ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થવિલંબન


અર્થવિલંબન : ‘અપરિચિત અ અપરિચિત બ’ ગ્રન્થમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાએ, ‘કવિ રૂઢ ભાષાને તોડે છે.’ એ વિધાનને સ્પષ્ટ કરતાં, ‘અર્થછલો દ્વારા કવિ ભાષાને રોજિંદા અર્થથી બીજે વાળે છે’ એવી સ્થાપના કરી છે. ભાષાની સૂચિત ત્વરિત અર્થસંક્રાંતિની રૂઢ પ્રકૃતિને કવિ છંદ, અલંકાર, કલ્પન, પ્રતીક વગેરેના અંતરાયોથી અવરોધીને ચલચિત્રમાં વપરાતી ‘સ્લો મોશન’ શૈલીની જેમ વિલંબિત કરે છે અને કથયિતવ્યની વણનોંધાયેલી ખૂબીઓને સ્ફુટ કરે છે. આ પ્રક્રિયામાં વિવિક્તીકરણથી માંડીને પુરાકલ્પન-ઉલ્લેખો જેવી અનેક પ્રયુક્તિઓ એમાં સહાયક નીવડે છે. ર.ર.દ.