ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નિબંધ



ગુજરાતી નિબંધ : ગુજરાતી નિબંધનો સૂત્રપાત જાગૃતિકાળમાં થાય છે. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કારિક અને સાહિત્યિક એમ બધી દૃષ્ટિએ દેશ અંગ્રેજોના આગમન પૂર્વે ઠીક ઠીક પછાત હતો. ગુજરાતમાં પણ એવી જ અંધાધૂંધી પ્રવર્તતી હતી. પણ પાછળથી અંગ્રેજી કેળવણી અને એની સંસ્કૃતિના સંપર્કે આ સ્થિતિમાં ખાસ્સું પરિવર્તન આણ્યું. પ્રજા પરલોકની વાતો છોડી ઇહલોકમાં રસ લેતી થાય છે. એની વાચનભૂખ પણ કંઈક જાગે છે. પ્રજાજીવનના સર્વક્ષેત્રીય પરિવર્તનના આ યુગે લેખકોને અનેક વિષયો ઉપર લખવા પ્રેર્યા. ધર્મ, નીતિ અને દેશોદ્ધાર જેવા વિષયો પર લખીને લેખકોએ સાહિત્યને નિમિત્તે સમાજ પ્રત્યેનું કર્તવ્ય અદા કર્યું. પશ્ચિમના સંસ્કારની આ નવી હવાએ અને અઢીસો-ત્રણસો વર્ષના અંગ્રેજી નિબંધસાહિત્યે ગુજરાતી ભાષાના લેખકોને નિબંધલેખનનો આદર્શ પૂરો પાડવામાં સહાય કરી. એમાં સૌથી ઉપર તરી આવતા પ્રયત્નો નર્મદના રહ્યા છે. અંગ્રેજી નિબંધના સીધા સંપર્કનો એને લાભ મળ્યો હતો. સ્ટીલ અને એડિસનનાં ‘સ્પેક્ટેટર’ તેમજ ‘ટેટલર’નાં લખાણોથી તે મુગ્ધ બન્યો હતો. એવાં લખાણો ગુજરાતીમાં આપવાની તેની નેમ હતી. ‘દાંડિયો’ના પ્રાદુર્ભાવમાં એની એવી ભાવના રહી હતી. તે પછી તો એણે અનેક વિષયો પર કલમ ચલાવી છે. ‘મંડળી મળવાથી થતા લાભ’(૧૮૫૦) એની પાસેથી મળતો સંક્ષિપ્ત શૈલીનો પ્રથમ નિબંધ છે. વળી ‘સ્વદેશાભિમાન’, ‘સંપ’, ‘સૂરતની ચડતીપડતી’, ‘શેરના કાગળના કનકવા’ જેવી તેની રચનાઓ તેનો એક સારા ગદ્યકાર તરીકેનો પરિચય કરાવી રહે છે. ગદ્યને એ કટાક્ષાદિને આધારે ધારદાર બનાવે છે. ક્વચિત્ તેણે સુંદર રૂપકો પણ યોજ્યાં છે. પ્રશ્નાલંકારનો પણ તેણે ખૂબીથી વિનિયોગ કર્યો છે. વક્તૃત્વની છટા પણ તેના ગદ્યમાં ઊતરી છે અને સૌથી વધુ તો નિબંધના સ્વરૂપને અનુકૂળ તેવો તેનામાં આત્મલક્ષી અભિગમ હતો. તેના ગદ્ય ઉપર તેના દસ્તક વાંચી શકાય છે. ગદ્યની વિવિધ છટાઓ–લઢણો ઊભી કરી, ગદ્યને નિબંધસર્જન માટે યોગ્ય બનાવનાર આમ નર્મદ પહેલો લેખક છે. એની રચનાઓ ઉદ્દેશપ્રેરિત હતી, જમાનાના પ્રશ્નો પ્રત્યે તે પ્રતિબદ્ધ હતો એ ખરું, પણ લલિતનિબંધના આજના સ્વરૂપની કેટલીક રેખાઓ, એના સંકેતો આપણને પ્રથમ વાર એની રચનાઓમાં મળે છે. આ યુગમાં નવલરામ ‘ઓથારિયો હડકવા’ જેવી હળવી રચના આપે છે. એમનું સુઘડ ને મનોરમ ગદ્ય નિબંધને માટે અનુકૂળ પણ હતું. છતાં એમનું પ્રધાન લક્ષ્ય વિવેચન રહ્યું હોવાથી નર્મદે ઉઘાડી આપેલી દિશા તરફ તેમનો સંચાર નહિવત્ જોવા મળે છે. તે સિવાયના આ ગાળાના દલપતરામ કે કરસનદાસ મૂળજી, મહીપતરામ, હરગોવિંદદાસ કે અન્ય લેખકો નર્યા ઉદ્દેશલક્ષી અને વસ્તુનિષ્ઠ જ રહ્યા છે. નિબંધ વિશેનો એમનો ખ્યાલ પણ લગભગ શાલેયનિબંધનો જ રહ્યો છે. વિચારપ્રધાન નિબંધ તરીકે, અલબત્ત, એ રચનાઓનું મૂલ્ય રહ્યું છે, પણ લલિતનિબંધના નર્મદે પ્રકટાવેલા સંકેતો અહીં કોઈના હાથે ગાઢ બનતા નથી. પંડિતયુગમાં જ્ઞાનોપાસના વધે છે, શિક્ષણનો પ્રસાર થાય છે. મુદ્રણની સગવડો વધતાં અનેક સામયિકો અસ્તિત્વમાં આવે છે. અંગ્રેજી ભાષા-સાહિત્યની સાથે સાથે અરબી-ફારસી ને સંસ્કૃતનો અભ્યાસ વધે છે. મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં વિશ્વવિદ્યાલયોની સ્થાપના થાય છે. રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનથી દેશનાં મુખ્ય મુખ્ય શહેરો અને ભાગોમાં દેશોત્કર્ષની ભાવના દૃઢ બને છે. ધાર્મિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક વિષયો નવી નજરે જોવાવા લાગે છે. જીવનનો અહીં વધુ ગંભીરતાથી વિચાર થાય છે. સાદા અને સરળ ગદ્યને સ્થાને અલંકારવિભૂષિત તેમજ પાંડિત્યપૂર્ણ ગદ્યનો મહિમા વધે છે. આ બધું ગુજરાતી ગદ્ય અને નિબંધ માટે અનેક નવી હવા ઊભી કરી આપે છે. સાંસ્કૃતિક-સાહિત્યિક પરિસ્થિતિમાં આવેલા આ વળાંકને લઈને અહીં અનેકવિધ વિષયો ઉપર લખાય છે, વિદ્વત્તાપૂર્ણ શૈલીમાં ઘણું લખાય છે, પણ મુખ્યત્વે સર્વનું ધ્યાન ગંભીરલેખન પ્રતિ જ રહ્યું છે. પરિણામે નિબંધ અહીં આ યુગના લેખકોને હાથે ગંભીર વિચારોનો વાહક બની રહે છે. એનું લલિતમધુર રૂપ તો આપણને અમુક, અપવાદરૂપ લેખકોમાં અને તેય અમુક માત્રામાં જ જોવા મળે છે. મનસુખલાલ ત્રિપાઠીની સંસ્કૃતપ્રચુર શૈલીમાં લખાયેલા નિબંધો તેમના વિચારતત્ત્વની દૃષ્ટિએ મૂલ્યવાન બન્યા છે. મણિલાલ ન. દ્વિવેદીએ પણ ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ના તંત્રીપદે રહી ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, સાહિત્ય અને કેળવણી વિશે મિતાક્ષરી, ચિંતનગર્ભ અને તેજસ્વી વાક્છટાવાળા ગદ્યમાં ઊંચા પ્રકારની વિચારસામગ્રીવાળા નિબંધોનું સર્જન કર્યું છે. ગંભીર મનોવૃત્તિવાળા નરસિંહરાવને પણ આ પંક્તિમાં જ મૂકી શકીએ છતાં તેમનું ‘વિવર્તલીલા’ સહેજ જુદી રીતે અહીં ઉલ્લેખનીય બને છે. ‘હૃદયમતિ’થી દોરવાઈને લખાયેલા આ નિબંધોને સર્જકના વ્યક્તિત્વનો આહ્લાદક સ્પર્શ મળ્યો છે. કેટલેક સ્થળે તેમનું મૃદુ – કરુણાર્દ્ર હૃદય કશા આવરણ વિના વાચક સાથે અદ્વૈત સાધી વાતો કરતું હોય છે. ગંભીરપણે ખેડાતા આવતા ગુજરાતી નિબંધના આ ગાળામાં રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ અપવાદ રૂપે ‘હાસ્યમંદિર’માં વિનોદનું એક નરવું રૂપ પ્રકટાવે