ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિંહાસનબત્રીસી’-૨


‘સિંહાસનબત્રીસી’-૨ [ઈ.૧૭૨૧-૧૭૪૫ દરમ્યાન] : શામળ ભટ્ટે પોતાની આ રચના(મુ.)ની ૧૫ વાર્તા ઈ.૧૭૨૧-૨૯નાં વર્ષોમાં અમદાવાદમાં રચી ને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી પૂરી કરી હતી. શામળની આ કૃતિ આ જ વિષયની પુરોગામી જૈન કૃતિઓ કરતાં વધુ વિસ્તૃત અને રસમય બની છે. ‘પંચદંડ’નું વાર્તાપંચક તથા ‘વેતાલ-પચીસી’ની ૨૫ વાર્તાઓ આ કૃતિની અનુક્રમે પાંચમી અને ૩૨ મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ વાર્તાગુચ્છોને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું ‘વિક્રમચરિત્ર’ હોય. પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તાઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોકકથા કરતાં ઠીકઠીક ભિન્નતા દેખાડે છે, જે શામળની સ્વકીય કલ્પનાનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાના આશ્રયદાતા રખીદાસનું ઋણ ફેડવા રચી હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલો રસપ્રદ ઉમેરો છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધો, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી ‘સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ એ કવિની પંક્તિને કૃતિ સાચી ઠેરવે છે. ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરદુ:ખભંજક પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિંહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ પ્રમાણે છે : હરણ, વિપ્ર, કમળ, સિંહલદેશની પદ્મિની, પંચદંડ, અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ધવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ, ભાભારામ, વેતાળ ભાટ, કામધેનુ, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, માધવાનલ-કામકંદલા, લક્ષબુદ્ધિ, શુક્ર-સારિકા, સ્ત્રીચરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતી અને વેતાલપચીસી. આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધ કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરીઓ, બ્રાહ્મણો, ગણિકા, ઘાંચણ આદિ માનવપાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્યગયોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ શામળે પીરસ્યો છે. કેટલાંક સ્ત્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે.અ.રા.