતેરી’ના પ્રકારની કનિષ્ઠ કામકથાવાળી સ્ત્રીચરિત્રની આડકથા પણ અંદર આવે છે તે અને અહલ્યા, મંદોદરી, કુન્તી આદિ પુરાણખ્યાત સ્ત્રી વિશેના વાર્તાત્મક ઉલ્લેખો વાર્તાને ઔચિત્ય અને પ્રમાણના ભોગે લંબાવી નાખે છે. વાર્તામાં અપ્સરાનો શાપ, પૂર્વજન્મસ્મરણ, નાગે આપેલા મંત્રેલા દોરાથી પુરુષનું પોપટ બની જવું, સેંકડો યોજનો ઊડતાં કાષ્ટવિમાનો વગેરે જેવી યુક્તિઓનો આશ્રય લેવાયો છે. નાયિકાના પતિની શોધમાં પુરુષવેશે થતાં અટન અને આખરે તો પતિને જ ધરવાની થતી અન્ય યુવતીની પ્રાપ્તિના કથાઘટકોનો પણ ઉપયોગ વાર્તામાં થયો છે. બરાસકુમારના જન્મ પહેલાં તેની માતાના લોહી ભરેલી વાવમાં નગ્ન બની સ્નાન કરવાના દોહદ અને ગરુડે તેને ઉપાડી જવાનું વૃત્તાંત, નાયકનાયિકના લગ્નની વાત, નાયિકાનું તેને ગળી જતા મચ્છના પેટમાંથી જીવતાં નીકળવું વગેરે બાબતો ‘કથાસરિતસાગર’ની કેટલીક વાર્તાઓ શામળ સુધી પહોંચી હોવાનું અને તેણે તેનો પોતાની વાર્તા બનાવવામાં સૂઝતો ઉપયોગ કરી લીધાનું બતાવે છે. વાર્તામાં નાયકને ૨ સ્ત્રીઓ મળે છે, તો કસ્તૂરાવતીની પ્રાપ્તિ માટેના સાહસ-પ્રવાસમાં તેના સાથીદાર અને મિત્ર વજીરપુત્રને પણ ૧ સ્ત્રી પત્ની તરીકે સંપડાવાઈ છે.[અ.રા.]

બલદાસ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના કવિ. ગુંસાઇજીના સેવક. તેમણે પદ્યમાં ૩૭૨ કડીની ‘બ્રહ્મશિખરની વાર્તા’ અને ‘વનજાત્રા’ એ કૃતિઓ રચી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમતિ શ્રી મોહનભાઈ’-;  ૪. ફૉહનાામાવલિ. [કી.જો.]