ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૌતુકવાદ


કૌતુકવાદ (Romanticism) : ‘રંગદશિર્તાવાદ’, ‘ઉદ્રેકવાદ’, ‘જીવનનો ઉલ્લાસ’, ‘મસ્ત’ એ આ વાદ માટે ગુજરાતીમાં પ્રયોજાયેલી સંજ્ઞાઓ છે. પાશ્ચાત્ય સાહિત્યવિવેચનમાં પ્રશિષ્ટતાવાદની વિચારણાના વિરોધ રૂપે સૌપ્રથમ ૧૭૯૦ની આસપાસ જર્મની અને ઇંગ્લેન્ડમાં આ વાદની વિચારણા ઉદ્ભવી અને ૧૮૩૦ સુધીમાં યુરોપના અન્ય દેશોમાં એ પ્રસરી. મુખ્યત્વે સાહિત્ય અને કેટલેક અંશે જ્ઞાનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રભાવક બનેલા આ વાદનાં લક્ષણો દરેક દેશના સાહિત્યમાં સમાન નથી, તો પણ એ વાદ સાથે સંકળાયેલાં કેટલાંક વ્યાપક વલણો ઓછેવત્તે સર્વત્ર જોઈ શકાય છે. Romantic સંજ્ઞા જૂની ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘Romanz’ પરથી ઊતરી આવી છે. ત્યાં ‘કંઈક નવું’ એ અર્થમાં એનો ઉપયોગ થતો હતો. અંગ્રેજીમાં આ સંજ્ઞા સત્તરમી સદીમાં ‘કલ્પિત’, ‘તરંગી’ અને અઢારમી સદીમાં ‘વિષાદયુક્ત સ્થિતિ’ એવી અર્થછાયા મૂળ અગાઉના અર્થ સાથે જોડીને વપરાતી થઈ. પરંતુ સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદી વિચારણાના વિરોધ રૂપે સૌપ્રથમ ફ્રીડરિક શ્લેગલે જર્મનીમાં ૧૭૯૮માં આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો. ‘ભાવોત્કટ સામગ્રી કાલ્પનિક રૂપમાં અભિવ્યક્ત થાય ત્યારે એ રોમેન્ટિક કહેવાય.’ એમ એમણે કહ્યું ત્યારે એમણે સંજ્ઞાને ઠીક ઠીક સંદિગ્ધ રૂપમાં વાપરી. જર્મનીની સમાંતરે ઇંગ્લેન્ડમાં ‘Lyrical Ballads’ની પ્રસ્તાવનામાં વિલિયમ વર્ડ્ઝવર્થે જે વિચારો વ્યક્ત કર્યા એમાં પણ રોમેન્ટિક વિચારણાનો ઉદ્ભવ જોઈ શકાય. અલબત્ત, અંગ્રેજી સાહિત્યના રોમેન્ટિકયુગના વર્ડ્ઝવર્થ અને બીજા કવિઓએ પોતાને રોમેન્ટિક તરીકે ઓળખાવ્યા નથી પણ એક વસ્તુ લગભગ બધા અભ્યાસીઓ સ્વીકારે છે કે અઢારમી સદીના અંતભાગમાં યુરોપના જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ જેવા દેશોમાં જે સાહિત્ય સર્જાવા માંડ્યું એની સંવેદના એ સમયના સર્જકો અને અભ્યાસીઓની સાહિત્ય તરફ જોવાની દૃષ્ટિ એમના પૂર્વવર્તી પ્રશિષ્ટતાવાદી (classical) સાહિત્યથી ઠીક ઠીક ભિન્ન હતાં. કૌતુકવાદે તર્કથી પમાતા સુનિયંત્રિત, સુવ્યવસ્થિત ને પરિચિત (Finite) સત્ય કરતાં ભાવની ઉત્કટતાથી સંચારિત કલ્પનાશક્તિથી પમાતા અપરિચિત (unfinite)ને સ્થાને કલ્પનાની પ્રતિષ્ઠા કરી. સર્જકની વૈયક્તિકતા, નિરંકુશતાને વધારે મૂલ્યવાન ગણ્યાં. એટલે પ્રચલિત કાવ્યરૂપો, શૈલીની શિસ્ત સામે વિદ્રોહ, તર્કબદ્ધ, સુસ્પષ્ટને બદલે કંઈક રહસ્યમય, અતાકિર્ક, સ્વપ્નિલ, અદીઠ માટેનું આકર્ષણ રોમેન્ટિક સાહિત્યમાં જોવા મળે છે. એ સિવાય વાસ્તવિક જીવનથી વિમુખ બની પ્રકૃતિ ને નૈસર્ગિક તત્વો પ્રત્યે વિશેષ અનુરાગ, મધુર ને આદર્શ માટેની ઝંખના, પરિચિત જીવન અને મૂલ્યો પ્રત્યે અસંતોષ અતીત માટેનો પ્રેમ ઇત્યાદિ રોમેન્ટિક સાહિત્યની અન્ય લાક્ષણિકતાઓ છે. ભાવનો કૃતક આવેગ, અભિવ્યક્તિની સંદિગ્ધતા, આકારસૌષ્ઠવ પ્રત્યે ઉદાસીનતા, ઊર્મિલતા એ કૌતુકવાદી સાહિત્યની મર્યાદાઓ છે. કૌતુકવાદ એક સાહિત્યિક આંદોલન રૂપે ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીમાં તો યુરોપીય સાહિત્યમાંથી ઓસરી ગયો પરંતુ એની વિચારણાની કેટલીક અસર પ્રતીકવાદ, પરાવાસ્તવવાદ જેવાં પરવર્તી આધુનિકતાવાદી સાહિત્યિક આંદોલનોમાં જોઈ શકાય છે. કૌતુકવાદ એક સાહિત્યિક આંદોલન સિવાય એક માનસિક વલણ રૂપે પણ ઠીક ઠીક વ્યાપક છે અને એ સંદર્ભમાં માત્ર યુરોપીય સાહિત્યમાં જ નહીં, વિશ્વની કોઈપણ ભાષાના કોઈપણ સમયના સાહિત્યના સર્જકમાં આ વલણ જોઈ શકાય. જેમકે અંગ્રેજી સાહિત્યમાં શેક્સપીયર મોલિયેર અને બેન જોન્સન કરતાં વધારે રોમેન્ટિક છે કારણકે ગ્રીક નાટકોની ત્રિવિધ એકતાનું પાલન તેણે નથી કર્યું. લોકકથામાં વ્યાપક અતિપ્રાકૃત તત્ત્વોનું આલેખન પણ એનાં નાટકોમાં ઘણું છે. એ રીતે ન્હાનાલાલ એમના સમકાલીન કવિઓ કરતાં વધારે કૌતુકવાદી કવિ કહી શકાય. જ.ગા.