ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઊર્મિજન્ય ભાવાભાસ


ઊર્મિજન્ય ભાવાભાસ(Pahetic Fallacy) : વિક્ટોરિયન-યુગના કલાવિવેચક જોન રસ્કિને એના ‘મોડર્ન પેન્ટર્સ’ (૧૮૫૬)ના ત્રીજા ખંડના બારમા પ્રકરણમાં કવિઓ અને ચિત્રકારો પ્રકૃતિ પર જે માનવભાવોનું આરોપણ કરે છે એના સંદર્ભે આ સંજ્ઞા પ્રયોજી છે. ઉગ્ર લાગણીથી યુક્ત ચિત્તસ્થિતિ થોડા સમય માટે ઓછાવત્તા પ્રમાણમાં મનુષ્યને અતાકિર્ક બનાવે છે. આથી લાગણીનો પ્રચંડ વેગ બહારની અચેતન વસ્તુઓના સંવેદન સંદર્ભે એક પ્રકારની ભ્રાન્તિ સર્જે છે અને એમ લાગણીથી ભ્રાન્ત ચિત્ર જ આ દોષને વહોરે છે. રસ્કિનને મતે કલાક્ષેત્રે આ નિષેધાત્મક પ્રવિધિ છે. પ્રકૃતિની વસ્તુઓ માનવીય સંવેદન ન અનુભવે છતાં ‘વાદળો રડે છે’ ‘ફૂલો આનંદિત છે’ એમ માનવીય સંવેદન અનુભવતા વર્ણવવામાં આવે એમાં કવિની મનોમુદ્રાનું અનુસરણ છે. બહારની વસ્તુઓના સંસ્કારો સંબંધે આ રીતે મિથ્યાભાસ રચતા મિથ્યા લાગણીવાદ અને રાગોત્કટ રૂપકો રુગ્ણતામાંથી જન્મે છે અને રસ્કિન સત્યકેન્દ્રી તેમજ નીતિકેન્દ્રી પોતાના કલાસિદ્ધાન્તને અનુસરી આ રુગ્ણતા પર પ્રહાર કરે છે. અલબત્ત, આજે આ સંજ્ઞા કોઈપણ માનવમૂલ્ય, માનવવર્તન કે માનવભાવના અચેતન પર થયેલા આરોપણને સમજાવવા કે વર્ણવવા શિથિલપણે વપરાય છે અને એવી પણ ટીકા થાય છે કે આ સંજ્ઞા ભૌતિકભેદને ધ્યાનમાં લે છે પણ સંરચનાગત સાદૃશ્યને અવગણે છે. ગુજરાતી વિવેચનક્ષેત્રે ‘પૃથુરાજરાસા’ના અવતરણ સંદર્ભે રમણભાઈ નીલકંઠે ‘વૃત્તિમય ભાવાભાસ’ને નામે ચર્ચા કરેલી. એની સાથે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને આનંદશંકર ધ્રુવે અસંમતિ દર્શાવેલી. પછીથી નરસિંહરાવ દિવેટિયાએ એને ‘અસત્ય ભાવારોપણ’ ઓળખાવી એનું સઘન વિશ્લેષણ કરેલું અને રસ્કિનની ભૂમિકાને સ્પષ્ટ કરી આપેલી. ‘અસત્ય આરોપ તો ત્યારે જ થાય કે જ્યારે પ્રકૃતિના સત્ય સ્વરૂપ અને તત્ત્વને કાર્યની ક્ષણિક લાગણીઓ વિકારપૂર્ણ રીતે પોતાનો રંગ અર્પે’ એવો રસ્કિનનો મુખ્ય સિદ્ધાન્ત ઉપસાવીને નરસિંહરાવે રસ્કિન કેવા સંજોગોમાં આ કાવ્યદોષની તીવ્રતાની વધઘટને જુએ છે તે વીગતે દર્શાવેલું. સ્પષ્ટ કરેલું કે આ દોષ શુદ્ધ આત્મલક્ષી કાવ્યમાં જ થાય છે જ્યારે પરલક્ષી કાવ્યોમાં, કવિએ ઉત્પન્ન કરેલાં પાત્રો પોતાની લાગણીઓની છાયા પ્રકૃતિ ઉપર પાડે છે ત્યારે, કવિ પોતે જ પોતે ઉત્પન્ન કરેલાં પાત્રોની દશા સાથે પ્રકૃતિને સમભાવ ધરતી વર્ણવે છે ત્યારે, વર્ણન કરેલાં માનવવૃત્તાન્તોને માટે અનુકૂળ પ્રકૃતિના બનાવો તે જ વખતે બનેલા કહીને કવિ વર્ણવે, મુખ્ય વૃત્તાન્તના ચિત્રને યોગ્ય પશ્ચાદભૂમિ તરીકે ચીતરે અને તે જ ક્રિયામાં માનવવૃત્તાન્ત અને પ્રકૃતિના વૃત્તાન્ત વચ્ચે કોઈક ગૂઢ અને સૂક્ષ્મ સંબંધની છાપ પાડે છે ત્યારે, લગભગ આ દોષ થતો નથી. ડોલરરાય માંકડે નરસિંહરાવના આ વિશ્લેષણને લક્ષમાં લઈ ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ જેવી સંજ્ઞા હેઠળ, આત્મલક્ષી કાવ્યોમાં પણ કેટલીક વખત આ દોષમાંથી કવિ મુક્ત હોય એમ બને, એ મુદ્દાને વિકસાવ્યો અને નિષ્કર્ષ આપ્યો કે કવિ પોતે સ્વસ્થ મનથી પ્રકૃતિદર્શન કરતો હોય અને પ્રકૃતિદર્શનથી જ એના મનમાં જે ભાવો ઊઠે તેને એ જ્યારે માનવધર્મના શબ્દોમાં વર્ણવે ત્યારે આ દોષ ન આવે. ઉપરાંત એમણે ‘ધ્વન્યાલોક’માં આવતી આ વિષયની કેટલીક ચર્ચાને હાથ ધરીને બતાવ્યું કે સંસ્કૃતમાં આત્મલક્ષી પ્રકૃતિકાવ્ય જેવો પ્રકાર જ નથી તેથી એમાં આ દોષનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ચં.ટો.