છે. પણ એમાંની રચનાઓનું અનુસન્ધાન નર્મયુક્ત નિબંધો સાથેનું છે, લલિતનિબંધ સાથેનું નહિ. ગંભીર નિબંધોનું સાતત્ય મણિલાલ પછી, એવા જ એના સમર્થ રૂપે આનંદશંકર બા. ધ્રુવમાં જોવા મળે છે. કેવળ નિબંધ દ્વારા જ પોતાના હૃદગતને વ્યક્ત કરનાર આનંદશંકરે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, કેળવણીવિષયક અને સાહિત્યને લગતા અનેક નિબંધો આપ્યા છે. ‘આપણો ધર્મ’ તેમની ધર્મવિષયક વિચારણાનો આકરગ્રન્થ છે. આ સંગ્રહમાંના વાર્ત્તિક કે વ્યાખ્યાન શૈલીના નિબંધો તેમનું વિશિષ્ટ અર્પણ છે. ‘દિવ્યપ્રભાત’, ‘પ્રેમઘટા’ જેવા કલાન્વિત નિબંધોમાં તેમનું ભાવવિભોર વ્યક્તિત્વ સરસ રીતે ખીલ્યું છે. નરસિંહરાવની ‘વિવર્તલીલા’માં દેખાતો લલિતનિબંધ પ્રત્યેનો ઝોક અહીં આનંદશંકરના આ વાર્ત્તિક કે વ્યાખ્યાનશૈલીના નિબંધોમાં પણ એના આસ્વાદ્ય રૂપે જોવાય છે. તે પછી ઉત્તમલાલ ત્રિવેદી, બ. ક. ઠાકોર, ન્હાનાલાલ, રણજિતરામ, ચંદ્રશંકર પંડ્યા, કેશવ હ. ધ્રુવ, વા. મો. શાહ, અમૃતલાલ પઢિયાર, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે અનેક ગદ્યકારોને હાથે ભિન્નભિન્ન વિષયો ઉપર તરેહતરેહની શૈલીચાલનાવાળા નિબંધો મળે છે. પણ ઘણુંખરું એ સર્વનું સંધાન એક યા બીજા પ્રકારના વિચારતત્ત્વ સાથે જ રહ્યું છે. આ બધામાં પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે ખાસ નિર્દેશ કરવો પડે તેવા નિબંધકાર મળે છે અતિસુખશંકર ક. ત્રિવેદી પંડિતયુગના ભારેખમ નિબંધને હળવો અને કલાત્મક બનાવવામાં તેમનો ફાળો વધુ છે. તેમની કેટલીક ઊર્મિકાવ્યસદૃશ, નિર્ભાર રચનાઓમાં લલિતનિબંધની અમુક લય-લચક જોઈ શકાય છે. ‘નિવૃત્તિવિનોદ’ તેમનો નોંધપાત્ર નિબંધસંગ્રહ છે. પંડિતયુગ પૂરો થાય છે ત્યાં સુધી ગુજરાતી નિબંધને લેમ્બ કે લિન્ડ મળતા નથી. એ રીતે જોતાં ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમના પ્રભાવ હેઠળ પાંગરેલાં અન્ય સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં લલિતનિબંધનો એક સ્વતંત્ર સ્વરૂપ તરીકે સ્વીકાર અને એ પ્રકારની કળાપૂર્ણ રચનાઓનું ખેડાણ થોડાક પાછળના સમયની વાત બને છે. ગાંધીયુગ ઉપર આવતાં નિબંધના વિકાસ માટે એક નવું વાતાવરણ સર્જાતું જણાય છે. અગાઉનાં સો વર્ષોમાં નહીં થયેલાં એવાં અનેક ક્ષેત્રે થયેલાં પરિવર્તનો અને આંદોલનોમાંથી સમગ્ર ભારત અને વિશ્વ પણ આ યુગમાંથી પસાર થતું દેખાય છે. ભારતના લોકોની સ્વાતંત્ર્યભૂખ આ અરસામાં તીવ્ર બની ચૂકી હતી. આ તબક્કે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીનું સ્વદેશ પાછા ફરવું, અમદાવાદમાં ‘સાબરમતી’ આશ્રમની સ્થાપના કરી ત્યાંથી