ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપુરુષ



કાવ્યપુરુષ : આ સરસ્વતી પુત્ર સારસ્વતેય અંગે કવિશિક્ષા વિષય અંતર્ગત કવિકલ્પના કરાયેલી છે. રાજશેખરે એને ‘કાવ્યપુરુષ’ કહ્યો છે. ‘કાવ્યમીમાંસા’ના ત્રીજા અધ્યાયમાં ઉશનાકવિ અને વાલ્મીકિ વગેરેની કાવ્યોત્પત્તિની કથાઓનું એક કાલ્પનિક કથાનક ઊભું કરીને, સાહિત્યવિદ્યાવધૂ અને કાવ્યપુરુષના સંયોગ દ્વારા કાવ્ય અને એની સહાયક સાહિત્યવિદ્યાના સંબંધને એણે પ્રદશિર્ત કર્યો છે. ઉપરાંત, ભિન્ન ભિન્ન દેશની કાવ્યશૈલીઓનું સંક્ષિપ્તમાં વિવરણ કર્યું છે. રાજશેખરે કાવ્યપુરુષનું સાભિપ્રાય વર્ણન કરતાં કહ્યું છે : શબ્દાર્થ એનું શરીર છે; સંસ્કૃત ભાષા એનું મુખ છે; પ્રાકૃતભાષાઓ એની ભુજાઓ છે; અપભ્રંશભાષા એની જંઘા છે; પિશાચભાષા એનાં ચરણ છે અને મિશ્રભાષાઓ વક્ષસ્થલ છે. કાવ્યપુરુષ સમ, પ્રસન્ન, મધુર, ઉદાર અને ઓજસ્વી છે; એની વાણી ઉત્કૃષ્ટ છે; રસ એનો આત્મા છે; છંદ એના રોમ છે; પ્રશ્નેત્તર, પ્રહેલી, સમસ્યા વગેરે એની વાક્કેલિ છે અને અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકારો એને અલંકૃત કરે છે. ચં.ટો.