ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાચક્ર


કથાચક્ર (Story-cycle) : સમાન લાગતી કથાઓનાં સામ્યોના સર્વસાધારણ કથાતબક્કાઓ અને ઘટકોને આધારે એ બધી જ સરખી જણાતી કથાઓના કથાનકનું કથાબિંબ નક્કી કરવામાં આવ્યું અને એની સહાયે કયા દેશની કઈ કથા આ કુળની કથાઓની મૂળભૂત કે આદિકથા ગણાય એની શોધ ચાલી અને એ માટેની પદ્ધતિ વિકસતી ગઈ. એમાંથી કથાચક્રની પદ્ધતિ હાથ લાગી. કથાચક્રમાં કોઈ એક પાત્ર સાથે સંકળાયેલી જે કંઈ, જેટલી કંઈ નાની-મોટી કથાઓ હોય એ મેળવીને તે કથાચક્રનો અભ્યાસ કરવાની પદ્ધતિ વિકસતી ગઈ જેમકે ભારતીય કથાસાહિત્યમાં ઉજ્જેણી નગરીનો રાજા વીરવિક્રમ પરદુઃખભંજક તરીકે વાર્તાખ્યાત છે. લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં રાજા વિક્રમ વિશેની અનેક વાર્તાઓ મળે છે. આવી વાર્તાઓના જૂથને વિક્રમ-કથાચક્ર કહી શકાય. કથાબિંબ અને કથાચક્ર વચ્ચેનો મહત્ત્વનો ભેદ એ છે કે કથાબિંબમાં સમાવિષ્ટ થતી બધી જ કથાઓનું મુખ્ય માળખું લગભગ સમાન હોય છે જ્યારે કથાચક્રમાં સમાવિષ્ટ થતી બધી કથાઓનાં કથાનકોમાં આવું કોઈ સામ્ય હોતું નથી પરંતુ એ કથાનું મુખ્ય પાત્ર કે નાયક એક હોય છે. કથાચક્રમાં, કથાનાયકની વિવિધ કથાઓ સાથે રાખી તપાસવાની પદ્ધતિમાં બીજી રીત તે કોઈ એક નિશ્ચિત પશુ કે પ્રાણીને વિષય કરતી કથાઓના અભ્યાસની છે. કથાચક્ર પાત્રથી આગળ વધી વિષય સુધી પણ વિસ્તરી શકે અને એમાં કથાબિંબ તથા ઐતિહાસિક–ભૌગોલિક પદ્ધતિનો ઉપયોગ અને સમન્વય થાય છે. કથાચક્ર કથાબિંબને મુકાબલે વર્ગીકરણની દૃષ્ટિએ સ્થૂલ છે, સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી પરંતુ જો એમાં કથાબિંબ, ઘટક અને ઐતિહાસિક-ભૌગોલિક પદ્ધતિનો પણ સમન્વય કરવામાં આવે તો કોઈએક કથાના ઉદ્ભવવિકાસના ઇતિહાસને અને એ દ્વારા લોકસાંસ્કૃતિક રસરુચિ અને ચેતનાને કેટલેક અંશે જાણવામાં ખૂબ જ ઉપયોગી બની શકે. હ.યા.