લોકકલ્યાણ અને સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓના શ્રીગણેશ માંડવા એ આખી ઘટના અનેકશ : શકવર્તી બની રહે છે. અન્ય ક્ષેત્રોની સાથે સાથે સાહિત્ય ઉપર પણ એનો ઊંડો પ્રભાવ પડે છે. ‘હરિજનબંધુ’ અને ‘નવજીવન’ દ્વારા લેખનપ્રવૃત્તિનો પ્રારંભ કરીને ગાંધીજીએ અનેક વિષયો ઉપર કલમ ચલાવી. અમદાવાદમાં જ તેમણે ‘ગૂજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના કરી. ગાંધીજીના વિચારોથી રંગાઈને આ ગાળામાં વિદ્યાપીઠમાંથી અનેક સ્નાતકો સમાજસેવકો કે લેખકો રૂપે બહાર આવવા લાગ્યા. એક કોસિયો પણ સમજી શકે એવી ભાષાનો લેખકે ઉપયોગ કરવો જોઈએ એવી ગાંધીજીએ કરેલી હિમાયતની આપણા લેખકો ઉપર મોટી અસર થઈ. આમ પહેલી જ વાર સંસ્કૃતપ્રચુર અને અલંકારમંડિત શૈલીને બદલે સાદી, સરળ અને ધ્યેયલક્ષી શૈલી પ્રચારમાં આવી. ગાંધીજીને કારણે શિક્ષિતો અને લેખકોનું ધ્યાન દરિદ્ર જનતા તરફ ગયું. જીવન તરફનું દૃષ્ટિબિંદુ વાસ્તવદર્શી બન્યું. ગ્રામજીવન અને તેનું તળપદું વાસ્તવ સર્જનનો વિષય બનવા લાગ્યાં. ગાંધીજીની આજુબાજુ એક નાનકડું લેખકવૃંદ તૈયાર થયું. વિવિધ પ્રશ્નો અને વિષયોને અભિવ્યક્ત કરવા માટે અનેકાનેક સામયિકો શરૂ થયાં. અત્યાર સુધી લખાતા આવેલા ગુજરાતી નિબંધને બહુવિધ વિષયોમાં વિહરતો કરવાનું માન જો કોઈને આપી શકાય તો તે ગાંધીજીને આપી શકાય. અહીં ચિંતન છે પણ તેનો મેદ કે ભારણ નથી. સ્વાતંત્ર્ય, ધર્મ, નીતિ, આરોગ્ય, કેળવણી વગેરે અગણિત વિષયો ઉપર ગાંધીજીએ સચોટ અને સંક્ષિપ્ત શૈલીમાં લખ્યું છે. તેમના વ્યક્તિત્વ જેવું જ સ્વચ્છ-પારદર્શક ગદ્ય તેમના નિબંધોને આકર્ષક બનાવે છે. પોતે સાહિત્યકાર છે એવો કદી દાવો ન કરનાર ગાંધીજીની ‘ગં.સ્વ. વાસંતીદેવી’, ‘હૃદયની જ્વાળાઓ’, ‘કન્યાકુમારીનાં દર્શન’, ‘એને શી ઉપમા દઈએ?’ અને ‘પરીક્ષા’ જેવી રચનાઓ એમાં ઊંચા બરનું સર્જકત્વ રહેલું છે તેની પ્રતીતિ કરાવી જાય છે. પણ જેને લલિતનિબંધ તરીકે ઓળખીએ છીએ એ તો એના પૂરા કદે, પૂરા માપે જોવા મળે છે કાકાસાહેબ કાલેલકરમાં. લલિતનિબંધના સ્વરૂપ વિશેની એમની સાચી ને પાકી જાણકારી અને એ સ્વરૂપને અનુકૂળ એમની સર્ગપ્રતિભા એમની પાસે ઉત્તમ નિબંધો સર્જાવે છે. શુદ્ધ સર્જનહેતુથી પ્રેરાઈને લખાયેલી તેમની આનંદ પર્યવસાયી રચનાઓએ લલિતનિબંધના સ્વરૂપમાં રહેલી બહુવિધ શક્યતાઓને ભરપૂરતાથી પ્રકટ કરી આપી છે. લલિતનિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે પ્રતિષ્ઠિત થાય છે. પૂર્વના સંસ્કાર-સંસ્કૃતિના અનેક સંદર્ભોથી ઊભરાતું તેમનું ચિત્ર, સૌન્દર્યદર્શી કવિપ્રાણ, શિશુસહજ વિસ્મય, અભિજાત વિનોદ અને રસિક-મધુર ઉપમામઢ્યું