ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મહિના’


‘મહિના’ [ર.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર] : ઉદ્ધવની સાથે કૃષ્ણને સંદેશો મોકલતી રાધાના કૃષ્ણવિરહને અધિકમાસ સહિત કારતકથી આસો માસ સુધીના ૧૩ મહિનામાં આલેખતી દુહા-સાખીમાં નિબદ્ધ ૮૩ કડીની રત્નાની આ કૃતિ(મુ.) મધ્યકાલીન સાહિત્યની મનોરમ બારમાસી છે. દરેક મહિનાની સાથે સંકળાયેલી ઋતુગત વિશિષ્ટતાઓ ને તેનાથી ઉત્કટ બનતી રાધાની વિરહાવસ્થાને કવિએ ખૂબ કોમળ વાણીમાં વાચા આપી છે. “કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય” જેવી પંક્તિની ચિત્રાત્મકતા, “ડશિયો શ્યામ ભુજંગ”માં રહેલો વિરહોત્કટતાદ્યોત શ્લેષ, ફાગણ, વૈશાખ, અસાડ અને ભાદરવો એ મહિનાઓનાં ટૂંકાં પણ મનોહર પ્રકૃતિચિત્રો ને ઘણી કડીઓનું મુક્તકની કોટિએ પહોંચતું સુઘટ્ટ પોત આ રચનાને ગુજરાતી કવિતાની બેત્રણ ઉત્તમ બારમાસીમાં મૂકી આપે છે.[જ.ગા.]