ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આસક્તિ સિદ્ધાંત


આસક્તિ સિદ્ધાન્ત (Attachment Theory) : ફ્રોઈડ પછી મનોગત્યાત્મક (Psychodynamic) સમજણમાં સૌથી વધુ પ્રદાન જ્હોન બોલબી (John Bowlby)નું છે. એમણે આસક્તિ સિદ્ધાન્ત આપ્યો. આસક્તિ સિદ્ધાન્ત બતાવે છે કે કોઈપણ મનુષ્ય ટાપુ નથી. આપણે જ્યારે સઘન અંગત સંબંધોમાં સંકળાઈએ છીએ ત્યારે જ આપણે આપણા અસ્તિત્વને પૂરેપૂરું જાણીએ છીએ. મોટાભાગના સાધારણ માણસોને જીવનભર આસક્તિ એક જીવાધાર આવશ્કયતા છે; અને ભગ્ન કે ક્ષુબ્ધ આસક્તિઓ હતાશા, ભાર, પ્રતિકૂલન કે મનોરોગની સમર્થ અણસાર છે. સાહિત્યક્ષેત્રે સર્જન યા વિવેચનને તેમજ સાહિત્યઅંતર્ગત પાત્રોના સંબંધોમાંથી વિકસતી કથાને આ સિદ્ધાન્તના પરિપ્રેક્ષ્યમાં મૂલવી શકાય. ચં.ટો.