ગદ્ય તેમના નિબંધોને અનેરી રસવત્તા અર્પી રહે છે. શુદ્ધ, કલ્પનાપ્રણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમ વાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં શુદ્ધ પ્રકારનો કલ્પનાજન્ય આનંદ પૂરો પાડતી લલિતરચનાઓ છે. પ્રવાસવિષયક સંગ્રહોમાં પણ લલિતનિબંધનો મરોડ જોવા મળે છે. ‘લુચ્ચો વરસાદ’, ‘સખી માર્કંડી’, ‘મધ્યાહ્નનું કાવ્ય’ કે ‘સંધ્યારસ’ જેવા અનેક કાવ્યમય લલિતનિબંધો માત્ર તેમના જ નહિ, ગુજરાતી ભાષાના પણ ઉત્તમ લલિતનિબંધો છે. ગાંધીજીના સાંનિધ્યથી પોષાયા હોય તેવા કિશોરલાલ મશરૂવાળા કે ‘નવજીવન’માં સતત લખતા રહેનાર સ્વામી આનંદ કે તે સિવાયના પંડિત સુખલાલજી વગેરે લેખકો બહુવિધ વિષયોને આવરી લે છે. સ્વામી આનંદનું પ્રાણવંતું ગદ્ય એક જુદી જ ચર્ચાનો મુદ્દો બની શકે તેમ છે. તેમના ચરિત્રાત્મકનિબંધો વિશેષ રૂપે ધ્યાન ખેંચે છે. અન્ય લેખકોનું લક્ષ્ય ઉત્પાદ્ય વિષય રહ્યું છે. આ યુગમાં ગાંધીજૂથની જેમ બીજું મહત્ત્વનું લેખકજૂથ પણ સક્રિય રહ્યું છે. કનૈયાલાલ મુનશી, લીલાવતી મુનશી, વિજયરાય વૈદ્ય વગેરે રૂઢિભંજક બની રોચક ગદ્યમાં ઘણાબધા વિષયો ઉપર લખતાં રહ્યાં છે. ત્રણે પાસે લલિતનિબંધ લખવા માટેની પૂરતી ગુંજાયેશ પણ છે છતાં લીલાવતી મુનશી રેખાચિત્રો તરફ વળી જાય છે અને વિજયરાય વૈદ્ય ‘વિનોદકાન્ત’ ઉપનામને સાર્થક કરે તેવી હાસ્ય-કટાક્ષરચનાઓ તરફ કેન્દ્રિત બને છે. મુનશી મુખ્યત્વે નવલકથા – નાટક પ્રતિ એકાગ્ર હોય છે. નિબંધાત્મક લખાણો તેમની પાસેથી મળે છે પણ આડપેદાશ રૂપે. રામનારાયણ વિ. પાઠકના ‘સ્વૈરવિહાર’માંના નિબંધોને અહીં એક બીજા જ કારણસર યાદ કરવા રહે. કશા દૃઢ બંધનમાં બંધાયા વિના અહીંતહીં ઊડાઊડ કરી તેઓ એક જ રચનામાં અનેક વિષયોને સ્પર્શી આવે છે. એ રીતે એમનો આ યદૃચ્છાવિહાર લલિતનિબંધનું જ એક લક્ષણવિશેષ બને છે. પણ તેમની રચનાઓ કટાક્ષ તરફ વધુ ઢળી જતાં એનું લક્ષ્ય ચૂકી જાય છે. મનનનું તત્ત્વ પણ આગળ રહે છે. ‘ધૂમકેતુ’, ર. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, નવલરામ ત્રિવેદી અને જયંતિ દલાલ વગેરેમાં આવો કટાક્ષ એની વધુ તેજ ધાર સાથે પ્રકટ થઈ કટાક્ષપ્રધાન રચનાઓનો તંતુ લંબાવે છે. આ દરમ્યાન રતિલાલ ત્રિવેદી ‘એક ઉષ :કાલની સમૃદ્ધિ’ કે અંબાલાલ પુરાણી ‘ગગનવિહાર’ અને ‘વસુંધરા’ જેવી રચનાઓ દ્વારા ક્વચિત્ લલિતનિબંધના તારની ધ્રુજારીને જારી રાખતા જોવા મળે છે. પ્રભુદાસ ગાંધી અને કિસનસિંહ ચાવડા જેવા લેખકો મુખ્યત્વે ચરિત્રાત્મક નિબંધો આપે છે. કાકાસાહેબ પછી નિબંધને શુદ્ધ રૂપે ખીલવવાનું વલણ વિનોદિની નીલકંઠમાં જોવા મળે છે. પ્રસન્ન ગદ્યમાં કલ્પનાના