ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસુધા


જ્ઞાનસુધા : રમણભાઈ નીલકંઠના તંત્રીપદે ૧૮૮૭માં સ્થપાયેલું પ્રાર્થનાસમાજનું સાપ્તાહિક મુખપત્ર. પછીથી પાક્ષિક. ૧૮૯૨થી માસિક. અંતનાં વર્ષોમાં એનું સંપાદન જીવનલાલ અમરશી મહેતા અને ગટુભાઈ ધ્રુવે સંભાળ્યું હતું. સાહિત્ય, ધર્મ તત્ત્વજ્ઞાન, રાજકારણ, વિજ્ઞાન, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, વગેરે વિષયોમાં ‘વૃત્તિમય ભાવાભાસ’, ‘કવિત્વરીતિ’, ભક્તિ અને નીતિ’, ‘વાસના અને પુનર્જન્મ’, ‘લગ્નના હક અને કેદ’, ‘ગુજરાતની જોડણી’, ‘સિદ્ધાન્તસારનું અવલોકન’, ‘મૃત્યુ અને તે સંબંધી વિચાર’ જેવા લેખો ઉપરાંત ‘પૃથુરાજરાસા’ અને ‘વસંતોત્સવ’ જેવી કાવ્યકૃતિઓ તથા ‘રાઈનો પર્વત’ સિવાયનું રમણભાઈનું સઘળું સાહિત્યસર્જન ‘જ્ઞાનસુધા’માં જ પ્રથમ પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્યની સાક્ષરપેઢીની લેખનપ્રવૃત્તિનાં દિશા અને દોર ‘જ્ઞાનસુધા’ની સામગ્રી દ્વારા ચીંધાયાં છે એ આ સામયિકની મહત્તા સૂચવે છે. ર.ર.દ.