ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિશિક્ષા


કવિશિક્ષા : નવોદિત કવિઓને કવિતાશિક્ષણ આપતા સંસ્કૃત પરંપરાના ગ્રન્થો. પ્રતિભા ગમે તેટલી જન્મજાત કે નૈસર્ગિક હોવા છતાં અભ્યાસ અને નિપુણતાથી એને વધુ સંસ્કારવી પડે છે – એવી અભિધારણાથી સંસ્કૃત આલંકારિકોએ કાવ્યરચનાની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિ માટેની વિસ્તૃત સામગ્રી વર્ણવી છે અને કવિ સુશિક્ષિત કે બહુશ્રુત કેમ બને તેમજ શબ્દસિદ્ધિ, અર્થસિદ્ધિ છંદસિદ્ધિ વગેરે કેવી રીતે હાંસલ કરે એ માટે સુબોધ વિવેચન કર્યું છે. આ પ્રકારના કવિશિક્ષોપયોગી વિષયોનું સૌથી વિસ્તૃત નિરૂપણ રાજશેખરે કર્યું છે. એનો ‘કાવ્યમીમાંસા’ ગ્રન્થ કવિશિક્ષા અંગેનો માનક ગ્રન્થ ગણાયો છે. રાજશેખર પછીના આલંકારિકોએ એમાં ઉપલબ્ધ સામગ્રીનો ખાસ્સો ઉપયોગ કર્યો છે. ઉપરાંત ક્ષેમેન્દ્રના ‘કવિકંઠાભરણ’માં, હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન’માં, અમરચંદ્રના ‘કાવ્યકલ્પલતા’માં, દેવેશ્વરના ‘કવિકલ્પલતા’માં, કેશવમિશ્રના ‘અલંકારશેખર’ વગેરેમાં કવિશિક્ષાનું પર્યાપ્ત વિવરણ છે. ચં.ટો.