ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઓલ્ડ મેન એન્ડ ધ સી


ઓલ્ડ મૅન એન્ડ ધ સી : અકૃતક પ્રતીકાત્મકતા ધારણ કરતી અર્નેસ્ટ હેમિંગ્વેની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી અમેરિકન નવલકથા. હેમિંગ્વેની અન્ય રચનાઓની જેમ અપરાજિતપણાનું કથાવસ્તુ અહીં પણ છે. મનુષ્ય નષ્ટ થઈ શકે છે પણ પરાજિત નહીં, એ જાણે કે એની પ્રત્યેક નવલકથાનું ચાલક કેન્દ્ર છે. આ નવલકથા લગભગ બસો વાર લખાયેલી છે અને એવા કઠોર પરિશ્રમથી એની વ્યંજકતા ઊભી થઈ છે. અહીં માણસ શું કરી શકે છે, એની શક્યતાનું સ્વરૂપ વ્યક્ત થયું છે. આ નવલકથામાં ક્યુબાનો વૃદ્ધ માછીમાર એના કમનસીબ ૮૪ દિવસો ગલ્ફ સ્ટ્રીમમાં માલિર્ન માછલીની શોધમાં વિતાવે છે અને માંડ જ્યારે એને પકડે છે ત્યારે શાર્ક માછલીઓના હુમલાથી એને બચાવવા લાંબો અને એકલવાયો સંઘર્ષ કરવો પડે છે. જ્યારે કાંઠે પહોંચે છે ત્યારે માછલીનું વિશાળકાય માત્ર હાડપિંજર બચેલું હોય છે. પણ લોકો એના આ પરાક્રમને અચંબાથી જુએ છે. વૃદ્ધની હારમાં એક ગરિમા વ્યક્ત થયેલી છે. એક રીતે જોઈએ તો મનુષ્ય અને પ્રકૃતિના સંઘર્ષની આ ગૌરવકથા કે દૃષ્ટાંતકથા છે. ચં.ટો.