ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જન્મભૂમિ


જન્મભૂમિ : સૌરાષ્ટ્રમાં ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફૂલછાબ’નો મજબૂત પાયો નાખ્યા પછી અમૃતલાલ શેઠને મુંબઈમાંથી એક દૈનિકપત્ર શરૂ કરવાની ઇચ્છા થઈ, જે ‘જન્મભૂમિ’ના સ્વરૂપમાં મૂર્તિમંત થઈ. ૧૯૩૪ના એપ્રિલમાં ‘રાજસ્થાની પ્રજાની સેવા અર્થે’ એમણે ‘સન’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું, પણ એ ન ચાલ્યું, એટલે એ બંધ કરી બે-ત્રણ માસમાં જ ‘જન્મભૂમિ’નો પ્રારંભ કર્યો. ૧૯૪૦માં કેટલાક સંજોગોવશ એમણે એનું તંત્રીપદ છોડ્યાું અને શામળદાસ ગાંધી તંત્રી બન્યા. આ ગાળામાં ‘જન્મભૂમિ’એ સારી લોકપ્રિયતા હાંસલ કરી. સૌરાષ્ટ્રની જોશીલી ભાષાશૈલીનો વારસો ‘જન્મભૂમિ’ને પણ મળ્યો. પરિણામે એણે એક આગવું સ્થાન ઊભું કર્યું. આઝાદીસંગ્રામમાં આ જોમભરી ભાષાએ લોકોમાં રાજકીય જાગૃતિ લાવવાનું કામ કર્યું. અમૃતલાલ શેઠ થોડા સમયમાં ફરી મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાઈ ગયા. ચંદ્રકાન્ત સુતરિયા થોડો સમય તંત્રી રહ્યા. ૧૯૪૧માં અમૃતલાલ શેઠ ફરી તંત્રીપદે આરૂઢ થયા. એમણે આઝાદી ચળવળને ટેકો જાહેર કર્યો અને દેશી રાજ્યોની પ્રજાને માટે લડવાનો કોલ દોહરાવ્યો. ‘જન્મભૂમિ’માં અનેક નવા વિભાગો ઉમેર્યા. ઝવેરચંદ મેઘાણીના ‘કલમ અને કિતાબ’ વિભાગે અનેરું આકર્ષણ ઊભું કર્યું. વિશ્વયુદ્ધના સમાચારોને આવરી લેવાની એની ખેવના પણ વખણાઈ. એ સમયે ‘જન્મભૂમિ’એ કુલ ૧૩૭ ખબરપત્રીઓ રોક્યા હતા. ખાસ વિષયો અંગે લખવા માટે અનેક વિદ્વાનોને રોકવામાં આવેલા. ૬૦ વર્ષની મજલ વટાવીને ‘જન્મભૂમિ’ આજે પણ મુંબઈની પ્રજામાં બપોરના દૈનિક તરીકેની પોતાની પ્રતિષ્ઠા ટકાવી શક્યું છે. યા.દ.