આછા-પાતળા રંગો વડે નિજત્વને પ્રકટ કરતાં કરતાં તેઓ આનંદદાયક રચનાઓ કંડારી કાઢે છે. ‘રસદ્વાર’ અને ‘નિજાનંદ’માં એવી કેટલીક સ્વચ્છ લલિતરચનાઓ મળે છે. ઉમાશંકર જોશી પછી કાકાસાહેબથી જુદા પડીને લલિતનિબંધનો એક નવો ખૂણો કાઢી બતાવે છે. ‘ઉઘાડી બારી’ની સરખામણીમાં ‘ગોષ્ઠી’સંગ્રહ આ સંદર્ભમાં વિશેષ રૂપે ઉલ્લેખનીય બને છે. કોઈપણ વિષયને વ્યક્તિત્વથી ભીંજવી દઈ, વાતચીતની ઉષ્મા દાખવતા ગદ્યમાં તેઓ આસાનીથી રચના જન્માવે છે. નિબંધ બે આત્મા વચ્ચેની ગોષ્ઠી છે એ તેમની રચનાઓ વાંચતાં સમજાય છે. તેમનો નર્મ પણ ધ્યાનપાત્ર છે. ‘વાર્તાલાપ’, ‘મિત્રતાની કલા’ જેવી તેમની રચનાઓ નિબંધના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી આપે છે. કાકાસાહેબ સૌન્દર્યવિહાર દ્વારા નિજને પ્રકટ કરી કૃતિ રચે છે, તો ઉમાશંકર વાર્તાવિહાર દ્વારા ખુદને વ્યક્ત કરતા રહી રચના આકારે છે. તેમની પ્રવાસવિષયક રચનાઓ પણ કળાપૂર્ણ રહી છે. સુંદરમ્ ‘દક્ષિણાયન’ના પ્રવાસનિબંધોમાં નિબંધનું લલિતરૂપ પ્રગટ કરી આપે છે. એમનું અનુસન્ધાન કાકાસાહેબ સાથે વિશેષ છે. ‘ચિદમ્બરા’ની ‘એક મીઠું પ્રકરણ’, ‘ચાલતાં આવડે છે?’ કે ‘મદ્રાસી જલપરી’ જેવી રચનાઓમાં તેઓ ભિન્ન રીતે નિબંધ સિદ્ધ કરતા જણાય છે. અહીં તેમની શૈલી વિનોદી, વાર્તાલાપી બને છે. આ ગાળામાં ગદ્યને એક યા બીજા મિષે ખેડનારા અનેક લેખકો મળે છે. એમનાં લખાણોમાં ગદ્યની ઘણી વાર રમણીય છટાઓ પ્રકટતી રહી છે, એને રસલક્ષી રૂપ પણ મળે છે છતાં પ્રત્યક્ષપણે તેનો સંબંધ નિબંધના કલાસ્વરૂપ સાથે જોડી શકીએ તેમ નથી. જ્યોતીન્દ્ર દવે જેવા સત્ત્વસંપન્ન નિબંધકારનો ઉદ્દેશ પણ પ્રમુખપણે હાસ્ય ઉત્પન્ન કરવાનો ને તદ્નિમિત્તે મનુષ્યજીવનની કોઈક ન્યૂનતાને કે વિકૃતિને પ્રકટ કરવાનો રહ્યો છે. એવી કૃતિઓનું કુળ હાસ્યનિબંધનું છે, વ્યક્તિત્વથી પ્લાવિત પરિચિત ગોષ્ઠીરૂપ લલિતનિબંધનું નહિ. છેલ્લા બેત્રણ દાયકામાં નિબંધનું તાજગીભર્યું રૂપ પ્રકટતું જણાય છે. આ ગાળામાં સાંસ્કૃતિક-સાહિત્યિક પરિસ્થિતિમાં નૂતન વળાંકો આવતા રહ્યા છે. વિજ્ઞાન વડે ભૌતિક સુખસગવડોમાં અકલ્પ્ય વધારો થયો છે, તો તેનાથી માનસિક શાંતિ જોખમાયેલી પણ લાગે છે. બે વિશ્વયુદ્ધો પછી અને યાંત્રિક સંસ્કૃતિના દુ :સહ અનુભવો પછી એક પ્રકારની વ્યાપક હતાશા જણાય છે. નવીન સાહિત્યકારોના એક વર્ગનો આ હતાશાને કલામય અભિવ્યક્તિ આપવાનો પ્રયત્ન રહ્યો છે. અગાઉના કોઈપણ ગાળા કરતાં આંતરરાષ્ટ્રીય સાહિત્યનો પરિચય પણ વધ્યો છે. ધર્મ-નીતિ-ઈશ્વર વિશેના ખ્યાલોમાં પણ પરિવર્તન આવ્યું છે. સમય અને મૃત્યુ વિશે માનવી વધારે સજાગ બન્યો છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં આધુનિકતાનો સંચાર કરવાની પહેલ કરનાર સુરેશ જોષીને હાથે, સાતમા દાયકાની મધ્યમાં નિબંધનો ‘જનાન્તિકે’(૧૯૬૫) દ્વારા નવો ચહેરો પ્રગટી આવે છે. ‘દૂરના એ સૂર’(૧૯૭૦)માં દિગીશ મહેતા પણ નિબંધને નવે રૂપે પ્રગટાવે છે. નિબંધના સર્જન સાથે આ સર્જકોની પ્રમાણમાં વધુ ઊંડી નિસબત રહી જણાય છે. ‘જનાન્તિકે’ની પ્રસ્તાવનામાં સુરેશ જોષીનો ‘જનાન્તિક ઉચ્ચારણ’ જેવો શબ્દપ્રયોગ નિબંધના નવા ચહેરાને બરાબર તાકે છે. તેમની નિબંધલેખન પ્રવૃત્તિનો એક છેડો છેક નવમા દાયકા સુધી વિસ્તર્યો છે. નિબિડ આત્મીયતાથી દ્રવતી, નિખાલસતાની આબોહવાવાળી, કલ્પનાસૃષ્ટિ ગદ્યમાં સર્જાયેલી તેમની રચનાઓ સમ્યક અર્થમાં જનાન્તિક સ્વરૂપની બની છે. યુદ્ધોત્તર વિશ્વનો માનવી, એના અસ્તિત્વની છિન્નતા, યંત્રસંસ્કૃતિની સંકીર્ણતા ને નગરજીવનની દુર્ભગતા – એ આખો પરિવેશ અને કાલિદાસ – ભવભૂતિ, નિત્શે, બેકેટ, બોદલેર, રેમ્બો, રિલ્કે, ટાગોર જેવા અનેક સર્જકોની શબ્દસૃષ્ટિ – એ બંને વાનાં એમના પેલા જનાન્તિક ઉચ્ચારણમાં ભળતાં રહીને એને વિશિષ્ટ પરિમાણ પણ અર્પે. પુષ્પો, વૃક્ષો, પવન, શૈશવ અને એમનાં રસ-રુચિ બધું તેમાં પ્રસંગોપાત્ત પ્રગટે છે. નિબંધ કેવો હોઈ શકે તેનો તૃપ્તિકર અનુભવ તેઓની રચનાઓ કરાવી રહે છે. દિગીશ મહેતામાં પ્રકટતો ‘હું’ લાક્ષણિક છે. પુષ્પ, વૃક્ષ કે પવનની સૃષ્ટિ અથવા એમાંની કાવ્યમયતા અહીં ભાગ્યે જ મળવાનાં. દિગીશના ‘હું’ને કલ્પના કરતાં વાસ્તવનું અવલંબન વધુ છે. સ્મરણો કે સ્મૃતિસાહચર્યોને આધારે તેઓ એ ‘હું’ને વિસ્તારે છે. તેમના અંગતમાં તળની અસલિયત આસ્વાદનું કારણ બને છે. અંગ્રેજી વાક્યમરોડનું સ્મરણ કરાવે એવી સરળ અને વાતચીતના તળપદા શબ્દોથી દીપ્ત વાક્યાવલિ વડે તે નિબંધ રચે છે. એ ભાષામાં ચિત્રાંકનની શક્તિ ધ્યાન ખેંચે એટલી માત્રામાં છે. આઠમા દાયકામાં અગ્રસ્થાને મૂકવા પડે તેવા નિબંધકારોમાં ભોળાભાઈ પટેલ અને ચંદ્રકાન્ત શેઠ મુખ્ય છે. બંને નોખી રીતે ગતિ કરીને નિબંધને વિશિષ્ટ રૂપે ખીલવે છે. ભોળાભાઈનો ‘હું’ ભર્યોભાદર્યો ‘વિદિશા’ની રચનાઓમાં વિષ્ણુસહસ્ર નામની જેમ એ એનાં અનેક રૂપે વ્યક્ત થતો રહે છે. એમની રચના ઘણુંખરું પ્રવાસનું અવલંબન લઈને આગળ વધે છે. પણ એ તો એકમાત્ર નિમિત્ત. ખરું તો તે મિષે તેઓ ડગેડગ સૌન્દર્યભ્રમણ કરે-કરાવે છે. ભીતરની સંપત્તિને જ તેઓ ખીલવે છે. એમની સર્જકતાનો જાદુ પ્રવાસના અનુભવને સૌંદર્યાનુભવમાં રૂપાંતરિત કરવામાં રહેલો છે. તેમનું ગદ્ય સુકુમાર અને અભિરામ છે. ચંદ્રકાન્ત શેઠે ‘નંદ સામવેદી’માં સાવ અરૂઢ રૂપે નિબંધને ખેડવાનું સાહસ દાખવ્યું છે. અહીં માનવીના