ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કટારો



ગુજરાતી કટારો : એક જમાનામાં અખબારનું કર્તવ્ય માત્ર સમાચાર કે માહિતી આપવા પૂરતું સીમિત હતું. અભિપ્રાય ઘડતર કે ઘટનાઓનું અર્થઘટન એ અખબારના કાર્યક્ષેત્રની બહાર ગણાતું. ઓગણીસમી સદીના અંતભાગ સુધી લગભગ આ વલણ હતું. ધીમે ધીમે વૃત્તાંત લેખનની શૈલીમાં પલટો આવ્યો, તેમ વર્તમાનપત્રમાં સમાચાર ઉપરાંત લેખો, કાર્ટૂનો, તસવીરો, અગ્રલેખ, ચર્ચાપત્ર વગેરે અંગો ઉમેરાતાં ગયાં. કટારલેખનનો ઉદ્ભવ આ રીતે થયો. નિયમિત વિભાગોમાંથી નિયમિત કટારો જન્મી. કટારલેખનના વિકાસમાં સાપ્તાહિક પૂર્તિએ મોટો ભાગ ભજવ્યો. ગુજરાતીમાં ‘જન્મભૂમિ’ની રવિવારની આવૃત્તિ ‘જન્મભૂમિ પ્રવાસી’માં છેલ્લા પાને વૈવિધ્યપૂર્ણ સામગ્રી વડે વિજયગુપ્ત મૌર્યે પૂર્તિનાં સ્વરૂપને ઘાટ આપ્યો, અને એમાંથી ધીમે ધીમે પૂતિર્ર્ અને નિયમિત વિભાગો તથા કટારનો પ્રારંભ થયો. અંગ્રેજી columnમાંથી ગુજરાતીમાં ‘સ્થંભ’, ‘પછી ‘કતાર’ અને ‘કટાર’ થયું હિન્દીમાં હજી ‘સ્થાયીસ્થંભ’ કહેવાય છે. વર્તમાન સમયમાં ભારતની કોઈપણ ભાષાઓમાં ગુજરાતી વર્તમાનપત્રોમાં પૂર્તિઓ અને કટારો વિશેષ પ્રચલિત છે. અમદાવાદનાં દૈનિકો લગભગ દરરોજ અલગ અલગ વિષયો પર પૂર્તિઓ આપે છે, અને તેમાં સાપ્તાહિક કટારો છપાય છે. પહેલાં રાજકીય સમીક્ષા કરતી કટાર લોકપ્રિય હતી, એ પછી એમાં આર્થિક લેખો, માર્ગદર્શક લેખો, ચિંતનાત્મક લેખો, હાસ્યપ્રધાન લેખો, સિનેમાની ગપસપ, વૈવિધ્યપૂર્ણ વિભાગો, ધર્મ-અધ્યાત્મના, લેખો રમતગમતની સમીક્ષા, પુસ્તકસમીક્ષા, સાહિત્યિક લેખો વગેરેનો ઉમેરો થયો છે. આ કટારો વાચકોમાં અત્યંત લોકપ્રિય છે અને અખબારના ફેલાવામાં પણ એનું સ્થાન હોવાથી કટારલેખકોના દરજ્જા અને વેતનમાં પણ વધારો થયો છે. ગુજરાતીમાં વર્ષો પહેલાં વિજયગુપ્ત મૌર્ય ‘ચિત્રલેખા’, ‘પ્રવાસી’ વગેરે પત્રોમાં રાજકીય સમીક્ષા વિવિધ ઉપનામોથી લખતા. એ પછી વાસુદેવ મહેતાએ રાજકીય સમીક્ષાને વાચકોમાં સ્વીકૃતિ અપાવી. આ ઉપરાંત પ્રવીણ શેઠ, દિનેશ શુક્લ, પ્રકાશ ન. શાહ, વિષ્ણુ પંડ્યા વગેરે આ ક્ષેત્રમાં જાણીતાં નામો છે. ગુજરાતીમાં એમ. વી. કામથ, અરુણ શૌરી, કુલદીપ નાયર જેવા લેખકોની અનૂદિત સમીક્ષાઓ પણ લોકપ્રિય છે. ગુજરાતી કટારોમાં આ ઉપરાંત માર્ગદર્શક અને ચિંતનાત્મક લેખો ખૂબ લોકપ્રિય છે. એના લેખકોમાં ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ, કુમારપાળ દેસાઈ, રમણ પાઠક વગેરેને ગણાવી શકાય. કોઈપણ વિષયમાં વિહરતી મુક્ત કટારો પણ લખાય છે. ચંદ્રકાન્ત બક્ષીનું કટારલેખન આ પ્રકારનું છે. વાર્તારસ મિશ્રિત લેખન મુખ્ય હોય એવી કટારોના લેખકોમાં દિલીપ રાણપુરા, પ્રિયકાન્ત પરીખ, જયવદન પટેલ મોખરે છે. રજનીકુમાર પંડ્યા મુલાકાતને વાર્તાનો ઓપ આપે છે. વિદ્યુત જોશી, ઇન્દુકુમાર જાની પ્રજાજીવન અને આદિવાસી તથા કચડાયેલા વર્ગોની સમસ્યાઓને આલેખે છે. બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, મધુસૂદન પારેખ અને અશોક દવે હાસ્યપ્રધાન કટારો વર્ષોથી લખે છે. પ્રવીણ દરજી, વીનેશ અંતાણી, લાભશંકર ઠાકર, સુરેશ દલાલ, લલિત નિબંધો લખે છે. ‘જન્મભૂમિ’માં કૃષ્ણવીર દીક્ષિતે વર્ષો સુધી ‘કલમ અને કિતાબ’ વિભાગ હેઠળ પુસ્તકસમીક્ષાઓ લખી હતી. કાન્તિલાલ કાલાણી, જયેન્દ્ર ત્રિવેદી વગેરે ધર્મ-અધ્યાત્મ પર લખે છે. ઉપરાંત ગુજરાતીમાં આરોગ્યવિષયકલેખો લોકપ્રિય છે. કાન્તિ ભટ્ટ, ભરદ્વાજ વિજય, નગેન્દ્ર વિજય માહિતીપ્રદ લેખો લખે છે. મનુભાઈ પંચોળી, રઘુવીર ચૌધરી અને યશવંત શુક્લ જેવા સાહિત્યકારો પણ કટારલેખન તરફ વળ્યા છે, એ નોંધપાત્ર વાત છે. કટારોમાં પ્રગટતા લેખોના સંચયસમાન પુસ્તકોનું પણ સારું વેચાણ થવા માંડ્યું છે, અને એમાંથી પણ સત્ત્વશીલ સામગ્રી મળી આવે છે, એ વાત હવે સ્વીકારાતી થઈ છે. યા.દ.