ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપાંદે


રૂપાંદે : આ નામે ૨ ભજનો(મુ.) મળે છે. બંને ભજનોનાં કર્તા એક જ રૂપાંદે છે કે જુદાં તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. રાજસ્થાનીમાં સંત કવયિત્રી તરીકે જાણીતાં રૂપાંદે જોધપુર રાજ્યમાં આવેલા માલાણીના રાજવી મલ્લિનાથ-માલાજીનાં પત્ની હતાં અને સંભવત: કોઈ ધારુ મેઘવાળ અથવા ઉગમશી એમના ગુરુ હતા એમ મનાય છે. એમના જીવન વિશે અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. રાજસ્થાનીમાં એમને નામે ભજનો મળે છે, જે બધાં એક જ રૂપાંદેએ રચ્યાં હોય એવી શક્યતા રાજસ્થાની વિદ્વાનોને ઓછી લાગે છે. ગુજરાતીમાં મળતા ૧ ભજનમાં રાજસ્થાની ભાષાની છાંટ છે અને માલા રાવળ અને રૂપાંદે વચ્ચેના સંવાદ રૂપે વૈરાગ્યબોધ અપાયો છે. બીજા ભજનની અંતિમ પંક્તિમાં “ઉમરસીની ચેલી સતી રૂપાંદે બોલ્યાં રે જી” એવો સંદર્ભ મળે છે, અને ભાષા શુદ્ધ ગુજરાતી છે. કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ચંદર ઊગ્યે ચાલવું!, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૬૪; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૫૮; ૩. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હિરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦ (અં.).[કી.જો.]