ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિલોક ટ્રસ્ટ


કવિલોક ટ્રસ્ટ : ૧૯૫૭માં મુંબઈમાં કવિઓની મિલન-પ્રવૃત્તિના ઉદ્દેશથી સ્થપાયેલી આ સંસ્થાએ અમદાવાદમાં ‘બુધસભા’એ જે ભૂમિકા ગુજરાતી કવિતા સંદર્ભે અદા કરી હતી એવી જ ભૂમિકા મુંબઈમાં નિભાવી હતી. કવિ રાજેન્દ્ર શાહની આગેવાનીમાં ચાલતી કાવ્યગોષ્ઠિ એ સંસ્થાની પ્રારંભની મુખ્ય પ્રવૃત્તિ હતી. સંસ્થા દ્વારા કવિતાના ઋતુપત્ર રૂપે ‘કવિલોક’નામનું, મુખ્યત્વે કવિતા અને કવિતા-વિવેચન પ્રકાશિત કરતું દ્વૈમાસિક મુખપત્ર પ્રકાશિત થાય છે. મુંબઈમાં કાર્યવેગ ઘટતાં સંસ્થા, બચુભાઈ રાવતના સહયોગથી અમદાવાદ સ્થળાંતરિત થઈ, અહીં બચુભાઈ રાવતે, પછી ધીરુ પરીખની સહાયથી વ્યવસ્થિત અને સુસ્થિર કર્યું. કવિલોકે નવોદિત કવિઓના કાવ્યસંગ્રહોના પ્રકાશનનું તેમજ ‘વિશ્વકવિતા’ નામ તળે કવિ-કંઠે થયેલા કાવ્યપાઠનું ધ્વનિમુદ્રિત સ્વરૂપે સંગ્રહનું કાર્ય હાથ ધર્યું છે. આ ઉપરાંત સંસ્થાએ ‘આધુનિકતા અને કવિતા’, ‘ગદ્યકાવ્ય’ તથા ‘મહાકાવ્ય’ જેવા વિષયો પર પરિસંવાદો યોજ્યા છે તેમજ તેમાં રજૂ થયેલી સામગ્રીને ગ્રન્થ રૂપે પ્રકાશિત પણ કરી છે. ર.ર.દ.