ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય અકાદમી-બ્રિટન



ગુજરાતી સાહિત્ય અકાદમી (બ્રિટન): ૧૯૭૭ના ફેબ્રુઆરીની ૧૨મીએ યોજાતા બંધારણ સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીની બ્રિટનમાં સ્થાપના થઈ. ગુજરાતી સાહિત્ય, ભાષા અને સંસ્કારપ્રવૃત્તિનો ત્યાંની ગુજરાતી પ્રજામાં પ્રચાર-પ્રસાર કરવાનો તેનો હેતુ છે. આથી કવિસંમેલનો, સાહિત્યસભાઓ, પ્રવચનો, પરીક્ષાઓ, પ્રકાશનોનું આયોજન થાય છે. બાળકોના હિતાર્થે ગુજરાતી શીખવા ત્યાંના સંજોગોને અનુરૂપ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. ‘અસ્મિતા’ નામનું વાર્ષિક મુખપત્ર છે. ૧૯૮૬માં મહોત્સવનો વિશેષાંક ‘આહ્વાન’ પ્રસિદ્ધ થયેલો. પાંચ સ્તરની પરીક્ષાઓને ૧૯૯૨થી ગુજરાતરાજ્યની એસ. એસ. સી. પરીક્ષાની સમકક્ષ ગણવામાં આવી છે. ગુજરાતી બોલીએ, વાંચીએ અને લખીએ જેવાં સૂત્રો આ રીતે સાર્થક કર્યાં છે. ઘરઘરમાં ગુજરાત ઊભું કરવાની અકાદમીની નેમ છે. વાર્તા, કાવ્ય, નિબંધ અને નાટ્યવિષયક સાહિત્યોત્કર્ષ હરીફાઈઓ પણ ગોઠવાય છે. બ્રિટનમાં ગુજરાતી ઉપરાંત પંજાબી, ઉર્દૂ, બંગાળી આદિ ભાષાઓ બોલાય-ભણાવાય છે, ગુજરાતી સાહિત્ય અકાદમી મારફત પણ આટલી વ્યવસ્થિત રીતે આયોજન કરનાર ગુજરાતી જ પ્રથમ છે. જ.પ.