ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાઘટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથાઘટક (Motif) : કોઈપણ નાની, મધ્યમ કદની કે મોટી પરંપરાગત કથાનું કથાનક કેટલાક નાના નાના અંશો, અંગો કે ઘટકોના પારસ્પરિક કાર્યકારણાત્મક સંયોજન દ્વારા બનેલું હોય છે. કથાનકનું પૃથક્કરણ કરીને એના આવા સ્વતંત્ર નાનામાં નાના એકમોને તારવવામાં આવે છે. કથાનકના આવા નાના સ્વતંત્ર એકમને કથાઘટક કહેવામાં આવે છે. કથાનકના આ પ્રકારના શાસ્ત્રીય પૃથક્કરણની પદ્ધતિ સ્ટિથ થોમ્પ્સને વિકસાવી અને એણે કથાઘટકની વિભાવના સ્પષ્ટ કરતાં કહ્યું કે કથાઘટક એ કથામાં રહેલો નાનામાં નાનો અંશ છે જેમાં પરંપરામાં ટકી રહેવાની શક્તિ છે અને એ શક્તિ માટે એમાં કશુંક અસાધારણ અને ચમત્કૃત કરે એવું હોય છે. કથા કથા વચ્ચેના સામ્યમૂલક અભ્યાસ માટે કથાના કથાનકનું પૃથક્કરણ કરીને એના નાના નાના સ્વતંત્ર ઘટકોને તારવવાની પદ્ધતિનો આરંભ બ્લૂમફિલ્ડથી થયો. પછીથી ચાવીરૂપ શબ્દજૂથો(કેચવર્ડ્ઝ)નો ઉપયોગ થવા લાગ્યો જે અંતે સ્વતંત્ર એવા ઘટકના પોતીકા પૂર્ણરૂપનો પરિચાયક બનતો ગયો. કથાસાહિત્યના અભ્યાસીઓનું મુખ્ય લક્ષ્ય કથાઓ ક્યાં, કેટલે અંશે મળતી આવે છે અને કયા તબક્કે, કઈ રીતે જુદી પડે છે તેનો જ અભ્યાસ કરવાનો હતો. આથી આ અભ્યાસે કથાનકના આવા સમાન માળખાને તારવવા પર જ ખાસ ધ્યાન આપ્યું. લોકકથાના અભ્યાસને આધારે ૨૪૯૯ કથાબિંબની વર્ગીકૃત યાદી તૈયાર કરી અને તેના વર્ગીકરણમાં પશુકથા, પ્રાકૃતિક તત્ત્વ, પરાપ્રાકૃતિક, માનવીય અને કારિકારૂપને ધોરણ રૂપે રાખ્યાં. સ્ટિથ થોમ્પ્સને સ્પષ્ટ કર્યું કે કથાઘટકના મુખ્ય ત્રણ વર્ગ છે : ૧, પાત્ર ૨, પદાર્થ અને ૩, ક્રિયા કે ઘટના. કેટલીક લોકકથાઓ એવી હોય છે કે જેમાં કથાત્મક પરિસ્થિતિ સર્જવાની શક્તિ એના પાત્રમાં જ પડેલી હોય છે. કથાનાં નાયક, નાયિકા કે અન્ય પાત્રમાં રહેલી અસાધારણતાની અને ચમત્કૃત કરવાની ક્ષમતાને કારણે જ વાર્તાત્મક પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. આથી આવાં ઘટકરૂપ પાત્રોમાં દેવ-દેવી, યક્ષ, કિન્નર, રાક્ષસ, જાદુગર, અસાધારણ શારીરિક કે માનસિક શક્તિ ધરાવતાં પાત્રો, સિદ્ધો, યોગીઓ, ડાકણ-શાકણ, ચૂડેલ, વ્યંતર, રાક્ષસ, માનવીય શક્તિ-દૃષ્ટિ ધરાવતાં પશુપંખી ઇત્યાદિનો સમાવેશ થાય છે. પાત્રની જેમ કેટલાંક પદાર્થો પણ કથાઘટકરૂપ છે. સામાન્ય લાકડી માત્ર પદાર્થ છે. પરંતુ અસાધારણ જાદુઈ-તિલસ્માતી શક્તિ ધરાવતાં પંચદંડ, લાલિયો ધોકો, ઇલમની લકડી કથાઘટકરૂપ છે. વિશ્વના બૃહદ્ લોકમાનસે પદાર્થમાં વિશેષિત શક્તિનું આરોપણ લોકવિદ્યાના કવિસમયરૂપે સ્વીકાર્યું છે. ઘટકોનો ત્રીજો વર્ગ તે અસાધારણ એવી ક્રિયાઓ અને એમાંથી જન્મતી ચમત્કારમૂલક કે કથાયુક્તિમૂલક ઘટનાઓનો છે. અસાધારણ કે ચમત્કારમૂલક ક્રિયાજન્ય ઘટનામાં ક્રૂર, અસાધારણ, રૂઢ એવાં સજાઓ, રીતરિવાજો વગેરેનો સમાવેશ થાય છે. રાત્રે નીકળનારને રાજા શૂળી પર ચડાવશે એવો ઢંઢેરો, માથે મૂંડો કરાવી, ખડી ચોપડી, અવળે ગધેડે બેસાડી ગામમાંથી હાંકી કાઢવાની સજા, ખીલાઓ ઠોકી કે પથ્થરો મારીને મૃત્યુદંડ દેવાની સજા વગેરેનો આ ત્રીજા વર્ગના ઘટકોમાં સમાવેશ થઈ શકે. હ.યા.