વ્યક્તિત્વની અધર સેલ્ફના ભિન્ન ભિન્ન તંતુઓ નિબંધ રૂપે આવે છે. તેથી પ્રગટ થતા ‘હું’નું રૂપ પણ નિરાળું રહ્યું છે. ભાષાને સરળતાથી રહેવા દઈ વક્રતાના તત્ત્વ વડે તેમણે અંત :સ્થ સંવેદનને અને એના ધારક પેલા ‘હું’ને નિબંધની આગવી ભૂમિકાએ પ્રગટ કર્યાં છે. ‘ધૂળમાની પગલીઓ’માં સ્મરણાત્મક રચનાઓ છે. વાડીલાલ ડગલી (‘શિયાળાની સવારનો તડકો’), ભગવતીકુમાર શર્મા‘(શબ્દાતીત’), સુરેશ દલાલ (‘મારી બારીએથી’, ‘સાવ એકલો દરિયો’, ‘મારો આસપાસનો રસ્તો’ વગેરે), વિષ્ણુ પંડ્યા (‘હથેળીનું આકાશ’), ગુણવંત શાહ (‘વગડાને તરસ ટહુકાની’, ‘ઝાકળભીનાં પારિજાત’, ‘કાડિર્યોગ્રામ’ ‘રણ તો લીલાંછમ’ વગેરે) આદિએ પણ લલિતનિબંધક્ષેત્રે અર્પણ કર્યું છે. રઘુવીર ચૌધરી(‘સહરાની ભવ્યતા’), અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘નામરૂપ’) વગેરેએ ચરિત્રને લક્ષ કરીને નિબંધો આપ્યા છે. બકુલ ત્રિપાઠી(‘વૈકુંઠ નથી જાવું’), વિનોદ ભટ્ટ (‘વિનોદની નજરે’) વગેરેએ હાસ્યના તાર વડે પણ ક્યારેક સરસ નિબંધો સર્જી આપ્યા છે. ઉપરાંત હરીન્દ્ર દવે (‘નીરવ સંવાદ’), જ્યોતિષ જાની (‘શબ્દના લેન્ડસ્કેપ’)એ ક્યારેક વિચારના કોઈ તંતુ લઈને, ક્યારેક ચરિત્રને કેન્દ્રમાં રાખીને નિબંધો લખ્યા છે. ‘પવનની વ્યાસપીઠ’ અને ‘સ્ટેચ્યુ’ દ્વારા અનિલ જોશીએ વિસ્મય અને વાસ્તવ – એમ બે છેડેથી રચનાઓ કંડારી છે. પત્રકારત્વના ચબરાકીપણાને અતિક્રમવાનું જ્યાં બન્યું છે ત્યાં પરિણામ સ્પૃહણીય આવ્યું છે. લાભશંકર ઠાકર, પ્રવીણ દરજી, મણિલાલ પટેલ વગેરેનું પણ આ ક્ષેત્રે પ્રદાન છે. હમણાં થોડાંક વર્ષોથી નિબંધ લેખકોનું પ્રિય સ્વરૂપ બનતો જણાયો છે. તેથી જ કદાચ નવલકથા કે અન્ય સાહિત્યસ્વરૂપ સાથે ઘેરી નિસબત ધરાવનારા ઘણાખરા સર્જકો કોઈક ને કોઈક નિમિત્તે પ્રવાસ, સ્મરણ, શૈશવ, ચરિત્ર વગેરેનો આધાર લઈ નિબંધલેખન કરી રહ્યા છે. આવા નિબંધોમાં જ્યાં વ્યક્તિત્વનું નિર્વ્યાજ પ્રકટીકરણ થયું છે ત્યાં પરિણામ ઊજળું આવ્યું છે. હાસ્ય કે વિચારતત્ત્વને આગળ કરીને ગદ્યમાં લખનાર ગદ્યકારો પણ ઘણા મળે છે. તાજેતરનાં વર્ષોમાં સંખ્યાબંધ લેખકો અનેક મિષે ગદ્ય તરફ વળ્યા છે પણ મોટા ભાગનાં લખાણોની આંતરબાહ્ય પ્રકૃતિ શુદ્ધ સર્જન કરતાં વધુ તો ઇતર કારણોથી પ્રેરિત હોઈ નિબંધ કે લલિતનિબંધની ગતિવિધિ સાથે એને સીધી રીતે સાંકળી શકીએ તેમ નથી. ગુજરાતી નિબંધ તરફ દૃષ્ટિપાત કરતાં એક વાતની જરૂર પ્રતીતિ થઈ રહે છે અને તે આ સ્વરૂપ પરત્વેની આજના લેખકની સક્રિયતા અને મથામણ. આવી સક્રિયતા અને મથામણને કારણે જ છેલ્લા દોઢેક દાયકાના નિબંધના વિકાસની ગતિ કંઈક વધુ તીવ્ર – તેજ રહી જણાય છે. પ્ર.દ.