ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપરૂપક


ઉપરૂપક : નાટ્ય પર આધારિત દૃશ્યકાવ્યનો ભેદ રૂપક છે તો, નૃત્ય પર આધારિત એનો ભેદ ઉપરૂપકનો છે. બીજી રીતે કહીએ તો, રૂપકોમાં રસનું તો, ઉપરૂપકોમાં નૃત્ય અને નૃત્તનું પ્રાધાન્ય છે. પ્રારંભિક નાટ્યાચાર્યોએ એનો ઉલ્લેખ કર્યો નથી પણ પછીથી થયેલા એના વિસ્તૃત ઉલ્લેખો પરથી એમ લાગે છે કે નૃત્ય પર આધારિત દૃશ્યકાવ્યો સાહિત્યકોટિએ પહોચ્યાં હશે. ઉપરૂપકોનો સૌપ્રથમ ઉલ્લેખ ‘અગ્નિપુરાણ’ મળે છે, પણ ‘ઉપરૂપક’ જેવી સંજ્ઞા તો વિશ્વનાથે જ આપી છે. વિશ્વનાથે અલબત્ત, એની વ્યાખ્યા નથી આપી પણ એના ૧૮ પ્રકારોનું વ્યવસ્થિત વિવરણ આપ્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આજે ૧૮ પ્રકારો સર્વમાન્ય છે : ચાર અંકમાં પ્રખ્યાત પાત્ર અને કવિકલ્પિત કથાનક આપતું સ્ત્રીબહુલ નાટિકા; પાંચ, સાત, આઠ કે નવ અંક યુક્ત શૃંગારપ્રધાન તોટક; એક અંકમાં જનસાધારણ પાત્રો અને સામાન્ય જીવન નિરૂપતું ગોષ્ઠી; અનિશ્ચિત અંકોમાં પ્રાકૃત ભાષાઓ લઈને અદ્ભુતરસ સાથે ચાલતું સટ્ટક; એક અંકમાં શૃંગારના પાસ સાથેનું હાસ્ય રજૂ કરતું સંગીત, તાલ લયયુક્ત નાટ્યરાસક; બે અંકમાં દાસને નાયક અને દાસીને નાયિકા બનાવી ચાલતું વિલાસપ્રધાન પ્રસ્થાનક; એક અંકમાં ચાર નાયિકા સહિતનું શૃંગાર, કરુણ કે હાસ્ય નિરૂપતું ઉલ્લાપ્ય; એક અંકમાં હાસ્ય-શૃંગાર નિરૂપતું ગીતનૃત્યપરક કાવ્ય; એક અંકમાં નીચ નાયકના દ્વન્દ્વયુદ્ધ અને ક્રોધપૂર્ણ વાર્તાલાપ રજૂ કરતું પ્રેક્ષણ કે પ્રેંખણ; એક અંકમાં પાંચ પાત્રો સહિત પ્રસિદ્ધ નાયિકા ને મૂર્ખ નાયક રજૂ કરતું રાસક; ત્રણ કે ચાર અંકમાં પાખંડી નાયક સહિત શૃંગાર કે કરુણ સિવાયના અન્ય રસ અખત્યાર કરતું સંલાપક; એક અંકમાં લક્ષ્મીનો વેશ ધારણ કરતી નટીને રજૂ કરતું શ્રીગદિત; ચાર અંકમાં બ્રાહ્મણ નાયકની આસપાસ સ્મશાન અને શબવર્ણન સહિત ૨૭ અંગોમાં કથાનક આપતું શિલ્પક; એક અંકમાં વેશભૂષા, નેપથ્ય અને નાચગાનની અધિકતા સાથે નિમ્નકોટિના નાયકને રજૂ કરતું શૃંગારપ્રધાન વિલાસિકા; ચાર અંકમાં અનુક્રમે વિટક્રીડા, વિદૂષકવ્યાપાર, પીઠમર્દનો વિલાસ અને નાગરિક પુરુષોની ક્રીડા રજૂ કરતું દુર્મલ્લિકા; નાટિકાની સર્વ વિશેષતા સાથે વણિક નાયકને રજૂ કરતું પ્રકરણિકા; એક અંકમાં નાયકને કેન્દ્રમાં રાખી વર્તુળમાં નૃત્ય કરતાં સ્ત્રીપાત્રો રજૂ કરતું ગાનતાલયુક્ત હલ્લીશ અને એક અંકમાં ઉચ્ચ નાયિકા અને નિમ્ન નાયકને ઉપન્યાસ, ન્યાસ વગેરે સાત વિશિષ્ટ અંગસહિત રજૂ કરતું ભાણિકા. ચં.ટો.